- કોન્ટ્રાક્ટર ટ્રાવેલ ટાઈમ કંપનીના ડ્રાઈવરોએ 40 ટ્રિપ ખોરવી દીધી, ઝૂંડાલથી RTO, નારોલ રૂટ બંધ
- હવે BRTSના ડ્રાઇવરો ડ્યૂટી પર મોબાઇલ રાખશે તો બે દિવસ સસ્પેન્ડ કરાશે
- 20 જગ્યાએ 275 બસનું ચેકિંગ, 2 પાસેથી મોબાઈલ પકડાયાં
Divyabhaskar.com
Dec 03, 2019, 05:11 AM ISTઅમદાવાદ: પાંજરાપોળ પાસે બીઆરટીએસના અકસ્માતના બનાવમાં સોમવારે જવાબદાર ડ્રાઇવરની ધરપકડ બાદ તેને સેન્ટ્રલ જેલ મોકલી આપ્યો છે. તેને છોડી મુકવાની માગ સાથે કોન્ટ્રાક્ટર ટ્રાવેલ ટાઇમના 40 ડ્રાઇવરો સાંજે 5 વાગ્યે હડતાળ પર ઉતરી ગયા હતા, જેના પગલે ઝંૂડાલથી આરટીઓ અને ઝૂંડાલથી નારોલ રૂટ પરના હજાર મુસાફરો રઝળી પડ્યા હતા. મોડી રાત્રે મ્યુનિ.એ કોન્ટ્રાક્ટરને બ્લેક લિસ્ટ કરવાની ચીમકી આપતા હડતાળ સમેટાઈ હોવાનું જનરલ મેનેજર વિશાલ ખનામાએ જણાવ્યું હતું.
મ્યુનિ. સંચાલિત બીઆરટીએસ બસના અકસ્માતની ઘટનામાં જવાબદાર બીઆરટીએસ બસના ડ્રાઇવર ચિરાગ પ્રજાપતિને પોલીસે સાબરમતી જેલમાં મોકલી આપ્યો હતો. તેની ધરપકડ અને તેને જેલમાં મોકલવાના સમાચાર સાંજે 6 વાગે ટ્રાવેલ ટાઇમ કોન્ટ્રાક્ટર સાથે સંકળાયેલા ડ્રાઇવરોને થતાં તેઓ હડતાળ પર ઉતરી ગયા હતા. હડતાળ સાથે ડ્રાઇવરોએ તેમના ડ્રાઇવરને મુક્ત કરવાની માગ કરી હતી. તો બીજી તરફ મ્યુનિ. તંત્રે સ્પષ્ટ કહી દીધુ હતું કે, પોલીસની કામગીરી સંપૂર્ણપણે યોગ્ય છે. કોન્ટ્રાક્ટરને પણ કહી દેવામાં આવ્યું હતું કે, તમામ ડ્રાઇવરને સમજાવીને પુન: કામ પર પરત આવવા જણાવી દો. અંદાજે 40 બસોની ટ્રિપને અસર થતા મુસાફરોએ ભારે હાલાકી ભોગવવી પડી હતી. જોકે મોડી રાત્રે 10 વાગ્યે ડ્રાઇવરો સાથે વાતચીત બાદ તમામ માની ગયા હતા અને આવતીકાલથી તમામ બસોને રાબેતા મુજબ દોડશે.
ડ્રાઇવરો મોબાઇલ રાખશે તો કોન્ટ્રાક્ટરને પણ દંડ
બીઆરટીએસના 20 રૂટો પર સોમવારે વહેલી સવારથી ડ્રાઈવરોનું ચેકિંગ કરાયું હતું. 275 બસો ચેક કરી તેમાં 2 ડ્રાઈવરો પાસેથી મોબાઈલ પકડાતા જપ્ત કર્યો હતો. હવે ડ્રાઈવર મોબાઈલ રાખશે તો 2 દિવસ સસ્પેન્ડ કરાશે અને કોન્ટ્રાક્ટરને પણ દંડ કરાશે.
BRTSના કોરિડોરમાં ઘૂસેલા100 લોકો પાસે 1.50 લાખનો દંડ વસૂલ કરાયો
મ્યુનિ. દ્વારા આરંભાયેલી ઝુંબેશ હેઠળ અલગ અલગ 20 સ્થળે જેટ તેમજ પોલીસ દ્વારા હાથ ધરાયેલી ઝુંબેશ અંતર્ગત 100 લોકો પકડાયા હતા તેમજ તેમની પાસેથી 1.50 લાખનો દંડ વસુલ્યો હતો. હજુ આ ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે.
મ્યુનિ.ની મુખ્ય કચેરી પાસે જ જેટની ટામે સૌથી વધુ 18 લોકોને દંડ કર્યો
વિસ્તાર | પકડાયા | દંડ |
લીલાનગર | 5 | 10500 |
ઠક્કરનગર | 1 | 1500 |
હીરાવાડી | 2 | 3000 |
ધનુષધારી મંદિર પાસે | 1 | 1500 |
સારંગપુર દરવાજા | 4 | 2500 |
કર્ણમુક્તેશ્વર પાસે | 18 | 17500 |
રાયપુર દરવાજા | 6 | 9500 |
આસ્ટોડિયા દરવાજા | 5 | 4500 |
એએમસી ઓફિસ | 18 | 15000 |
જોધપુર ચાર રસ્તા | 3 | 5000 |
સ્ટાર બજાર પાસે | 1 | 1500 |
પોલીસ દ્વારા કામગીરી
વિસ્તાર | પકડાયા | દંડ |
ઉત્તર ઝોન | 24 | 39000 |
મેમ્કો પાસે | 10 | 18000 |