2014 પછી ગુજરાત 6 વાવાઝોડાથી બચ્યું, 4 ફંટાઈ ગયા, બે દરિયામાં જ શમી ગયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 12મી જૂને મધરાતથી વાયુ વાવાઝોડુ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકશે
  • કચ્છ, સોરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભાર વરસાદની આગાહી

અમદાવાદ: 12મી જૂને મધરાતથી કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું 120થી 145 કિમીની ઝડપે ત્રાટકવાનું છે. 2014 પછી ગુજરાતમાં 6 વાવાઝોડાનો ખતરો મંડરાયો હતો. પરંતુ ગુજરાત આ વાવાઝોડાના વિનાશથી બચી ગયુ હતું. કારણ કે 6 વાવાઝોડામાંથી 4 વાવાઝોડા (ચપાલા, નનૌક, અશોબા, સાગર) ફંટાઈ ગયા હતા જ્યારે બે વાવાઝોડા (ઓખી, નિલોફર) દરિયામાં જ શમી ગયા હતા.

નનૌક ચક્રવાત (13 જૂન, 2014)
અરબી સમુદ્રમાં વેરાવળથી 590 કિમીનાં અંતરે મધદરિયે નનૌક ચક્રવાત સર્જાયું હતું. જેના પગલે રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારો એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યા હતા. પરંતુ નનૌક ચક્રવાત ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો હતો.

નિલોફર વાવાઝોડું (29 ઓક્ટોબર, 2014)
2014માં દીવાળી પૂર્ણ થતાં અરબ સાગરમાં હવાના ભારે દબાણે ‘નિલોફર’ સર્જાયું હતું. સૌરાષ્ટ્ર અને કચ્છ પરની તેની સંભવિત અસરોને ખાળવા માટે એક સપ્તાહ પહેલા રાજ્ય સરકાર અને તેના માર્ગદર્શન હેઠળ કચ્છનું વહીવટી તંત્ર આપત્તિ સામે સજ્જ રહ્યું હતું. કચ્છ પર મોટી આફતના અણસાર વચ્ચે કચ્છનું વહીવટી તંત્ર સંભવિત નુકસાન સામે તૈયાર આદરી હતી. નિલોફરને સમુદ્રે પોતાનામાં સમાવી દીધું અને કચ્છને આફત સામે કેમ તૈયાર રહેવું એનો બોધ વાવાઝોડું આપતું ગયું હતું.

અશોબા વાવાઝોડું (10 જૂન, 2015)
પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં ઊંડા સાયકલોનને પગલે અશોબા નામનું વાવાઝોડું અતિ તીવ્ર બન્યું હતું. જે ઓમાન તરફ ફંટાતા ગુજરાત પરની ઘાત ટળી હતી

ચપાલા વાવાઝોડું (31 ઓક્ટોબર, 2015)
અરબી સમુદ્રમાં ચપાલા નામનું વાવાઝોડું સર્જાયું હતું. જે વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું હતું. જેથી ગુજરાતમાં દીવાળી જેવા તહેવારો ટાણે તોળાતો ખતરો ટળી ગયો હતો.

ઓખી વાવાઝોડું ( 4 ડિસેમ્બર, 2017)
તામિલનાડુ અને કેરળમાં હાહાકાર મચાવ્યાં બાદ ઓખી વાવાઝોડાંએ ગુજરાત તરફ વળ્યું હતું. પરંતુ અરબી સમુદ્રના માર્ગે આગળ વધી રહેલું ઓખી વાવાઝોડું તામિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને લક્ષદ્વીપને પાર કરી ગુજરાત પહોંચતા પહેલાં વિખરાઈ ગયું હતું.

સાગર વાવાઝોડું ( 17મે, 2018)
ગુજરાતના દરિયાકાંઠે સાગર નામનું વાવાઝોડું સર્જાયું હતું. પરંતુ ગુજરાત પહોંચતા પહેલા આ વાવાઝોડું યમન તરફ ફંટાઈ ગયું હતું. જેથી ગુજરાત પરથી ખતરો ટળ્યો હતો અને તંત્ર રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે, અરબી સમુદ્રમાં સર્જાતા વાવાઝોડા મોટાભાગે પાકિસ્તાન, મ્યાનમાર, બાંગ્લાદેશ અને ઓમાન જેવા દેશોમાં ફંટાઈ જાય છે.