પ્રથમ ગ્રાસે મક્ષિકા / ઓવર સ્પીડની પહેલી ડ્રાઈવમાં જ US ટેક્નોલોજીની 5માંથી 1 ગન બંધ, એકની કિંમત રૂ. 10 લાખ

  • 4 પોઈન્ટ પર 3 કલાકમાં 55 કેસ કરી 24,400 દંડ વસૂલાયો 
  • નિરમા યુનિવર્સિટી પાસેની ગન ઓપરેટ ન થતાં એક પણ કેસ ન થયો
  • ઓવર સ્પીડ બદલ દંડાનારા વાહનોમાંથી 70 ટકા ભારે વાહન  
  • ટુ-વ્હીલર સહિતનાં નાના વાહન 30 ટકા હતાં

Divyabhaskar.com

Aug 14, 2019, 01:55 AM IST

અમદાવાદ: શહેરમાં તમામ વાહનોની સ્પીડ લિમિટ નક્કી કરી દેવાયા બાદ મંગળવારે સવારે 9 થી 12 વાગ્યા સુધી ટ્રાફિક પોલીસે ઓવર સ્પીડના કેસ કરવા ખાસ ડ્રાઈવ યોજી હતી. 5 પોઈન્ટ ઉપર સ્પીડ ગન સાથે તહેનાત ટ્રાફિક પોલીસના જવાનોએ આ 3 કલાકમાં ઓવર સ્પીડના 55 કેસ કરીને વાહન ચાલકો પાસેથી રૂ.24,400 દંડ વસૂલ કર્યો હતો. આ ડ્રાઈવ નિરમા યુનિવર્સિટી બહાર, ઓગણજ સર્કલ ટોલનાકા, વિશાલા બ્રિજના છેડે, કોતરપુર અને ઓઢવ રિંગ રોડ ઉપર આવેલી પામ હોટેલ પાસે યોજાઇ હતી. જેમાં નિરમા યુનિવર્સિટી ખાતેની સ્પીડ ગન ઓપરેટ થઇ નહીં હોવાથી ત્યાં એક પણ કેસ થઇ શકયા નથી. જ્યારે બાકીના 4 પોઈન્ટ ઉપર 55 વાહન ઓવર સ્પીડમાં પસાર થતા પકડવામાં આવ્યા હતા.

રૂ.400 લેખે દંડ વસૂલ કરવામાં આવ્યો

ટ્રાફિક ડીસીપી તેજસ પટેલ એ જણાવ્યું કે પાંચેય સ્પીડ ગન ચાલુ જ હતી. જ્યારે આ ડ્રાઈવ દરમિયાન 55 વાહનચાલકો વિરુદ્ધ ઓવર સ્પીડના કેસ કરીને તેમની પાસેથી રૂ.400 લેખે દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. આ તમામ વાહન ચાલકો પહેલી વખત ઓવર સ્પીડમાં વાહન ચલાવતા પકડાયા હોવાથી રૂ.400 દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. જો કે તે જ વાહન ચાલક બીજી વખત પકડાશે તો તેમની પાસેથી રૂ.1 હજાર દંડ વસૂલ કરવામાં આવશે.

વાહનને પકડવા અડધો કિમી દૂર પોલીસ રાખવી પડે છે
જે પોઈન્ટ પરથી ટ્રાફિક પોલીસ સ્પીડ ગનથી ઓવર સ્પીડમાં જતું વાહન ટારગેટ કરે છે તે જગ્યાએ વાહનને રોકવું શક્ય હોતું નથી. જેથી તે વાહન ચાલકને રોકવા માટે અડધો કિલોમીટર આગળ પોલીસની એક ટીમ તહેનાત રાખવી પડે છે. તે ટીમને ફોન કરીને જે તે વાહનનો નંબર જણાવવામાં આવે છે જેના આધારે તે ટીમ વાહન ચાલકને રોકીને દંડ વસૂલ કરે છે.

સ્પીડ ગન આ રીતે ઓપરેટ થાય છે
ટ્રાફિક પોલીસના જવાન સ્પીડ ગન લઇને રોડ ઉપર ઉભા રહે છે. ત્યારબાદ ગનમાં સ્પીડ લિમિટ સેટ કરવામાં આવે છે. સેટ કરેલી સ્પીડ કરતાં વધારે સ્પીડમાં આવતા વાહન ગન ઓટોમેટીક આઈડેન્ટીફાઈ કરી લે છે, ત્યારબાદ જે તે વાહનની નંબર પ્લેટને ટાર્ગેટ કરીને ગનનું ટ્રીગર દબાવવામાં આવે છે. જેનાથી તે વાહન કેટલી સ્પીડમાં હતું તે જાણી શકાય છે અને નિયત મર્યાદા કરતા વધુ ગતિએ જતા ડ્રાઈવરને પકડવામાં આવે છે.

ઓવર સ્પીડના કેસ કરવા માટે રોડ 1 કિલોમીટર સુધી ખુલ્લો હોવો જરૂરી
ઓવર સ્પીડના કેસ કરવા માટે 1 કિલોમીટરનો ખુલ્લો રોડ હોવો ખૂબ જરુરી છે. જ્યારે એસજી હાઈવે સહિતના અમદાવાદના તમામ રસ્તાઓ હાલમાં તુટી ગયા છે, તેમજ મેટ્રો, ઓવર બ્રિજ સહિતના કામ ચાલી રહ્યા છે. આ ઉપરાંત સર્કલ, કટ અને બમ્પને બાદ કરતા 1 કિલો મીટર જેટલો ખુલ્લો રોડ વાહનચાલકોને મળી શકે તેમ નથી. જેના કારણે વાહનો સ્પીડ લિમિટમાં જ ચાલી રહ્યા છે. દરમિયાન મનદીપ દત્ત નામના એક બિઝનેસમેન ઓવર સ્પીડના કેસમાં દંડાયા હતા. તેમણે પ્રતિક્રિયા આપી કે ડ્રાઈવ સારી છે પણ ક્યાંય સાઈન બોર્ડ મૂકવામાં આવ્યા નથી. ચંદીગઢમાં આવા બોર્ડ છે.

X
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી