અમદાવાદ / વિશાલ ગોસ્વામી સાબરમતી જેલમાં બેઠા બેઠા ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનો પર્દાફાશ, ચાર સાગરીતની ધરપકડ

વિશાલ ગોસ્વામીની ફાઈલ તસવીર
વિશાલ ગોસ્વામીની ફાઈલ તસવીર

  • કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામીની ગેંગ ફરી સક્રિય, મોટા વેપારીઓ પાસે ખંડણી માંગી
  • આરોપીઓ પાસેથી રૂ.50 હજાર, 20 મોબાઈલ ફોન, એક પિસ્તોલ, 40 કારતુસ મળ્યા

Divyabhaskar.com

Jan 15, 2020, 03:59 PM IST

અમદાવાદઃ શહેરના મોટા મોટા વેપારીઓ પાસેથી કરોડો રૂપિયાની ખંડણી અને હત્યા કરનાર કુખ્યાત ખંડણીખોર વિશાલ ગોસ્વામી ફરીથી સક્રિય થયો છે. સાબરમતી જેલમાંથી વિશાલ ગોસ્વામી ખંડણીનું નેટવર્ક ચલાવતો હોવાનો ખુલાસો થયો છે. ક્રાઈમ બ્રાન્ચે સાબરમતી જેલમાં તપાસ કરતા વિશાલ ગોસ્વામી પાસેથી સ્માર્ટ ફોન મળી આવ્યા હતા. જે મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરતા સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો. આ મામલે ક્રાઈમ બ્રાન્ચે વિશાલના ચાર સાગરીત એવા ધીરજ રામેશ્વપુરી ગોસ્વામી, અનુરાગ સુરેન્દ્રપુરી ગોસ્વામી, જયપુરી રવિન્દ્રપુરી ગોસ્વામી, સુરજ પ્રિતમપુરી ગોસ્વામી મેઘાણીનગરમાંથી ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રૂ.50 હજાર, 20 મોબાઈલ ફોન, એક પિસ્તોલ, 40 કારતુસ અને ગુનામાં વપરાયેલું અપાચે મોટર સાયકલ તેમજ હોન્ડા સિટી કાર જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે, આ ગુનો ગુજસીટોક હેઠળ દાખલ થયેલો પ્રથમ ગુનો છે.

વિશાલ ગોસ્વામીના ઈશારે તેના સાગરિતો ખંડણી માટે વેપારીઓને ધમકાવતા
વિશાલ ગોસ્વામી તથા તેની ગેંગના અજય ઉર્ફે આશુતોષ ઉર્ફે અભય ગોસ્વામી, તથા રીન્કુ ઉર્ફે રાજ ઉર્ફે રાજવીર ઉર્ફે રામવીર ઉર્ફે રાજેશ ગોસ્વામી હાલ જેલમાં બંધ છે. જ્યારે જામીન પર મુક્ત એવા અન્ય આરોપી જેલમાં બંધ આરોપીઓ સાથે ગુનાહીત કાવતરું રચીને એકબીજા સાથે ફોન પર સંપર્ક કરી જેલમાં બંધ વિશાલ ગોસ્વામી અને તેના સાથીદાર વેપારીઓ પાસેથી માતબર રકમની ખંડણી મેળવવા વોટ્સએપ કોલ અને મેસેજ કરી ધમકી આપે છે. જો આ રકમ નહીં ચૂકવવામાં આવે તો વેપારીઓ અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ ખુલાસો થયો છે. આ ઉપરાંત વિશાલ ગોસ્વામીની સુચના અનુસાર જેલમાંથી મુક્ત થયેલા આરોપીઓ વેપારીઓને ડરાવતા અને ધમકાવતા હતા. તેની સાથે સાથે કોર્ટમાં ચાલતા જુના કેસોના સાક્ષીઓને કેસમાંથી ફરી જવા ધમકી આપતા હોવાનો પણ તપાસમાં ખુલાસો થયો છે.

સાબરમતી જેલમાંથી 3 મોબાઈલ, ફોન નંબર લખેલી નોટબૂકો સહિતની વસ્તુઓ મળી
આ ખુલાસાને પગલે ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ સાબરમતી સેન્ટ્રલ જેલમાં ઝડતી તપાસ કરતા વિશાલ ગોસ્વામી તથા અજય ઉર્ફે આશુતોષ ગોસ્વામી તથા રીન્દુ ઉર્ફે રાજ ગોસ્વામી પાસેથી બે એન્ડ્રોઈડ મોબાઈલ, એક સાદો ફોન, બે સીમકાર્ડ, મોબાઈલનું ચાર્જર, સીમકાર્ડ કાઢવા માટેની પીન, બે હેન્ડ્સ ફ્રી તેમજ મોબાઈલ ફોન નંબર લખેલી નોટબૂકો જેવી ચીજ વસ્તુઓ મળી આવી છે.

વિશાલે ગુજરાત, એમપી, યુપી, રાજસ્થાન અને કર્ણાટકમાં 13 હત્યા કરી
વિશાલે અમદાવાદમાં 3 હત્યા સહિત મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, રાજસ્થાન અને કર્ણાટકમાં મળી કુલ 13 હત્યા કરી છે. જ્યારે હત્યા સહિતના 50 ગુનાઓમાં વિશાલ પાંચ રાજ્યોમાં વોન્ટેડ હતો. ‌

- કચ્છના ભારાસરની ‌BOB બ્રાંચમાં ફાયરિંગ કરી 12 લાખની લૂંટ
- ઘાટલોડિયા- નંદજ્વેલર્સના માલિક પર ફાયરિંગ, લૂંટની કોશિષ
- વસ્ત્રાપુરમાં પ્રકાશસોનીની હત્યા બાદ લૂંટ
- નવરંગપુરામાં ભાનુ જ્વેલર્સના માલિકો પર ફાયરિંગ
- સોલામાં પ્રકાશપટેલ (સોની) પાસેથી 10 લાખની ખંડણીની માગણી
- સોલામાં બાઈક પર આવી ફાયરિંગ કરી 3.50 લાખની લૂંટ
- ઘાટલોડિયામાં પંકજ સોનીની હત્યા અને 2.50 લાખની લૂંટ
- વેજલપુરમાં મધુવન કોમ્પ્લેકસમાં મુથ્થુટ ફાયનાન્સમાં લૂંટની કોશિષ
- વટવા-પીપળજની ADC બેંકમાં ફાયરિંગ કરી રૂ.5.50 લાખની લૂંટ

શું છે ગુજસીટોક
ગુજરાતમાં 1 ડિસેમ્બરથી GUJCTOC(ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ) લાગુ થઈ ગયો છે. આ કાયદા હેઠળ સોપારી આપવી (કોન્ટ્રાક્ટ કિલિંગ), ધાક ધમકીથી પૈસા પડાવવા, પ્રતિબંધિત વસ્તુની દાણચોરી કરવી, ગેરકાયદે કેફી દ્રવ્યોનો વેપાર કરવો, ખંડણી માટે અપહરણ કરવા, રક્ષણ માટે નાણાં વસુલવા, નાણાંકીય લાભો મેળવવા માટે લોકોને છેતરવાના આશયથી પોન્ઝિ સ્કીમ, અથવા મલ્ટી લેવલ માર્કેટિંગ સ્કીમ ચલાવવા જેવા ગુનાઓ નોંધાશે.

X
વિશાલ ગોસ્વામીની ફાઈલ તસવીરવિશાલ ગોસ્વામીની ફાઈલ તસવીર

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી