સેવા / એક દાયકાથી દિવ્યાંગ દ્વારા સાણંદમાં શ્વાન માટે સદાવ્રત, ગૌરાંગભાઈના મોપેડનું હોર્ન સાંભળતા જ ભૂખ્યા શ્વાન દોડે છે

  • આ સેવા કાર્ય દરમિયાન શ્વાન ઘણીવાર ગૌરાંગભાઈ પર હુમલો કરે છે
  • ગૌરાંગભાઈની સાથે એક વૃદ્ધ પણ શ્વાનને નિયમિત રોટલી ખવડાવે છે

Divyabhaskar.com

Dec 03, 2019, 05:55 PM IST

અમદાવાદઃ દેશમાં અનેક લોકોએ ભૂખ્યાં સુવુ પડે છે, ત્યારે પશુ-પંખીની તો વાત જ ક્યાં કરવી.પરંતુ કેટલાક એવા લોકો છે, જેમણે પોતાના જીવનનો મોટાભાગનો સમય પશુઓ માટે આપી દીધો છે. અમદાવાદ જિલ્લાના સાણંદમાં રહેતા ગૌરાંગભાઈ પટેલ નામના દિવ્યાંગ વ્યક્તિ અને એક વૃદ્ધ પણ રખડતા શ્વાનને સાંજના સમયે નિયમિત રૂપે ખવડાવે છે. આ સેવા કાર્ય માટે તેઓ પોતાની મૂડીમાંથી ખર્ચ કાઢીને રોટલી-રોટલા બનાવડાવે છે, માત્ર એટલું જ નહીં આખો દિવસ શ્વાન માટે 1000 જેટલી રોટલીઓ પણ એકત્ર કરીને રાત્રે શ્વાનને ખવડાવા માટે નીકળી પડે છે. આ સદાવ્રતમાં ગૌરાંગભાઈ એક દિવસ પણ ચૂક્યા નથી.

રોટલી એકત્ર કરવાની જગ્યા રોટી બેંક તરીકે જાણીતી
જો કે તેમને કેટલાક લોકો મદદ ન કરતા હોવાછતાં તેઓ હિંમત હારતા નથી. આ કાર્ય માટે તેમણે રોટલીઓ એકત્ર કરવા માટેની જગ્યા પણ બનાવી છે. જેને સાણંદવાસીઓ રોટી બેંક કહે છે. આ કામ દરમિયાન ઘણી વખત તેમના પર શ્વાન હુમલો કરે છે. બીજી તરફ કેટલાક વિસ્તારમાં આ વ્યક્તિઓ પહોંચે અને હોર્ન મારે કે તુરંત જ શ્વાન એકત્ર થવા લાગે છે.

ગૌરાંગભાઈ ઝેરોક્સની દુકાન ચલાવે છે
સાણંદના ઘોડાગાડી સ્ટેન્ડ પાસે રહેતા ગૌરાંગભાઈ પટેલ રણછોડજી મંદિર પાસે પોતાની ઝેરોક્સની દુકાન ચલાવે છે. પરંતુ આ વિસ્તારના તમામ લોકો નાની મોટી સમસ્યા માટે તેમની પાસે આવે તો તેઓ તુંરત તેમના માટે તૈયાર થઇ જાય છે. ગૌરાંગભાઈ માત્ર લોકોની જ નહીં, પરંતુ પશુઓની પણ સેવા કરે છે. ગૌરાંગભાઇ છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી આસપાસના ગામડાઓના ખેતરમાં રખડતા શ્વાનને નિયમિત રીતે રોટલા નાખવા જાય છે.

પોતાની દુકાને રોટલી માટે થેલો લટકાવી રાખે છે
ગૌરાંગભાઇ પોતે પગથી દિવ્યાંગ છે. તેઓ રોજ પોતાના ઘરે રોટલા બનાવડાવે છે, પરંતુ શ્વાનની સંખ્યા એટલી બધી છે કે તે રોટલા તેમના માટે પુરા થતા નથી. તેઓ છેલ્લા ઘણા સમયથી પોતાની દુકાન બહાર એક થેલો લટકાવી રાખે છે, જેમાં આસપાસના લોકો રોટલી મુકી જાય છે અને તે રોટલીઓ સાંજે ગૌરાંગભાઇ વહેંચવા નીકળે છે. તેની સાથે સાથે તેઓ આસપાસની શેરીમાં માત્ર શ્વાન માટે રોટલીઓ ઉઘરાવા જાય છે. તેમને લોકો હસતા હસતા રોટી આપતા જાય અને સીતારામ કહેતા જાય છે.

આ અંગે ગૌરાંગભાઇએ જણાવ્યું કે હું પ્લેઝરનું હોર્ન મારું એટલે માત્ર ભૂખ્યા હોય તે તમામ શ્વાન આવી જાય છે. મારી જેમ અન્ય એક વૃદ્ધે પણ શ્વાનની સેવામાં પોતાનું જીવન આપી દીધું છે. આ સેવા કાર્ય દરમિયાન ઘણાં શ્વાન ગૌરાંગભાઈને કરડે પણ છે, આમ છતાં બીજા દિવસે ફરીથી તે જ જગ્યાએ જાય છે.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી