અમદાવાદ / દિનુ બોઘાના જાહેર જીવનના 21 વર્ષઃ માઈનિંગ-ટ્રાન્સપોર્ટથી લઈ MLA-MP જેલવાસ સુધી

દિનુ બોઘા સોલંકીની ફાઈલ તસવીર
દિનુ બોઘા સોલંકીની ફાઈલ તસવીર

  • કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં તક મળતા રાજકારણમાં એન્ટ્રી થઈ
  • રિયલ એસ્ટેટ અને સ્ટોન ક્રશિંગ સહિત મોટા ભાગનો ધંધો રાજમોતી ટ્રાન્સપોર્ટ હેઠળ ચલાવ્યો
  • અમિત જેઠવાએ દિનુ સોલંકી વિરુદ્ધ ગેરકાયદે ખનનની ફરિયાદો અને RTI કરતા આંખમાં કણાની જેમ ખૂંચ્યો
  • અમિત જેઠવા કેસમાં દોષિત ભત્રીજા શિવા સહિત પરિવારજનોનું સ્થાનિક રાજકારણમાં સામ્રાજ્ય

Divyabhaskar.com

Jul 11, 2019, 06:37 PM IST

અમદાવાદઃ અમિત જેઠવા હત્યા કેસમાં દોષિત ભાજપના પૂર્વ સાંસદ અને ત્રણ ટર્મ ધારાસભ્ય રહેલા દિનુ બોઘા સોલંકીને સીબીઆઈ કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. 1998માં ધારાસભ્ય બનવાથી લઈ 2009માં સંસદસભ્ય અને હવે જેલવાસ સુધી 21 વર્ષનું જાહેર જીવન વિવાદસ્પદ રહ્યું છે.

દેવળીના દીનુનો કોડીનાર નગરપાલિકાથી રાજકીય ઉદય
9 ફેબ્રુઆરી 1957ના રોજ જન્મેલા અને બીએ સુધીનો અભ્યાસ કરનારા દિનુ સોલંકીનો રાજકીય ઉદય કોડીનારનાં જ્ઞાતિગત રાજકારણ સાથે થયો હતો. વર્ષ 1995માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોડીનાર વિધાનસભા બેઠક પરથી ભાજપના લક્ષ્મણ પરમારનો વિજય થયો હતો. ત્યાર બાદ પરમાર શંકરસિંહની સરકારમાં પાણી પુરવઠા મંત્રી બન્યા અને કોડીનારના રાજકારણમાં કારડીયા સમાજનું વર્ચસ્વ ઊભું થયું. જોકે, અગાઉ કોંગ્રેસને ધીરસિંહ બારડના સ્વરૂપમાં એક કારડીયા ધારાસભ્ય મળી ચૂક્યા હતા. લક્ષ્મણ પરમાર મંત્રી હતા તે દરમિયાન જ કોડીનાર નગરપાલિકાની ચૂંટણીમાં દેવળીના ખેડૂત આગેવાન અને ઉભરતા નેતા તરીકે દિનુ સોલંકીને તક મળી અને તેમણે કોડીનાર નગરપાલિકા પર કબ્જો જમાવતા રાજકીય સફર શરૂ થઈ.

સિમેન્ટ કંપનીઓના ટ્રાન્સપોર્ટેશન-લોજીસ્ટિક સપોર્ટના કોન્ટ્રાક્ટ રાખ્યા
એક તરફ દિનુ સોલંકી પોતાનું વ્યાવસાયિક સામ્રાજ્ય જમાવી રહ્યા હતા તો બીજી તરફ રાજમોતી ટ્રાન્સપોર્ટના નામથી અનેક ધંધાઓમાં ઝંપલાવી રહ્યા હતા. આ દરમિયાન લક્ષ્મણસિંહ પરમારે શંકરસિંહ સાથે રાજપામાં કૂદકો મારતા કોડીનાર પંથકની રાજનીતિમાં ભાજપને કારડીયા આગેવાનની શોધ હતી. જે દિનુ સોલંકીના રૂપમાં પુરી થઈ. 1997માં કોડીનારમાં અંબુજા સિમેન્ટનો પ્લાન્ટ આવતા દિનુ બોઘાના દબદબાની શરૂઆત થઈ. તેણે અંબુજા સિમેન્ટમાં ટ્રાન્સપોર્ટેશનથી લઈ લોજીસ્ટિક સપોર્ટ પુરા પાડવાનું શરૂ કર્યું.

ટ્રાન્સપોર્ટ, સિમેન્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે દબદબો
દિનુ બોઘા રાજકારણની સાથે સાથે ટ્રાન્સપોર્ટ, સિમેન્ટ, માઇનિંગ, રિયલ એસ્ટેટ, સ્ટોન ક્રશિંગ અને કેબલ નેટવર્ક જેવા ધંધા સાથે સંકળાયેલા છે. ખાસ કરી સિમેન્ટ ઉદ્યોગમાં સોલંકીના નામના સિક્કા પડે છે. માત્ર એટલું જ નહીં કોડીનાર બિલેશ્વર ખાંડ ઉદ્યોગથી લઈ સહકારી ક્ષેત્રમાં દિનુ બોઘાનો દબદબો રહ્યો છે. મોટા ભાગનો ધંધો રાજમોતી ટ્રાન્સપોર્ટ હેઠળ ચલાવે છે. આ કંપની હેઠળ ગુજરાતની સિમેન્ટ કંપનીઓને સિમેન્ટ સપ્લાય કરવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા પુરી પાડે છે.

અમિત જેઠવાની હત્યા કરાવી
આ દરમિયાન આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાએ દિનુ સોલંકી વિરુદ્ધ ગેરકાયદે ખનનની ફરિયાદો અને અનેક આર.ટી.આઈ કરી. જેને કારણે ગીર સોમનાથના હરમડિયા પંથકમાં કાર્યરત ચુનાના પથ્થરની અનેક ખાણો બંધ કરવાની ફરજ પડી. સત્તા અને સંપત્તિની સાથે મસલ્સ પાવર ધરાવતા દિનુ સોલંકીની આંખમાં અમિત જેઠવા કણાની જેમ ખટકવા લાગ્યા અને તેની હત્યા કરાવી.

કેશુભાઈ અને મોદી સરકારમાં ધારાસભ્ય પદે રહ્યો
ત્યાર બાદ 1998માં કોડીનાર વિધાનસભા બેઠક પરથી ભાજપે વિધાનસભાની ટિકીટ આપી અને ધારાસભ્ય બન્યા. ત્યાર બાદ તેઓ 2002 અને 2007 એમ ત્રણ ટર્મ સુધી ધારાસભ્યપદે રહ્યા. ત્યાર બાદ વર્ષ 2009ની લોકસભા ચૂંટણીમાં જૂનાગઢ લોકસભાની ટિકીટ મળી અને સંસદસભ્ય બનતા ધારાસભ્યપદેથી રાજીનામું આપ્યું હતું.

સ્થાનિક રાજકારણમાં પરિવારનો દબદબો
દિનુ બોઘા સોલંકીને ત્રણ ભાઈઓ છે અને તેમનું પરિવાર 40થી વધુ સભ્યોનું છે. અમિત જેઠવા હત્યા કેસમાં દિનુ બોઘા સાથે તેનો ભત્રીજો શિવા સોલંકી પણ દોષિત જાહેર થયો છે. શિવા સોલંકી પણ કોડીનાર નગરપાલિકાના પ્રમુખપદે હતો. માત્ર એટલું જ નહીં, શિવા સોલંકીના માતા પણ કોડીનાર નગરપાલિકાના પ્રમુખ પદે રહી ચૂક્યા છે.

કારનો શોખીન
દિનુ બોઘાએ વર્ષ 2009ની લોકસભા ચૂંટણી સમયે રજૂ કરેલા સોગંદનામા મુજબ, તેની પાસે ટોયોટો પ્રાડો, ફોર્ડ એન્ડેવર, ટોયોટો ઈનોવાની સાથે સાથે અનેક ટ્રક્સ અને ડમ્પર્સ ધરાવે છે. આ સિવાય હડમતિયા ગામમાં ફાર્મ હાઉસ પણ છે.

2015માં અપક્ષ તાલુકા પંચાયત જીતી
ડિસેમ્બર 2015માં યોજાયેલી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ દિનુ સોલંકી માટે ચાવીરૂપ સમાન સાબિત થઈ હતી. 2012માં કોડીનાર બેઠક પરથી ચૂંટાયેલા જેઠા સોલંકી રાજ્ય સરકારમાં સંસદીય સચિવ હતા અને દિનુ સોલંકી સત્તાના પુનરાગમન માટે તકની શોધમાં હતા. આ દરમિયાન યોજાયેલી તાલુકા પં​​​ચાયતની ચૂંટણીમાં દિનુ સોલંકીના સમર્થકોને કોડીનાર તાલુકા પંચાયતની ભાજપની ટિકિટ ન મળી. તેની સામે દિનુ સોલંકીએ અપક્ષ ઉમેદવારો ઊભા કર્યા. આ ચૂંટણીમાં 22માંથી 12 બેઠકો દિનુ સોલંકીએ જીતી કોડીનારમાં વર્ચસ્વ સાબિત કર્યું. તેની સાથે સાથે જિલ્લા પંચાયતમાં 2 અપક્ષ ઉમેદવાર જીત્યા અને ભાજપ કોંગ્રેસ વચ્ચે ટાઇ થયેલી ગીર સોમના જિલ્લા પંચાયતમાં દિનુ સોલંકીના સમર્થનથી ભાજપની બહુમતી આવી.

X
દિનુ બોઘા સોલંકીની ફાઈલ તસવીરદિનુ બોઘા સોલંકીની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી