અમદાવાદમાં 5 વર્ષ પછી સપ્ટેમ્બરમાં સૌથી વધુ 12.31 ઈંચ વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શુક્રવારે શહેરમાં ઝરમર વરસાદ મોડી રાત સુધી ચાલ્યો હતો. સાબરમતી બે કાંઠે વહેતી થઈ હતી અને વાસણા બેરેજની સપાટી 131થી ઘટાડી 128 ફૂટ કરાઈ હતી. - Divya Bhaskar
શુક્રવારે શહેરમાં ઝરમર વરસાદ મોડી રાત સુધી ચાલ્યો હતો. સાબરમતી બે કાંઠે વહેતી થઈ હતી અને વાસણા બેરેજની સપાટી 131થી ઘટાડી 128 ફૂટ કરાઈ હતી.
  • અગાઉ સપ્ટેમ્બર 2014માં 8 ઈંચ અને 2018માં 1.25 વરસાદ થયો હતો
  • સિઝનમાં અત્યારસુધી 32.61 ઈંચ
  • 24.79 ઈંચ વરસાદ આ વર્ષે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પડ્યો

સમીર રાજપૂત, અમદાવાદ: આ વર્ષે ચોમાસુ  ભલે મોડું ચાલુ થયું પરંતુ ઓગસ્ટ, સપ્ટેમ્બરના વરસાદે  બધી કસર પૂરી કરી નાખી છે. આ વર્ષના સપ્ટેમ્બરમાં છેલ્લા 5 વર્ષનો સૌથી વધુ 12.31 ઈંચ વરસાદ નોંધાયો છે. આ અગાઉ 2014ના સપ્ટેમ્બરમાં અંદાજે 8 ઈંચ વરસાદ પડ્યો હતો. સપ્ટેમ્બર 2019ની 27 તારીખ સુધીમાં 13 દિવસ વરસાદ થયો છે. 2018ના સપ્ટેમ્બરમાં છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછો સવા ઈંચ વરસાદ પડ્યો હતો. ગુરુવારે શહેરમાં પડેલા સરેરાશ બે ઈંચ વરસાદ સાથે શહેરની મોસમની 30 ઈંચની જરૂરિયાત સામે અત્યારસુધી 32.61 ઈંચ વરસાદ થયો છે. સૌથી વધુ 41 ઈંચ વરસાદ સરખેજ ઝોનમાં નોંધાયો છે. શુક્રવારે પણ બપોર પછી ચાલુ થયેલો ઝરમર વરસાદ મોડી રાત સુધી ચાલુ જ હતો. 

હજુ 4 દિવસ સુધી વરસાદી ઝાપટાં પડી શકે છે
એન્ટિ સાયક્લોનથી પવનની પેટર્નમાં ફેરફાર થતાં રાજ્યમાંથી ચોમાસું પશ્ચિમ રાજસ્થાન તરફથી વિદાય લેશે. હવામાન નિષ્ણાતના મતે 2 ઓક્ટોબર પછી શહેરમાં વરસાદની શક્યતા નહીવત છે.

ગુરુવારના વરસાદમાં 10 ઝાડ પડ્યાં, 52 સ્થળે પાણી ભરાયાં
ગુરુવારે મોડી રાત્રે શહેરના મોટાભાગના વિસ્તારમાં પડેલા ધોધમાર વરસાદથી 10 વૃક્ષ અને 3 મકાનના કેટલાક ભાગ પડી ગયા હતા.આ ઉપરાંત શહેરમાં 52થી વધુ સ્થળે પાણી ભરાયા હતા. પ્રહલાદનગર સહિત કેટલાક વિસ્તારોમાં ભોંયરામાં આવેલી દુકાનોમાં પાણી ભરાયા હતા.  ગુરુવારે મોડી રાત્રે અખબારનગર અને શાહીબાગ અંડરપાસમાં ભરાયેલા પાણીનો મ્યુનિ.એ રાત્રે જ નિકાલ કરી નાખ્યો હતો.
​​​​​​​
80 ટકાથી વધુ વરસાદ માત્ર ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં પડ્યો

માસ દિવસ ઈંચ
જૂન 6 4
જુલાઈ 10 3.82
ઓગસ્ટ 14 12.48
સપ્ટેમ્બર 13 12.31
કુલ 43 32.61

છેલ્લાં 6 વર્ષમાં શહેરમાં સપ્ટેમ્બરમાં થયેલો વરસાદ
ચાલુ વર્ષે સપ્ટેમ્બર 27 સુધીમાં અમદાવાદમાં 307.75 મિમિ (12.31 ઈંચ) વરસાદ નોંધાયો છે, જે છેલ્લાં 6 વર્ષમાં સપ્ટેમ્બરનો સૌથી વધુ છે.
2014-8.0 ઈંચ
2015-2.75 ઈંચ
2016-3.0 ઈંચ
2017-4.0 ઈંચ
2018-1.25 ઈંચ
2019-12.31 ઈંચ

અન્ય સમાચારો પણ છે...