એગ્રી વાયદામાં તેજી-મંદીના સટ્ટામાં ખેડૂતોને જ ડામ!

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કૃષિ ક્ષેત્રમાં વાયદો શરૂ થયાને દોઢ દાયકો વીતિ ચૂક્યો છતાં સટ્ટાનું પ્રભૂત્વ આજે પણ યથાવત રહ્યું છે

એગ્રી કોમોડિટીમાં વાયદાનો વેપાર શરૂ થયાને સરેરાશ દોઢ દાયકો વીતિ ચૂક્યો છે છતાં પણ સટ્ટાનું પ્રભૂત્વ યથાવત રહ્યું છે. ખેલાડીઓ દ્વારા સમયાંતરે એગ્રી વાયદામાં સટ્ટો રમાઇ રહ્યો છે જેની સીધી અસર નાના ટ્રેડરોની સાથે-સાથે ખેડૂતોને મોટી નુકસાની વેઠવી પડે છે. ગવાર, એરંડા તથા ચણા સટ્ટા માટે હોટ કોમોડિટી સાબીત થઇ ગયા છે. અગાઉ આ ત્રણેય કોમોડિટીને સટ્ટાના કારણે વાયદા પર વેપાર બંધ કરી દેવામાં આવ્યા હતા પરંતુ તે ફરી શરૂ થઇ ચૂક્યા છે અને ભરપૂર સટ્ટો ચાલી રહ્યો છે.  વાયદા શરૂ થયા ત્યારે સરકાર-એક્સચેન્જો દ્વારા એવા બણગા ફુંકાતા હતા કે વાયદાથી ખેડૂતો સમૃદ્ધ બનશે પરંતુ વાયદાના વેપારથી ખેડૂત સમૃદ્ધ બન્યો હોય તેવો એક પણ દાખલો નથી. ઉલટું ખેડૂતોના નામે વચેટીયાઓ, ટ્રેડરો લાભ લઇ રહ્યાં છે. એટલું જ નહિં મલ્ટીનેશનલ કંપનીઓનો પણ તેજી-મંદી કરાવવામાં મોટો હિસ્સો રહેલો છે.  ખેડૂતોને માટે ચોમાસું સારૂ હોય તો પણ મુશ્કેલી અને ખરાબ હોય તો પણ મુશ્કેલી.. આ વર્ષે શ્રીકાર વરસાદ થયો છે ત્યારે વાવેતર વિસ્તારમાં વધારો થવા સાથે ઉત્પાદનના અંદાજો ઉંચા મુકાવા લાગ્યા છે ત્યારે હવે મોટી મુશ્કેલી સારા ભાવની તો દૂર પુરતા ટેકાના ભાવ મળશે કે કેમ તે અંગે ખેડૂતો દ્વીધા અનુભવી રહ્યાં છે.  ગુજરાતમાં કપાસ, મગફળી, એરંડા જેવા મુખ્યપાકોમાં રેકોર્ડ ઉત્પાદનનું ચિત્ર તૈયાર થયું છે પરંતુ સારા ભાવ અપાવવા મુદ્દે રાજ્ય સરકાર કોઇ ખાસ પ્રકારનું આયોજન કરે છે કે કેમ તે જોવાનું રહ્યું. અન્ય આયોજન તો દૂરની વાત વાયદામાં ચાલી રહેલા કૌભાંડને પણ અટકાવવામાં આવે તો ખેડૂતોને રાહત થાય. તાજેતરમાં એરંડા વાયદામાં સપ્તાહમાં 30 ટકાથી વધુની મંદી આવી છતાં સરકાર, સેબી દ્વારા કોઇ જ યોગ્ય પગલા લેવામાં આવ્યા નથી જેના કારણે ખેડૂતોને સરેરાશ મણ દીઠ રૂ.200-250નું નુકસાન છે. સપ્ટેમ્બર માસમાં 25 તારીખ આસપાસ એરંડાનો ભાવ મણ દીઠ રૂા.1050-1100 સુધી બોલાતો હતો જે દસ જ દિવસમાં વાયદામાં આવેલી કારમી મંદીના કારણે ઘટીને રૂ.800 સુધી પહોંચી ગયો છે. માત્ર મંદીના સમયમાં જ ખેડૂતોને નુકસાન થાય એવું નથી. જ્યારે વાયદામાં એકાએક ઝડપી તેજી થાય ત્યારે પરિસ્થિતી એવી સર્જાય કે ખેડૂતો પાસે માલનો સ્ટોક જ ન હોય અને તેનો લાભ વચેટીયાઓ, ટ્રેડરો રળી લે છે. આમ વાયદાથી ખેડૂતને ફાયદો નથી ઉલટું નુકસાન થઇ રહ્યું છે. જે-તે વર્ષમાં વાયદામાં જે પાકમાં મોટી તેજી આવી હોય તે વર્ષે ખેડૂતો તેને અનુસરી તે પાકનું મોટા પાયે ઉત્પાદન કરે છે અને સરવાળે ઉપજના પણ ભાવ મેળવવાથી વંચીત રહે છે કેમકે જ્યારે તૈયાર પાક બજારમાં આવે ત્યારે ફરી પાછા ભાવ તળિયે પહોંચી ગયા હોય છે. ખરીફ સિઝન માટે 2019-20માં ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ માત્ર રૂ.50 થી 311 સુધીનો વધારો કરવામાં આવ્યો છે જે અગાઉના વર્ષે ખરીફ ટેકાના ભાવમાં સરેરાશ રૂ.200 થી 1827 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. એક તરફ સરકાર ખેત પાકોના ઉત્પાદનમાં સતત વધારો થાય તેવા પ્રયાસો કરી રહી છે પરંતુ ખેડૂતોને પુરતા ભાવ મળવા મુદ્દે કોઇ જ પ્રકારનું યોગ્ય માળખું ઘડવામાં આવ્યું નથી.

કૃષિ પાકોના વાયદા બંધ થવા જરૂરી છે
ખેડૂતોને વાયદાના વેપારની પુરતી સમજ નથી અને લેવા પણ માંગતા નથી. કેમકે જો ખેડૂતો વાયદા રમતા થશે તો ઉત્પાદન કોણ કરશે. વાયદાના કારણે ખેડૂતોને અનેક હાડમારીનો સામનો કરવો પડે છે. વગર માલે તેજી-મંદી થાય તેમાં કાયમને માટે ખેડૂતો જ પીસાઇ છે. અગાઉ ગવાર, કઠોળ તથા એરંડા વાયદા બંધ થઇ ચૂક્યા છે જેના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન સહન કરવું પડ્યું હતું આમ કૃષિ પાકોના વાયદા બંધ થવા જરૂરી છે. > વિરસંગભાઇ ચૌધરી, અગ્રણી ખેડૂત.

અન્ય સમાચારો પણ છે...