અમદાવાદ / એક્ટિવાને ટક્કર મારી ચાલકને મોતને ઘાટ ઉતારનાર MLA શૈલેષ પરમારની કારનો ડ્રાઈવર ઝડપાયો

  • અકસ્માત સર્જીને ચાલક નાસી છૂટ્યો હતો
  • પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી
  • ધારાસભ્યએ અકસ્માત મામલે ખેદ વ્યક્ત કર્યો હતો

Divyabhaskar.com

Dec 04, 2019, 01:22 AM IST
અમદાવાદ: મેમનગરમાં એક્ટિવાચાલકને કચડી મારી નાસી છૂટેલા દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારની ઈનોવા ગાડીનો ડ્રાઇવર દેવેન્દ્ર ઈશ્વરભાઇ ભાવસાર 19 કલાક બાદ ઈનોવા કાર સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થયો હતો.
સતાધાર સ્વાગત સોસાયટીમાં રહેતા પ્રફુલ્લ ભીખાભાઇ પટેલ(46) સોમવારે સાંજે ઘરેથી એક્ટિવા લઈને 8 વર્ષના દીકરા જાન્યને ટ્યૂશન ક્લાસીસમાં લેવા જતા હતા. પ્રફુલ્લભાઈ મેમનગર ગોકુલ રો હાઉસ બહારથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પૂરઝડપે આવેલી શૈલેષ પરમારની ઈનોવા કારે પ્રફુલ્લભાઇને અડફેટે લેતા તેમનું મોત થયું હતું.
ઘટનાના 19 કલાક બાદ મંગળવારે બપોરે 1 વાગ્યે દેવેન્દ્ર ભાવસાર (કાંકરિયા) ટ્રાફિક એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાર લઇને હાજર થયો હતો. આ અંગે ટ્રાફિક પીઆઈ પી.બી.ખાંભલાએ જણાવ્યું હતું કે, સોમવારે સાંજે દેવેન્દ્ર એકલો જ કાર લઇને નીકળ્યો હોવાનું તે જણાવી રહ્યો છે, પરંતુ ખરેખર ગાડી કોણ ચલાવતું હતું તેની ખરાઇ કર્યા બાદ સાચા આરોપીને ઝડપીશું.
ધારાસભ્ય પરિવારનો ખર્ચ ઉપાડે તેવી માગ
પ્રફુલ્લભાઇ પરિવારનો એકમાત્ર આધાર હતા. તેમના પત્નીનું કહેવું છે કે, બંને દીકરાનો આશરો છીનવાઇ ગયો છે આથી શૈલેષ પરમાર જ ભરણપોષણની જવાબદારી ઉપાડે.
વિસ્મય કેસની જેમ ભીનું સંકેલવાનો પ્રયાસ
મેમનગર હિટ એન્ડ રન કેસમાં પોલીસે આરોપી સામે આઈપીસી કલમ 279, 304(અ), 338, મોટર વ્હિકલ એક્ટની કલમ 177, 134(બી) અને 184 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે આ તમામ કલમો હેઠળ મહત્તમ સજાની જોગવાઇ 7 વર્ષ કરતાં ઓછી હોય છે, પરંતુ મેમનગર હિટ એન્ડ રનની ઘટના વિસ્મય શાહ હિટ એન્ડ રન કેસ જેવી જ હોવા છતાં પોલીસે આ કેસમાં આઈપીસી કલમ 304 નહીં લગાવીને ભીનું સંકેલી દીધું હોય તેમ સ્પષ્ટ લાગે છે.
પુરાવા ચકાસીને સાચા આરોપીને પકડીશું
ઈનોવાના કાચ કાળા હતા, જેથી ખરેખર કોણ ચલાવતું હતું તે જાણવા માટે શૈલેષ પરમાર અને તેમના પરિવારના સભ્યોના મોબાઈલ લોકેશન - સીડીઆર મંગાવીશુ તેમજ જરૂરી તમામ સીસીટીવી ફૂટેજ પણ એકત્રિત કરીશું. સાચા આરોપીની ઓળખ થયા બાદ જ દેવેન્દ્રની ધરપકડ કરવી કે નહીં તે નક્કી કરીશું.- પી.બી.ખાંભલા, પીઆઈ, ટ્રાફિક એ પોલીસ સ્ટેશન
X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી