સ્ટિંગ ઓપરેશન / ડાયલ 100 : આ રૂટની બધી લાઇનો ભ્રષ્ટ છે...! શું 100 નંબર બુટલેગરો માટે છે? 

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

  • સવાલ: પોલીસ કન્ટ્રોલ રૂમ પર કોનો કન્ટ્રોલ?
  • જવાબ :  અમદાવાદના પાંચ અપરાધી સામે કન્ટ્રોલ રૂમને ફરિયાદ કરી, તો ગણતરીની મિનિટોમાં ગુનેગારોએ ફરિયાદીને ફોન કરીને ચીમકી આપી 
  • પાંચ સ્થળે પાંચ સ્ટિંગ ઑપરેશનમાં અસામાજિક તત્ત્વો સાથે પોલીસની મીલીભગતનો પર્દાફાશ
  • ફરિયાદ કર્યાની 16 મિનિટમાં ફરિયાદ કરનારનો નંબર આરોપી પાસે પહોંચ્યો
  • અપરાધીએ જાતે સ્વીકાર્યું કે કન્ટ્રોલ રૂમમાં ફરિયાદ કરનારનો નંબર પોલીસે જ આપ્યો 
  • એકલા અમદાવાદ શહેરમાં 300થી વધુ બુટલેગરોનો ધીકતો કારોબાર

Divyabhaskar.com

Sep 08, 2019, 03:54 AM IST

શાયર રાવલ, અમદાવાદ: અમદાવાદમાં પોલીસ કન્ટ્રોલ રૂમમાંથી બુટલેગરોને માહિતી પહોંચાડવામાં આવે છે. દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઑપરેશનમાં આ ઘટસ્ફોટ થયો હતો. શહેરમાં પાંચ જુદા-જુદા સ્થળેથી પાંચ અલગ અલગ અપરાધીઓ વિરુદ્ધ 100 નંબર પર કૉલ કરીને પોલીસ કન્ટ્રોલ રૂમને ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ કર્યાની માત્ર 16 જ મીનિટમાં જેની સામે ફરિયાદ થઈ હતી એ બુટલેગરે ફરિયાદ કરનારને ફોન કર્યો હતો, અને હવે પછી કન્ટ્રોલ રૂમમાં મેસેજ નહીં કરવાની ચીમકી આપી હતી. એટલું જ નહીં ભાસ્કરના રિપોર્ટરે નંબર કેવી રીતે મળ્યો એવું અપરાધીને પૂછ્યું તો તેણે બેધડક સ્વીકાર્યું કે પોલીસ પાસેથી જ નંબર મળ્યો છે. કાયદાકીય જોગવાઈ મુજબ કન્ટ્રોલ રૂમમાં કૉલ કરનારની ઓળખ ગુપ્ત રાખવી પડે છે. પણ આ સ્ટિંગ ઑપરેશનમાં પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચેની મીલીભગતનો પર્દાફાશ થયો છે. સ્ટિંગ ઑપરેશનમાં સ્પષ્ટ થયું છે કે કન્ટ્રોલ રૂમમાંથી બુટલેગરોને સીધી મદદ પહોંચાડવામાં આવે છે.

રિપોર્ટરે દારૂ અને જુગારનો ધંધો કરતા લોકો સામે 100 નંબર પર ફરિયાદ કરી
રિપોર્ટર: હું સરદારનગરથી વાત કરું છું. સરદાર નગર રેલવે ફાટકની ગલીમાં ખુલ્લેઆમ દારૂ અને જુગારનો ખૂબ મોટો અડ્ડો ચાલી રહ્યો છે.

ફરિયાદના ગણતરીના કલાકોમાં જ ફરિયાદીનો નંબર ગુનેગારો પાસે પહોંચ્યો
માત્ર 16 મિનિટમાં તો અન્ય કેસમાં ગણતરીના કલાકોમાં ફરિયાદ કરનાર રિપોર્ટર પર અજાણ્યા નંબરેથી કૉલ આવ્યો. આ કૉલ જેની સામે ફરિયાદ કરી એનો હતો.

જેમની ફરિયાદ કરી એ આરોપીઓએ રિપોર્ટરને ફોન કરીને ચેતવણી આપી
જેની સામે ફરિયાદ કરી એ આરોપીએ ફરિયાદીને ધમકી આપી, ‘100 નંબર પર કેમ ફોન કરો છો? હવે કન્ટ્રોલ મેસેજ ન કરતા.’ એમ કહીને ચીમકી આપી.

આખરે શા માટે આ સ્ટિંગ ઑપરેશનની જરૂર પડી?
સૂત્રો પાસેથી માહિતી મળી કે કન્ટ્રોલ રૂમમાંથી ફરિયાદીનો નંબર આરોપીને આપી દેવાય છે. ભાસ્કરે આ માહિતીની ચકાસણી કરવા માટે સ્ટીંગ ઑપરેશન હાથ ધર્યું. જેનો આશય પોલીસની છબિ ખરડવાનો નહીં પણ સિસ્ટમને વધારે બહેતર બનાવવાનો છે.

રિપોર્ટરે 100 નંબર ડાયલ કરીને અપરાધીઓ સામે ફરિયાદ કરી, ગણતરીના કલાકોમાં આરોપીઓના માણસોએ ફોન કરીને ફરિયાદ કરનારને ધમકી આપી, આવું એક નહીં પાંચ-પાંચ વખત બન્યું

ઘટસ્ફોટ શું 100 નંબર બુટલેગરો માટે છે?
સામાન્ય માણસો અસામાજિક તત્વો દ્વારા થતી કનડગત અંગે ફરિયાદ કરીને પોલીસની મદદ માગી શકે એ માટેના100 નંબર કાર્યરત છે. આ નંબર પોલીસ કન્ટ્રોલ રૂમનો છે જ્યાંથી ફરિયાદ કરનારને માર્ગદર્શન, મદદ કરવામાં આવે છે. દિવ્ય ભાસ્કરના સ્ટિંગ ઑપરેશનમાં પોલીસ કન્ટ્રોલ રૂમ ફરિયાદીને મદદ કરવામાં કેટલી તત્પરતા દાખવે છે એ ચકાસવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેના પરિણામો ચોંકાવનારા મળ્યા છે. દિવ્ય ભાસ્કરના રિપોર્ટરે અમદાવાદ શહેરના પાંચ જુદા-જુદા સ્થળેથી દારૂ, જુગારના અડ્ડા ચલાવતા વિવિધ અસામાજિક તત્વો અંગે 100 નંબર ડાયલ કરીને પોલીસ કન્ટ્રોલ રૂમને જાણ કરી હતી. રિપોર્ટરે દરેક આરોપીઓના નામ, સરનામા સુદ્ધા જણાવ્યા હતા. કન્ટ્રોલ રૂમને જાણ કર્યાના ગણતરીના કલાકોમાં રિપોર્ટરનો નંબર જેની સામે ફરિયાદ કરી હતી એ આરોપીઓ પાસે પહોંચી ગયો. એટલું જ નહીં આરોપીઓ તથા તેમના સાગરિતોએ રિપોર્ટરને ફોન કરીને હવે પછી કન્ટ્રોલ રૂમમાં ફોન નહીં કરવાની ગર્ભિત ચેતવણી પણ આપી. વાંચો વિસ્તૃત અહેવાલ....

પાંચ અપરાધી સામે ફરિયાદ, પોલીસે ફરિયાદી નહીં ગુનેગારને મદદ કરી
ભાસ્કરના રિપોર્ટરે ફરિયાદી તરીકે 100 નંબર ડાયલ કરીને કન્ટ્રોલ રૂમને ફરિયાદ કરી. પાંચ વખત અલગ-અલગ ફરિયાદ કરવામાં આવી પણ પાંચે-પાંચ વખત કન્ટ્રોલ રૂમમાંથી અપરાધીને ફરિયાદીનો નંબર આપી દેવાયો. અને અપરાધીઓએ વળતો કૉલ કરીને ફરિયાદીને ગર્ભિત ચીમકી આપી. આ રહ્યા સ્ટિંગના પાંચ કિસ્સા....

સ્ટિંગ-1: સરદારનગર પોલીસ સ્ટેશન
રિપોર્ટરે પૂછ્યું, મારો નંબર ક્યાંથી મળ્યો? બુટલેગરે: એ તો મળી જાય ને
પહેલા 100 નંબર પર ફરિયાદ...
રિપોર્ટરઃ હું સરદારનગરથી વાત કરું છું. સરદાર નગર રેલવે ફાટકની ગલીમાં ખુલ્લેઆમ દારૂ અને જુગારનો ખુબ મોટો અડ્ડો ચાલી રહ્યોં છે.
કન્ટ્રોલ રૂમ: કયુ પોલીસ સ્ટેશન લાગે છે? અને દારૂનો ધંધો કોણ કરે છે તેનુ નામ આપો?
રિપોર્ટરઃ મુંગડો અને સુધીર નામના બે વ્યક્તિ છે. જે દારૂ-જુગાર અને સટ્ટો ચલાવે છે.
કન્ટ્રોલ રૂમ: અરે ભાઈ તે ચલાવે છે શું? તમે તો બધુ બોલી ગયા છો.
બીજા દિવસે બુટલેગરનો ફોન આવે છે....
બુટલેગર: હું મુંગડા બોલુ છું, તમે કોણ બોલો છો?
રિપોર્ટરઃ તમારી પાસે મારો નંબર ક્યાંથી આવ્યો?
આરોપીઃ એ તો મળીજ જાય ને....
હવે બીજા બુટલેગરનો ફોન...
બુટલેગર: કોણ અને ક્યાંથી બોલો છો?
રિપોર્ટરઃ તમારે કોનું કામ છે?
બુટલેગર: તમે મારા ધંધાનો 100 નંબર પર કંટ્રોલ મેસેજ કર્યો છે
બુટલેગર: બંટી બોલું છું, તમારે શું તકલીફ છે?
રિપોર્ટરઃ તમારી પાસે મારો નંબર ક્યાંથી આવ્યો?
બુટલેગર: એ જવા દો.. તમારે તકલીફ શું છે? તે કહો?

સ્ટિંગ-2: કૃષ્ણનગર પોલીસ સ્ટેશન
વહીવટદારની ધમકી, ‘હવે પછી કન્ટ્રોલ રૂમ પર મેસેજ ના કરતા’
પહેલા 100 નંબર પર ફરિયાદ...
રિપોર્ટરઃ મારે બુટલેગરની ફરિયાદ કરવી છે.
કન્ટ્રોલ રૂમ: કઈ જગ્યાની?
રિપોર્ટરઃ હિરાવાડી ચાર રસ્તા પાસે જાહેર શૌચાલયની સામે ભાભીનો અડ્ડો ચાલે છે. સાંજે મેળા જેટલી લોકોની ભીડ લાગે છે.
કન્ટ્રોલ રૂમ: પોલીસ સ્ટેશન કયું લાગે?
રિપોર્ટરઃ કૃષ્ણનગર પોલીસ સ્ટેશન.
કન્ટ્રોલ રૂમ: ગાડી મોકલી આપુ છું.
100 નંબર પર ફરિયાદના સાડા ત્રણ કલાકમાં આરોપી બુટલેગરના વહીવટદારનો ફોન આવ્યો..
વહિવટદારઃ કોણ બોલો છો?
રિપોર્ટરઃ તમારે કોનું કામ છે?
વહિવટદારઃ તમારૂ નામ અજીતભાઈ છે? ક્યાં રહો છો તમે?
રિપોર્ટરઃ મારી ઇન્કવાયરી કર્યા વગર કહો કે તમારે કોનું કામ છે?
વહિવટદારઃ હું પરેશભાઈ વાત કરૂં છું. તમે ભાભીનો 100 નંબરમાં કંટ્રોલ મેસેજ કર્યો છે
રિપોર્ટરઃ હા મેસેજ કર્યો છે, પણ મારો નંબર કેવી રીતે આવ્યો?
વહિવટદારઃ 100 નંબર પર કેમ ફોન કરો છો? હવે કન્ટ્રોલ મેસેજ ન કરતા.

સ્ટિંગ-3: મેઘાણીનગર પોલીસ સ્ટેશન
રિપોર્ટરે પૂછ્યું મારો નંબર ક્યાંથી મળ્યો? આરોપીનો જવાબ, મિત્ર પાસેથી મેળવ્યો

પહેલા 100 નંબર પર ફરિયાદ...
રિપોર્ટરઃ મેઘાણીનગર વિસ્તારમાં મોટા પાયે દારૂ, સટ્ટા-જુગારના ખુલ્લેઆમ અડ્ડા ચાલી રહ્યાં છે તે અંગેની માહિતી આપવી છે.
કન્ટ્રોલ રૂમ: એડ્રેસ અને નામ આપો.
રિપોર્ટરઃ મેમ્કોથી રામેશ્વર તરફ જતા બ્રીજની નીચે રેલવે પાટાની બાજુમાં બચ્ચી રાજુ અને રવિન્દ્રપાલ ઉર્ફે નેતાનો જુગાર અને દારૂનો અડ્ડો ચાલે છે ત્યાં મેઘાણીનગર પોલીસ સ્ટેશન લાગે છે.
કન્ટ્રોલ રૂમ: અત્યારે ગાડી મોકલીએ છીએ તેમ છતા બંધ ન થાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં તમે અરજી આપી શકો છો. લખજો કે, વારંવાર ફરિયાદ કરવા છતા અડ્ડાઓ બંધ થતા નથી.
કન્ટ્રોલ રૂમને જાણ કર્યા બાદ પહેલો ફોન આરોપીના વહિવટદારનો આવ્યો
વહિવટદારઃ હું રાકેશ વાત કરું છું. અમારી જગ્યા રાજુ બચ્ચીનો કન્ટ્રોલ મેસેજ કર્યો છે. કોણ બોલો છો તમે? તમારે શું તકલીફ છે?
રિપોર્ટરઃ તમે ખુલ્લેઆમ ધંધો કરો છો તમને શરમ નથી આવતી. આ કારણે મહિલાઓને ત્યાંથી પસાર થવામાં પારાવાર મુશ્કેલી પડી રહી છે. આમ કહો તમને મારો નંબર ક્યાંથી મળ્યો?
વહિવટદારઃ નંબર તો મળી જાયને... તમે ક્યાં રહો છો?
હવે જેની સામે ફરિયાદ કરી એ આરોપીનો ફોન આવ્યો
આરોપીઃ રાજુભાઈ બોલું છું, કોણ બોલો? કેમ તકલીફ આપો છો?
રિપોર્ટરઃ તમારા ધંધાના કારણે પબ્લિકને મુશ્કેલી પડી રહી છે.
આરોપીઃ અમે ઘણા ટાઇમથી ધંધો કરીએ છીએ. કોઈ લોકોની ફરિયાદ આવતી નથી.
રિપોર્ટરઃ મારો નંબર તમને ક્યાંથી મળ્યો?
આરોપીઃ મિત્ર પાસેથી મેળવ્યો છે. 10 દિવસથી ધંધો ચાલુ કર્યો છે. 6 મહિનાથી ધંધો બંધ હતો. હું પાસામાં હતો. અમણા જ બહાર આવ્યો છું.

સ્ટિંગ-4: અસલાલી પોલીસ સ્ટેશન
‘પોલીસવાળા સાથે વાત થઈ છે, તેમણે કહ્યું કે તમે કન્ટ્રોલ મેસેજ કર્યો છે’

પહેલા 100 નંબર પર ફરિયાદ...
કન્ટ્રોલ રૂમ: જયહિંદ રૂરલ કન્ટ્રોલ રૂમ.
રિપોર્ટરઃ હું ઈન્દિરાનગરથી બોલુ છું. અમારી બાજુમાં દારૂનો ધંધો ચાલે છે. તેની ફરિયાદ કરવાની છે.
કન્ટ્રોલ રૂમ: તમારું નામ અને મોબાઈલ નંબર બોલો.
રિપોર્ટરઃ ઈન્દિરાનગર વિભાગ-2 લાંભામાં રહું છું. દારૂનો ધંધો ચાલે છે તેનું સરનામું ગાયત્રીનગર ચોક, ટેકરા પાસે અને ભમરીયા કુવા પાસે બંને જગ્યાએ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે. દારૂ વેચનારનું નામ રાજુભાઈ છે. અગાઉ અહીં લઠ્ઠાકાંડ થઈ ચૂક્યો છે. જેમાં એક વ્યક્તિનું મોત પણ થયું હતું. છેલ્લા ત્રણ મહિનાથી મોટા પ્રમાણમાં અહીં દેશી દારૂનો ધંધો ચાલી રહ્યોં છે. તેની સામે ત્વરીત પગલા લેવા અમારી વિનંતી છે.
બીજા દિવસે આરોપીના વહિવટદારનો ફોન આવ્યો
આરોપીઃ ભવરીયાથી રાજુભાઈ બોલુ છું. મારે તમને મળવું છે.
રિપોર્ટરઃ શા માટે મળવું છે? શું તકલીફ છે?
આરોપીઃ પોલીસવાળા સાથે વાત થઈ છે તેમણે કહ્યું કે તમે કન્ટ્રોલ મેસેજ કર્યો છે.
રિપોર્ટરઃ મેં કોઈ કન્ટ્રોલ મેસેજ નથી કર્યો, તમને કોઈએ ખોટી માહિતી આપી છે.
આરોપીઃ તમારૂ નામ શું છે. મારી પાસે પાકી માહિતી છે કે તમારા નંબરથી કન્ટ્રોલ મેસેજ થયો છે.

સ્ટિંગ-5: નરોડા પાટીયા
‘નંબર ક્યાંથી મળ્યો?’ આરોપીનો જવાબ: ગોતવાથી ભગવાન પણ મળે’

પહેલા 100 નંબર પર ફરિયાદ...
રિપોર્ટરઃ અમારા વિસ્તારમાં મોટા પાયે દારૂનો ધમધોકાર ધંધો ચાલી રહ્યો છે તેની ફરિયાદ લખાવી છે.
કન્ટ્રોલ રૂમ: કઈ જગ્યાએ ચાલે છે?
રિપોર્ટરઃ નરોડા પાટીયા ચાર રસ્તા પાસે સાવન નામનો કોઈ વ્યક્તિ દારૂનો ધંધો કરે છે.
કન્ટ્રોલ રૂમ: એક્ઝેટ આ પાટીયા ક્યાં આવ્યું છે. નરોડાવાળું પાટીયા? પરફેક્ટ લોકેશન આપો
રિપોર્ટરઃ રામદેવજીનું મંદીર છે તેની પાછળ
કન્ટ્રોલ રૂમ: સારૂ ભાઈ પોલીસ મોકલી આપું છું.
ફરિયાદ કર્યાની 16 જ મીનિટમાં આરોપીનો ફોન આવે છે.
આરોપીઃ કોણ બોલો છો? ક્યાંથી બોલો છો? તમારાથી મળવું છે.
રિપોર્ટરઃ તમે કોણ બોલો છો અને શું કામ છે?
આરોપીઃ સાવન બોલુ છું. મળશો તો ક્લિયર થશે ને...
રિપોર્ટરઃ મારે તમને મળવું નથી. તમારે કામ હોય તે બોલો
આરોપીઃ ફોન ઉપર ન કહેવાય. તમને ખબર છે કે કેમ ફોન કર્યો છે?
રિપોર્ટરઃ મારો નંબર તમને ક્યાંથી મળ્યો?
આરોપીઃ ગોતવાથી તો ભગવાન પણ મળી જાય છે.

દારૂ-જુગારવાળા પાસે તમારો નંબર કેવી રીતે પહોંચે?
100 નંબર પર કોઈ વ્યક્તિ ફરિયાદ નોંધાવે ત્યારે કંટ્રોલરૂમમાં મુકાયેલા કોલરઆઈડીમાં ફોન કરનારનો નંબર ડિસ્પ્લે થતો હોય છે. કોલ કરનાર પાસેથી કંટ્રોલરૂમ આરોપીની વિગતો મેળવે છે. ફરિયાદી અને આરોપીની વિગત કંટ્રોલરૂમમાંથી જે તે પોલીસ સ્ટેશન અથવા વહીવટદાર સુધી પહોંચે છે ત્યારબાદ પોલીસ અથવા વહીવટદાર ફરિયાદીનો નંબર આરોપીને આપી દે છે. ગણતરીની મિનિટોમાં જ દારૂ-જુગારના વ્યાપારીનો અથવા પોલીસ વહિવટદારનો ફરિયાદીના મોબાઈલ ઉપર ફોન આવી જાય છે.

નરોડા, મેઘાણીનગરથી લઈને પાલડી સુધી દારુનો વેપલો
ઉચ્ચ પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અમદાવાદમાં 300થી વધુ બુટલેગરોનો દારૂ-જુગારનો કારોબાર ચાલી રહ્યો છે. જેમાં ખાસ કરીને સરદારનગર, નરોડા, કૃષ્ણનગર, મેઘાણીનગર, દરિયાપુર, શહેરકોટડા, ખાડિયા, શાહપુર, માધુપુરા, સરખેજ, વાડજ, ગોમતીપુર, બાપુનગર, રખીયાલ, ઓઢવ, અમરાઈવાડી, વટવા, ઈસનપુર, દાણીલીમડા, કાગડાપીઠ, સાબરમતી, રાણીપ અને પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારનો સમાવેશ થાય છે.

100 નંબર: ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત રાખવી પડે છે
જે તે શહેર અથવા જિલ્લાનો વ્યક્તિ 100 નંબરને ફોન કરે ત્યારે મોબાઈલ નેટવર્કના આધારે ચોક્કસ કંટ્રોલરૂમમાં ફોન લાગે છે. અમદાવાદ કંટ્રોલરૂમમાં 8થી 10 ટેલીફોન છે જ્યાં પોલીસ સ્ટાફ 24 કલાક ફરિયાદ નોંધે છે. તમામ ફરિયાદ કંટ્રોલરૂમના જવાબદાર અધિકારી સુધી પહોંચે છે. તેમજ જે તે વિસ્તારની ફરિયાદ હોય તેના સંલગ્ન પોલીસ સ્ટેશનને જાણ કરાય છે. કાયદાકીય જોગવાઈ મુજબ ફરિયાદ કરનારની ઓળખ ગુપ્ત રાખવી પડે છે.

અનેક વિસ્તારોમાં બુટલેગરોને સ્થાનિક નેતાઓનું પીઠબળ
રાજકારણીઓ અને પોલીસની મદદથી બુટલેગરોને દારૂ-જુગાર ચલાવવાનું પીઠબળ મળ્યું છે. જે બુટલેગરોના ભરણ રાજકારણીઓ અને પોલીસ સુધી પહોંચતા નથી તેમનો ધંધો બંધ કરાવ્યાના અસારવા, મેઘાણીનગર અને કલાપીનગરમાં સંખ્યાબંધ દાખલા છે. મેઘાણીનગર-શાહીબાગ પોલીસ સ્ટેશનમાં બુટલેગરોની ફરિયાદ લેતા પહેલા સ્થાનિક આગેવાનો અને રાજકારણીઓની મંજૂરી લેવી પડે છે. બુટલેગરો ડોનની ભુમિકામાં છે અને તેમની ફરિયાદ થાય તો પોલીસ ફરિયાદીની ઓળખ આપી દે છે.

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી