ઓર્ગેનિક ફાર્મિંગ શીખવવા 6 હજાર સ્કૂલોમાં પર્યાવરણ લેબ શરૂ કરાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઓર્ગેનિક ખેતીની ફાઇલ તસવીર - Divya Bhaskar
ઓર્ગેનિક ખેતીની ફાઇલ તસવીર
  • વિદ્યાર્થીને ખેતીના ઉત્પાદનની સાથે વિવિધ ઔષધિનો ઘરે જ ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની માહિતી અપાશે

અમદાવાદઃ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો ઓર્ગેનિક અને જીરો બજેટ નેચર ફાર્મિંગથી માહિતગાર થાય તે માટે પહેલા તબક્કામાં રાજ્યની 6 હજાર સ્કૂલોમાં પર્યાવરણ લેબ શર કરાશે. દરેક જિલ્લાની પસંદ કરેલી 25થી 30 શાળાઓમાં પર્યાવરણની લેબની શરુઆત કરાશે. ત્યારબાદ તબક્કાવાર સમગ્ર રાજ્યમાં આ યોજના લાગુ થઇ શકે છે.
રાજ્યની પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોમાં કમ્પ્યુટર અને વિજ્ઞાન પ્રવાહની લેબોલેટરીની સાથે હવે પર્યાવરણ અંગે જાગૃતિ માટે દરેક સ્કૂલોમાં પર્યાવરણ લેબ શરુ કરવાની જાહેરાત સર્વ શિક્ષા અભિયાન દ્વારા કરાઇ છે. બાળકો ઉર્જાના વિવિધ સ્ત્રોત વિશે જાણે તે માટે દરેક સ્કૂલોમાં પર્યાવરણ લેબ દ્વારા વિદ્યાર્થીને જાગ્રુત કરાશે. સર્વ શિક્ષા અભિયાન દ્વારા શરુ થનારા પ્રોજેક્ટથી દરેક વિદ્યાર્થીને ખેતીના ઉત્પાદનની સાથે વિવિધ ઔષધીયોના ઘરે જ ઉપયોગ કેવી રીતે કરી શકાય તેની માહિતી અપાશે. અત્યારે સ્કૂલોમાં ચાલી રહેલ ઇકો ક્લબને વધારે કારગત બનાવવા માટે પર્યાવરણ લેબની શરુઆત થશે. આ સાથે જ સ્કૂલમાં નાના પાયે બાગાયતી પાકોનો ઉછેર, ટપક સિંચાઇ પદ્ધતી, રેઇન હાર્વેસ્ટીંગ, ગાર્ડન કિચન, ટેરેસ ગાર્ડન, હર્બલ ફાર્મિંગ વગેરેની શરુઆત કરાશે. ખાસ કરીને સિંગલ પ્લાસ્ટીક મુક્ત શાળા થાય તેના પર પણ વિશેષ ધ્યાન અપાશે. બાળકોને પર્યાવરણને સ્વચ્છ રાખવાથી શું ફાયદા થાય તેનું નિદર્શન પ્રયોદ દ્વારા કરાશે. 

આ બાબતો વિદ્યાર્થીને સમજાવાશે

  • બિન રાસાયણિક ખાતરથી શાકભાજી, કઠોળનું ઉત્પાદન કઇ રીતે કરી શકાય
  • ખેતીની વિવિધ ગુણવત્તા યુક્ત પદ્ધતીઓ
  • બિનફળદ્રુપ જમીનને ફળદ્રુપ કઇ રીતે કરી શકાય
  • પાણીની બચત, જળ પ્રબંધન વિશેની માહિતી વિદ્યાર્થીઓને આપવામાં આવશે.
  • ખેતી વિશેની ભવિષ્યમાં આવનારી પદ્ધતી વિશેની માહિતી આપવામાં આવશે.
  • સામાન્ય રોગમાં ઘરગથ્થુ ઉપાયો
  • વિવિધ ઉર્જા સ્ત્રોતની માહિતી

લેબમાં સારું કામ કરનારા શિક્ષકને સન્માનિત કરાશે
દરેક સ્કૂલોની પર્યાવરણ લેબની માહિતી ઓનલાઇન અપલોડ થશે. વર્ષ દરમિયાન જે સ્કૂલની પર્યાવરણ લેબે સારુ કામ કર્યું હશે તે સંભાળનારા શિક્ષકને સન્માનિત કરાશે. ઉપરાંત પર્યાવરણ લેબ માટેના ખર્ચ માટેની જોગવાઇઓનો પણ પરીપત્રમાં ઉલ્લેખ કરાયો છે.