અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બંનેના ભાજપ પ્રવેશ પર સ્થાનિક આગેવાનોથી માંડીને અનેક ધારાસભ્યોએ આંતરિક વિરોધ કર્યો હતો

અમદાવાદ: ગુજરાતમાં કોંગ્રેસનું ધારાસભ્ય પદ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની સ્થિતિ ન ઘરના ન ઘાટના જેવી થઈ ગઈ છે. કેમ કે કોંગ્રેસના ધારાસભ્ય પદ છોડી ભાજપમાં જોડાયા અને ભાજપમાંથી પેટા ચૂંટણી લડ્યા પરંતુ બંને હાર્યા.
બંનેના ભાજપ પ્રવેશનો વિરોધ થયો હતો
કોંગ્રેસમાંથી પેરાશૂટ બનીને આવેલા ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં સમાવવા સામે ભાજપના સ્થાનિક આગેવાનોથી માંડીને અનેક ધારાસભ્યોએ પક્ષમાં આંતરિક રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો. તેમ છતાં પક્ષની નેતાગીરીએ આ તમામ વિરોધને અવગણીને અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ભાજપમાં પ્રવેશ આપી દીધો હતો.
સમાજે પણ બંનેને ઘર ભેગા કર્યા
બીજી બાજુ ઠાકોર નેતા તરીકેની છાપ ધરાવનાર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા બંનેએ પોતાના ઠાકોર સમાજ સાથે પણ ગદ્દારી કરી હોવાનો એક સૂર ઉભો થયો હતો. તે સુર મતદાન દરમિયાન દેખાયો અને તેનું પરિણામ આજે જોવા મળ્યું છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને પોતાના સમાજે જ ઘર ભેગા કરી દીધા
 છે.
અલ્પેશને રાજકારણ પ્રવેશ નિવેદન નડ્યા
રાધનપુર વિધાનસભાની બેઠક ઘણા વર્ષોથી ભાજપ અને કોંગ્રેસ બંને રાજકીય પક્ષ માટે ઘણી મહત્વની રહી છે, ત્યારે આ રાધનપુર બેઠક પરથી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા અલ્પેશ ઠાકોર પેટા ચૂંટણી લડ્યા હતા પરંતુ અલ્પેશ ઠાકોરે રાજકારણમાં પ્રવેશતા પહેલા દારૂબંધી અને પરપ્રાંતિયો અંગે કરેલા નિવેદનની અસરો આ ચૂંટણીના પરિણામમાં જોવા મળી છે.
મતદાર દ્રોહ
જે અલ્પેશ ઠાકોર ભાજપ સરકાર સામે ચૂંટણી લડ્યા જેને લઇને ઠાકોર સમાજમાં પણ ભારે વિરોધ થયો હતો, તો ધવલસિંહ ઝાલા કે જેઓ પણ અગાઉ કોંગ્રેસની ટિકિટ પર બાયડમાંથી ધારાસભ્ય બન્યા હતા તે જ બાયડ બેઠક પર ફરીથી ભાજપના સિમ્બોલ પર ચૂંટણી લડવા તૈયાર થયા હતા. તેથી જનતાએ તેમને મતદારોનો દ્રોહ કર્યો હોવાની સાથે ધવલ સામે ભાજપમાં પ્રવેશ માટે પૈસા લીધા હોવાની વીડિયો ક્લિપો અને ઓડિયો ક્લિપ ફરતી થઇ હતી, જેની પણ મતદારોએ ગંભીર નોંધ લીધી હોવાનું મનાય છે.

વિસ્તરણ ટળ્યું, પ્રદેશ ભાજપની નેતાગીરીમાં કોઇ ફેરફાર નહીં આવે
ગુજરાત વિધાનસભાની છ બેઠકોની પેટાચૂંટણીમાં ભાજપ માટે પરિણામ નિરાશાજનક ચોક્કસ રહ્યું છે પરંતુ તેનાથી સરકાર કે પ્રદેશ માળખામાં કોઇ બદલાવ આવે તેવી સંભાવના નથી. અલ્પેશ ઠાકોર જીતે તો મંત્રીમંડળનું વિસ્તરણ કરવું પડે તેવી ચર્ચાઓ પર હવે આ પરિણામ સાથે જ પૂર્ણવિરામ મૂકાઇ ગયું છે. 
જો કે પરિણામોના રકાસને કારણે ગુજરાત ભાજપના પ્રદેશ માળખામાં ફેરફારો થાય અને પ્રમુખ પણ બદલાય તેવી વાતો વહેતી થઇ છે પરંતુ તેમાં કોઈ તથ્ય હોવાનું માલુમ પડ્યું નથી. રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આજે અમદાવાદ આવી રહ્યા છે. તે દરમિયાન તેઓ ભાજપના ઉચ્ચ નેતાઓ સાથે મળીને પરિણામોની સમીક્ષા કરશે.
ધવલસિંહનો હુરિયો, હાય હાયના સૂત્રોચાર
કોંગ્રેસ છોડીને અલ્પેશની સાથે ભાજપમાં જોડાયેલા ધવલસિંહ ઝાલાનો પરાજય થયો હોવાની માહિતી આવતાની સાથે જ કાઉન્ટીંગ સેન્ટર ઉપર ઉપસ્થિત કોંગ્રેસના કાર્યકરોએ ધવલસિંહ ઝાલાનો હુરીયો બોલાવ્યો હતો. પોલીસ પ્રોટેક્શન વચ્ચે ઝાલાને સેન્ટરની બહાર લઇ જવા પડ્યાં હતા. કોંગ્રેસે પ્રદેશ કાર્યાલયે પણ અલ્પેશ ઠાકોર,ધવલસિંહ ઝાલા હાય હાયના નારા લાગ્યા હતા.
બંને પક્ષના મતની ટકાવારીમાં ફરક 5%
આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસને પડેલાં કુલ મતોમાં માંડ પાંચ ટકાનો ફરક છે. આ ચૂંટણીમાં પડેલાં કુલ મતોના 48.18 ટકા ભાજપના ઉમેદવારોને તો કોંગ્રેસના ઉમેદવારોને 43.68 ટકા મત મળ્યાં. આમ ભાજપ અને કોંગ્રેસને મળેલાં મતોમાં સાડા ચાર ટકાનું જ અંતર રહ્યું. તેની સામે એનસીપીએ કોંગ્રેસના 3.50 ટકા મત તોડ્યાં. તો નોટાને કુલ મતોના 1.70 ટકા મત મળ્યાં.
કોંગ્રેસના 14 ધારાસભ્યોનો ભાજપમાં પ્રવેશ અટવાયો
વિધાનસભાની છ બેઠકમાંથી છ બેઠક જીતીશું તેવો ભાજપનો આશાવાદ ફળીભૂત થયો નહીં. ભાજપની ગણતરી એવી હતી કે, પેટાચૂંટણીની છ બેઠક આવી જાય તો રાજયસભાની ચૂંટણી માટે અશકયને શકય બનાવવા માટે કોંગ્રેસમાંથી ધારાસભ્યો લઇ લેવા. જેમાં14 જેટલા ધારાસભ્યો કિનારે હતા,પરંતુ હવે ધારાસભ્યોનું કેસરીયા કરવાનું અટવાયું છે.
સોશિયલ મીડિયા પરના મેસેજ:‘અલ્પેશ પહેલા એવા નેતા જેમની હાર પર બન્ને પાર્ટીના કાર્યકર્તા ખુશ છે’
રાજ્યની છ વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણીનાં પરિણામો જાહેર થયા બાદ દિવસભર ફેસબુક, વૉટ્સએપ અને ટ્વિટર સહિતના સોશિયલ મીડિયા પર રમૂજી મેસેજનો મારો ચાલ્યો હતો. ખાસ કરીને રાધનપુર બેઠક પરથી હારેલા ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર વિશે હળવા સંદેશાઓ વહેતા થયા હતા. પ્રસ્તુત છે સૌથી વધારે વાઇરલ થયેલા કેટલાક મેસેજીસ.

  • અલ્પેશ ઠાકોર રાધન પુર થી આગળ ચાલતા હતા ચાલતા ચાલતા ઘરે પહોંચી ગયા છે....
  • ડિયર અલ્પેશ ઠાકોર હવે શું વિચાર આવે છે??
  • આ તો ખાલી પૂછ્યું હું અને તમેય ફ્રી પડ્યા એટલે
  • અલ્પેશ પહેલો એવો ઉમેદવાર હશે
  • જેની હારથી બન્ને પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ ખૂબ ખુશ છે
  • અલ્પેશભાઈ ઈચ્છે તો 17 તારીખે બિન સચિવાલયની પરીક્ષા પાસ કરીને હજી પણ ગાંધીનગર જઈ શકે છે.
  • પરિણામ જાહેર થયા બાદ અલ્પેશે ભૂરી પેન વાપરવાનું ચાલુ રાખવું પડશે અને હા, રજૂઆતો કરવાનું પણ. (ચૂંટણી પ્રચારમાં અલ્પેશ ઠાકોરે રાધનપુર બેઠક પરથી જીત્યા બાદ હું મંત્રી બનીને લીલી પેનથી સહી કરીશ તથા રજૂઆતો નહીં ઓર્ડર કરીશ તેવું નિવેદન કર્યું હતુ.)
અન્ય સમાચારો પણ છે...