તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

‘સંવેદનશીલ પોલીસ’એ રસ્તા પર રડતા બાળકને ચોકલેટ-બિસ્કિટ ખવડાવ્યા, દાદા-દાદીને શોધી મિલન કરાવ્યું

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાળકને દાદા-દાદીને સોંપી રહેલી બાપુનગર પોલીસ - Divya Bhaskar
બાળકને દાદા-દાદીને સોંપી રહેલી બાપુનગર પોલીસ

અમદાવાદ: પોલીસનું નામ સાંભળતા જ સામાન્ય લોકોમાં એક આંતરિક ડર વ્યાપી જાય છે. પરંતુ પોલીસ પણ અંતે તો સંવેદનાથી ભરેલો માનવ જ છે. તેમાં પણ બાળક તો કઠોર કાળજાના માણસને પણ સંવેદનશીલતાથી ભરી દે છે. શહેરમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. બાપુનગરમાં આવેલા શ્યામશિખર એપાર્ટમેન્ટ પાસેથી અંદાજે ત્રણ વર્ષનો અવિચલ પંચાલ નામનો છોકરો મળી આવ્યો હતો. બાપુનગર બ્રિજ નીચે સવારે 8 વાગ્યે બાપુનગર પોલીસને પરિવારથી વિખૂટા પડેલો આ છોકરો ક્રોસ કરતા અને રડતો દેખાયો હતો. જેથી પોલીસ તેની પાસે જઈ પૂછ્યું હતું, જો કે તે કશું બોલ્યો ન હતો. જેથી પોલીસ તેને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. ત્યાર બાદ મહિલા પોલીસે તેને ખોળામાં બેસાડ્યો અને ચોકલેટ અને બિસ્કીટ ખવડાવ્યા હતા. આ દરમિયાન તે રમવા લાગ્યો અને સમગ્ર પોલીસ સ્ટેશન પણ બાળક સાથે બાળક બની ગયું હતું. 

ઘરમાંથી રમતા રમતા બહાર નીકળી ગયો હતો
ઈન્ડિયા કોલોનીની સુરજીત સોસાયટીમાં રહેતા ભરતભાઈ પંચાલનો પૌત્ર અવિચલ પંચાલ ઘરમાં રમતા રમતા બહાર નીકળી ગયો હતો. ત્યાર બાદ ઘરના સભ્યોને અવિચલ ઘરમાં ના મળતા દાદાની સાથે ગયો હશે તેવુ માની લીધું હતું. પરંતુ ભરતભાઈ  ઘરે પાછા આવ્યા ત્યારે અવિચલ સાથે ન હોવાથી પરિવારે શોધખોળ શરૂ કરી હતી અને થોડા સમયમાં જ બાપુનગર પોલીસ બાજુની સોસાયટીમાં અવિચલના ફોટો સાથે બાળક અંગે પૂછપરછ કરી રહી હતી. આ દરમિયાન પોલીસને અવિચલના દાદા મળી આવ્યા હતા અને તેને પૌત્રને સોંપી દીધો હતો.

સોશિયલ મીડિયા દ્વારા માતા-પિતાને શોધ્યા
આ અંગે બાપુનગર પીઆઈ એન.કે વ્યાસે જણાવ્યું હતું કે છોકરો કંઈ બોલતો નહતો. આસપાસના વિસ્તારમાં છોકરાના ફોટો સાથે પોલીસે તપાસ કરી હતી. તમામ પોલીસ સ્ટેશન અને સોશિયલ મીડિયામાં છોકરાનો ફોટો આપવામા આવ્યો હતો. કોઈ વ્યક્તિને બાળકના માતાપિતાની માહિતી મળે તો બાપુનગર પોલીસ સ્ટેશન અથવા પીઆઈ એન.કે. વ્યાસનો નંબર 9099950101 પર સંપર્ક કરવા જણાવવામાં આવ્યું હતું. છેવટે સોશિયલ મીડિયા દ્વારા છોકરાના માતા-પિતાનો સંપર્ક થયો હતો અને તેમને આ છોકરો સોંપી દેવામાં આવ્યો હતો.