ભાસ્કર વિશેષ / વડાપ્રધાન મોદીના નવા અગ્ર સચિવ પ્રમોદકુમાર મિશ્રા આવા છે

ડૉ. પ્રમોદકુમાર મિશ્રા
ડૉ. પ્રમોદકુમાર મિશ્રા

  • કડક એટલા છે કે વધારાના મુખ્ય સચિવ હતા ત્યારે નિમણૂકની માહિતી ક્યારેય લીક થઈ નહોતી
  • સરળ એટલા છે કે મિત્રોને પોતાના હાથે કોફી બનાવીને પીવડાવતા હતા, તેમની નજીકના તેમને બાબુ કહે છે
  • સમજ એટલી બધી છે કે પાક વીમા યોજના તેમની દેન છે. યુપીએએ પણ પસંદ કરી
  • ગુજરાત કેડર (1972)ના આઈએએસ અધિકારી પ્રમોદકુમાર મિશ્રા વડાપ્રધાનના અગ્ર સચિવ તરીકે નિમાયા  
  • ભાસ્કરે તેમની સાથે કામ કરી ચૂકેલા આઈએએસ પ્રવિણ કે. લહેરી પાસેથી જાણ્યું પ્રમોદકુમાર મિશ્રાનું વ્યક્તિત્વ

Divyabhaskar.com

Sep 15, 2019, 01:37 AM IST

પ્રવિણ કે. લહેરી (ભૂતપૂર્વ મુખ્ય સચિવ-ગુજરાત), અમદાવાદ: ડૉ. પ્રમોદકુમાર મિશ્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અગ્ર સચિવ નિમાયા એ ગુજરાત કેડરના તમામ આઈએએસ અધિકારીઓ માટે એક ગૌરવની વાત છે. 2014માં મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારથી જ મનાતું હતું કે ડૉ. મિશ્રાને અગ્ર સચિવની જવાબદારી મળી શકે છે. જોકે તે સમયે નૃપેન્દ્ર મિશ્રા અગ્ર સચિવ બન્યા હતા. 2001માં જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે તેમણે ડૉ. મિશ્રાને અગ્ર સચિવ તરીકે પસંદ કર્યા હતા. મિશ્રાએ તે સમયના મુખ્યમંત્રી મોદી સાથે ત્રણ વર્ષ બહુ સારી રીતે કામ કર્યું. 11 ઓગસ્ટ 1948ના રોજ જન્મેલા પ્રમોદ મિશ્રાને તેમના નજીકના દોસ્તો બાબુ કહે છે. ડૉ. મિશ્રા જ્યારે ગુજરાત કેડર સાથે જોડાયા અને તાલીમ માટે આવ્યા ત્યારે મેં અને તમામ બેચ મેટ્સે મારા વડોદરાના નિવાસસ્થાને ચા માટે આમંત્રિત કર્યા હતા. ત્યારે તેમણે પોતેજ કૉફીના દાણામાંથી પાવડર બનાવ્યો અને તેને ગરમ પાણીમાં ભેળવીને સ્વાદિષ્ટ કોફી બનાવી હતી. આ રીતે તેમના દ્વારા કોફી બનાવવી એ દર્શાવે છે કે તેઓ દરેક વસ્તુનો શ્રેષ્ઠ નિકાલ કરીને તેને ઉમદા પ્રવૃત્તિ કરવાની વિદ્યામાં તેઓ પ્રવીણ છે. ડૉ. મિશ્રા અત્યંત શિષ્ઠ અને મૃદુભાષી છે.

રાહત અને પુનર્વસન પર એક પુસ્તક પણ મિશ્રાએ લખ્યું
લહેરીએ કહ્યું કે, આ એક સંયોગ છે કે 1978માં મેં તેમને બનાસકાંઠાના કલેક્ટર તરીકેનો ચાર્જ સોંપ્યો હતો. 2001માં મેં મુખ્યમંત્રીના અગ્રસચિવ પદ પર પણ તેમનું સ્વાગત કર્યું હતું. ગુજરાત વિદ્યુત બોર્ડમાં સભ્ય તરીકે તેમણે બોર્ડની અનેક બિનકાર્યક્ષમતા અને નુકસાનીને કારણે ચિંતિત થઈ તેનું નિરાકરણ પણ લાવ્યા. જાન્યુઆરી 2001માં કચ્છમાં ભૂકંપ સમયે ડૉ. મિશ્રા અગ્ર સચિવ તરીકે કૃષિ વિભાગની જવાબદારી સંભાળતા હતા ત્યારે તેમને ડિઝાસ્ટર મેનેજમેન્ટની વધારાની જવાબદારી સોંપાઈ હતી. તેમને એ જવાબદારી પૂરી કાર્યક્ષમતાથી સંભાળી હતી. રાહત અને પુનર્વસન પર એક પુસ્તક પણ તેમણે લખ્યું છે. 2008માં ગુજરાત સરકાર દ્વારા રચાયેલી ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ સર્વિસની નેતૃત્વના પડકારને પણ સ્વીકારી. સંયુક્ત રાષ્ટ્રે ડૉ. મિશ્રાને રાહત પુનર્વસન તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં તેમણે આપેલા યોગદાન બદલ સન્માનિત પણ કર્યા છે. ગુજરાતના કૃષિ વિભાગના અગ્ર સચિવ તરીકે તેમણે વરસાદ આધારિત ખેતી કરનારા ખેડૂતોની સમસ્યા સમજી 2004માં કૃષિ સચિવ તરીકે કેન્દ્ર સરકારમાં પણ કામ કર્યું. જોકે તે પહેલા ગુજરાતના મુખ્યમંત્રીના અગ્રસચિવના કાર્યકાળ દરમિયાન તેમને મોદીમેન કહીને નિશાન બનાવાયા હતા. જે ખોટું હતું. તેમને આમ કહી હાંસિયામાં ધકેલવાના પ્રયત્ન થયાં. ડૉ. મિશ્રાએ ક્યારેય કોઈ ફરિયાદ કરી નથી.

વીજ બોર્ડમાં હતા ત્યારે રિલાયન્સને મળી રહેલી રાહત અંગે કડક વલણ અપનાવ્યું હતું
ડૉ. મિશ્રા જ્યારે વડાપ્રધાન મોદીના વધારાના અગ્ર સચિવ બન્યા ત્યારે તેમણે દિલ્હીમાં ટ્રાન્સફર અને પોસ્ટિંગ રાજને ખતમ કર્યું હતું. ખાસ વાત એ છે કે તેમના કાર્યકાળમાં કોઈપણ પ્રકારની નિમણૂકની માહિતી સત્તાવાર જાહેરાત પહેલા ક્યારેય લીક થઈ નથી. કેબિનેટની એપોઈન્ટમેન્ટ કમિટીની તમામ ફાઈલ તેમની પાસેથી પસાર થતી હતી. 90ના દાયકામાં તેઓ જ્યારે ગુજરાત વિદ્યુત બોર્ડમાં હતા ત્યારે રિલાયન્સ ગ્રૂપ પર કડક વલણ અપનાવી કંપનીને મળી રહેલી રાહત અંગે આકરુ વલણ અપનાવ્યું હતું. તેમણે વીતેલા વર્ષોમાં પદ્મપુરસ્કારોની પસંદગીની પ્રક્રિયામાં પણ ફેરફાર કર્યા છે. તેને મેરિટ બેઝ બનાવ્યા. તેઓ યુપીએ-1માં કૃષિસચિવ હતા ત્યારે તેમણે પાક વીમા યોજનાનું સૂચન કર્યું હતું. યુપીએ અને પછી મોદી સરકારે પણ તેના પર કામ કર્યું છે. 2016માં વડાપ્રધાન પાક વીમા યોજનાનો પ્રારંભ થયો. ડૉ. મિશ્રા ઓડિસાના સંબલપુરના િનવાસી છે અને તેમણે સસેક્સ યુનિવર્સિટીમાંથી ઈકોનોમી/ડેવલપમેન્ટ સ્ટડીઝમાં પીએચ.ડી કર્યું છે. તેમણે દિલ્હી સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાંથી એમએ પણ કર્યું છે. તેમણે જીએમ કોલેજ (સંબલપુર યુનિ.)માંથી ગ્રેજ્યુએશન કર્યું છે. 1970માં જ્યારે તેમણે ગ્રેજ્યુએશન કર્યું ત્યારે ઈકોનોમિક્સમાં તેમને ડિસ્ટિક્શન માર્ક મળ્યા હતા. ઓડિશાની તમામ યુનિવર્સિટીમાં પ્રથમ વર્ગમાં પાસ થનાર તેઓ એકમાત્ર વિદ્યાર્થી હતા.
(દિવ્ય ભાસ્કરના ચિંતન આચાર્યને જણાવ્યા મુજબ)

X
ડૉ. પ્રમોદકુમાર મિશ્રાડૉ. પ્રમોદકુમાર મિશ્રા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી