અમદાવાદઃ શહેરમાં ડેન્ગ્યુ, મેલેરિયા, પાણીજન્ય રોગચાળાએ માઝા મૂકી છે ત્યારે સફાઇ અને રોગચાળો નિયંત્રણની કામગીરી કરનારા કર્મચારીઓની જેટમાં નિમણૂકો કરી મ્યુનિ. તંત્ર ઉઘરાણા કરી રહ્યું હોવાનો આક્ષેપ મ્યુનિ. વિપક્ષના નેતા દિનેશ શર્માએ મ્યુનિ. બોર્ડમાં કર્યો છે. તેમણે એવો પણ આક્ષેપ કર્યો કે તંત્ર દર્દીઓની સંખ્યાના સાચા આંકડા પણ છુપાવી રહ્યું છે.
નાના રસ્તાની સફાઇ ન કરવાનો આક્ષેપ
મ્યુનિસિપલ કોર્પોરેશનની માસિક સાધારણ સભામાં બુધવારે વિપક્ષના નેતા દિનેશ શર્માએ આક્ષેપો કરતા એવી રજૂઆત કરી હતી કે, તંત્રે આરોગ્યને લગતાં સાચા આંકડાઓ જાહેર કરવા જોઇએ. પહેલા શહેરમાં દરેક વોર્ડમાંથી રોજબરોજ પાણીના સેમ્પલ લઇને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવતા હતા. જો કે આ સેમ્પલ લેનાર સેનેટરી ઇન્સ્પેક્ટરને મ્યુનિ. તંત્ર દ્વારા જેટ ટીમમાં ગોઠવવામાં આવ્યા છે. તેઓ શહેરીજનોને દંડ કરી રહ્યા છે. પણ પ્રજાને રોગચાળામાં બચાવવાની અસરકારક કામગીરી થતી નથી. મોટા રસ્તાઓ સાફ થાય છે પણ નાના રસ્તાની સફાઇ થતી નથી. સરકારી બિલ્ડિંગોની પણ સફાઇ થતી નથી. રાત્રી સફાઇની કામગીરીની પણ યોગ્ય તપાસ કરવામાં આવતી નથી.
વારંવાર આ મામલે રજૂઆત કરી છે
કોંગ્રેસની સિનિયર નેતા સુરેન્દ્ર બક્ષીએ રજૂઆત કરી હતી કે, ડોર ટુ ડોર અને સફાઇમાં આપણું સ્તર કથળ્યું છે. વારંવાર ફરિયાદો કરવા છતાં પણ સફાઇ યોગ્ય થતી નથી. ખાધ્ય અખાધ્યના લઈસન્સ પણ તબીબી અધિકારીઓને બદલે અન્યને આપવાની સત્તા પણ વિપરીત છે. તે દિશામાં પણ મ્યુનિ.એ વિચારવું જોઇએ. કઇ ફેક્ટરીમાં કામદારને કયા પ્રકારના રોગ થાય તે માત્ર તબીબોને વધુ સારી રીતે ખબર પડે છે. પહેલા સેનેટરી ઇન્સ્પેક્ટર દરેક વોર્ડમાંથી નિશ્ચિત સંખ્યામાં રોજ પાણીના 20 સેમ્પલ લેતા અને જો દૂષિત પાણી વધુ આવતું હોય તો મેડિકલ વાન બોલાવીને લોકોને સારવાર અપાતી. આ પ્રજાની સુખાકારીની કામગીરી બંધ થઇ છે? તેવા પ્રશ્નમાં શાસક પક્ષે પણ કોંગ્રેસના પ્રશ્નમાં સૂર પૂરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.