શાંતિસંદેશ / બીએપીએસ, વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની નીલકંઠવર્ણીના વિવાદનો અંત લાવવા અપીલ

BAPS and SVMS appeal to end dispute over Neelkanthvarni

  • બંને સંસ્થાએ નિવેદન બહાર પાડી સનાતન હિન્દુ ધર્મના હિતમાં શાંતિ જાળવવા સંતો-હરિભક્તોને હાકલ કરી
  • મોરારિબાપુએ કરેલા કથન સંબંધે હવે કોઈ વધુ નિવેદનબાજીમાં ન ઉતરવા ધર્મપ્રેમીઓને વિનંતી કરી

Divyabhaskar.com

Sep 10, 2019, 06:32 PM IST

અમદાવાદઃ તાજેતરમાં જ નીલકંઠવર્ણીનો અભિષેક કરવા બાબતે જાણીતા રામકથાકાર મોરારિબાપુએ કરેલી ટિપ્પણીનો બીએપીએસ તથા વડતાલ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. મોરારિબાપુ ભગવાન સ્વામિનારાયણની નામજોગ માફી માગે તે બાબતે સ્વામિનારાયણ સંપ્રદાયો અડગ રહેતાં સામ-સામે નિવેદનબાજી થઈ હતી. જો કે, આ મામલો વકરતાં અંતે પાંચ દિવસ બાદ બીએપીએસ તથા વડતાલ સહિતના સ્વામિનારાયણ સંપ્રદાયોએ સત્તાવાર નિવેદન બહાર પાડીને આ વિવાદનો અંત લાવવા સંતો તથા હરિભક્તો-ધર્મપ્રેમીઓને હાકલ કરી છે.

ધર્મપ્રેમી ભક્તો-ભાવિકો અને સમસ્ત જનસમુદાયને શાંતિની અપીલઃ બીએપીએસ

બીએપીએસના સત્તાવાર નિવેદનમાં ઉલ્લેખ કરાયો છે કે, તાજેતરમાં ધાર્મિક લાગણી દુભાયાના મુદ્દે જે કંઈ બન્યું છે તે બનવાકાળ બની ગયું છે. અમે સૌ પ્રત્યે પ્રેમ અને આદર ધરાવીએ છીએ. આથી સંપ્રદાયના તમામ સંતો-ભક્તો તેમજ તમામ ધર્મપ્રેમી ભાવિકો-સંતો-મહંતો-આચાર્યોને અમારી નમ્ર પ્રાર્થના અને હાર્દિક અપીલ છે કે આપણે સૌ પરસ્પર વૈમનસ્ય ભૂલીને વિવાદ અને વિખવાદોથી પર થઈએ, સનાતન હિન્દુ ધર્મની એકતા માટે, ધર્મના યત્કિંચિત સેવાકાર્યો તથા ઉત્કર્ષમાં સાથે મળીને પ્રવૃત્ત થઈએ. હવે પરસ્પર નિવેદનો કરવાને બદલે પરસ્પર આદર રાખીને આપણે સનાતન હિન્દુ ધર્મની સેવામાં જોડાઈએ. સર્વે ધર્મપ્રેમી ભક્તો-ભાવિકો અને સમસ્ત જનસમુદાયને અમે શાંતિની અપીલ કરીએ છીએ.

સમસ્ત હિન્દુ સનાતન ધર્મના હિતમાં વધુ વિખવાદ ન કરવો જોઈએઃ વડતાલ સંસ્થાન

સ્વામિનારાયણ મંદિર, વડતાલ સંસ્થાને પણ એક નિવેદન બહાર પાડીને આ વિવાદનો ઉકેલ લાવવા અપીલ કરી છે. આ નિવેદનમાં જણાવાયું છે કે, મોરારિબાપુના નિવેદન સંદર્ભે ચાલતા વિવાદનો અંત લાવવો જોઈએ. આ વિવાદને સમસ્ત હિન્દુ સનાતન ધર્મના પરિપ્રેક્ષ્યમાં વિચારતા વધુ વિખવાદ ન થાય તે તમામના હિતમાં છે. જેથી આ વિવાદનો અંત આવે અને આ અંગેની ટીકા-ટિપ્પણીઓથી દૂર રહેવું જોઈએ એવી તમામ ધર્મપ્રેમીઓને નમ્ર અપીલ છે.

X
BAPS and SVMS appeal to end dispute over Neelkanthvarni
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી