આઝાદી બાદ પહેલીવાર કોંગ્રેસે અમદાવાદમાં મહિલાને ટિકિટ આપી, ભાજપે હજુ સુધી આપી નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગીતા પટેલની ફાઈલ તસવીર - Divya Bhaskar
ગીતા પટેલની ફાઈલ તસવીર
  • કોંગ્રેસે પાટીદાર મહિલાને ઉમેદવાર બનાવતાં ભાજપે પણ હસમુખ પટેલને ઉતારવા પડ્યા
  • અમદાવાદમાંથી 28 વર્ષ પછી મહિલા ઉમેદવાર લોકસભાની ચૂંટણી લડશે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે અમદાવાદના 70 વર્ષના ઈતિહાસમાં પહેલી વખત જ એક મહિલાને ઉમેદવાર બનાવી છે. જો કે, ભાજપે હજુ સુધી એક પણ મહિલાને ક્યારેય ટિકિટ આપી નથી. કોંગ્રેસે અમદાવાદ પૂર્વની બેઠક પરથી પાસની કાર્યકર ગીતા પટેલને મેદાનમાં ઉતાર્યાં છે. ભૂતકાળમાં 1984માં મુક્તાબેન દવે અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા. જ્યારે જેડીમાં 1991માં શેખ આયેશા બેગમ ઉમેદવાર હતાં. આમ 28 વર્ષ પછી અમદાવાદમાંથી મહિલા લોકસભાની ચૂંટણી લડશે.

અમદાવાદ પૂર્વની બેઠક પાટીદાર પ્રભુત્વવાળી બેઠક છે. એટલે કોંગ્ર્સે પાટીદાર મહિલાને ટિકિટ આપી છે. જેથી ભાજપે પણ છેલ્લી ઘડીએ ગીતા પટેલની સામે પાટીદાર તરીકે અમરાઈવાડીના ધારાસભ્ય હસમુખ પટેલને ટિકિટ આપી હતી. તેઓ પાટીદાર હોવા ઉપરાંત બે વખત કોર્પોરેટર અને સતત બે ટર્મથી ધારાસભ્ય તરીકે રહી ચૂકયા હોવાથી તેમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું.

રાજ્યની 26 બેઠકોમાંથી આ એક જ બેઠક પર ભાજપે સૌથી છેલ્લે પોતાના ઉમેેદવાર જાહેર કર્યા હતા.આ બેઠક ઉપર ત્રણ ઉમેદવારોના નામ અગાઉથી ચર્ચામાં હતા જેમાં પૂર્વ મેયર અસિત વોરા, અભિનેતા મનોજ જોષી અને ઉમિયા ફાઉન્ડેશન સાથે સંકળાયેલા સી.કે.પટેલનુ નામ હતુ. ઉલ્લેખનીય છે કે, પૂર્વ બેઠકમાં વસ્ત્રાલ, રામોલ, નિકોલ, નરોડા, કોબા  સહિતના વિસ્તારોમાં પાટીદારોના મત વધુ છે. 

પશ્ચિમની બેઠક પર ભાજપે વર્તમાન સાંસદ ડો.કિરિટ સોલંકીને જ રિપીટ કર્યા છે. જયારે કોંગ્રેસે કેન્દ્રીય શિડયુલ આયોગમાં ચેરમેન તરીકે કાર્યરત રાજુ પરમારને મેદાનમાં ઉતાર્યા છે. જો કે, રાજુ પરમાર અગાઉ રાજ્યસભાના સાંસદ રહી ચૂકયા છે પરંતુ લોકસભા કે વિધાનસભાની એક પણ ચૂંટણી લડ્યા નથી. 

બે બેઠક પર કુલ 69 ફોર્મ ભરાયાં: આગામી 23મી એપ્રિલના રોજ યોજાનાર લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવાની અંતિમ તારીખ 4,એપ્રિલ હતી. જેમાં શહેરની પશ્ચિમ બેઠક માટે અંદાજે 27 ફોર્મ ભરાયા હતા અને કુલ 17 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.જ્યારે પૂર્વમાં 42 ફોર્મ અને 34 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીના પગલે 11 હજારથી વધુ વાહનોની ચકાસણી કરાઇ છે. ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મની ચકાસણી 5મી એપ્રિલે થશે. જ્યારે ફોર્મ પરત ખેંચવાની તારીખ 8મી એપ્રિલ છે. 23મી મેના રોજ પરિણામ જાહેર થશે.

આ કારણે આમની ટિકિટ કપાઈ

અસિત વોરા કાર્યકરોના વિરોધને લીધે કપાયા: કારણ: પૂર્વ બેઠક પર મોવડીમંડળે અસિત વોરાનું નામ સૂચવ્યું પણ કાર્યકરોએ ભારે વિરોધ કરતાં આખરે તેમના નામ પર પૂર્ણવિરામ મૂકવામાં આવ્યું હતું. 

મનોજ જોષીને પરેશ રાવલની કામગીરી નડી: કારણ: અભિનેતા પરેશ રાવલ મતક્ષેત્રમાં આવતા ન હોવાથી તેમના સ્થાને મનોજ જોષીનું કામ ચર્ચાતું હતું. પરંતુ તેઓ અભિનેતા હોવાથી નહીં દેખાય તે ડરે ટિકિટ ન મળી. 

સીકે પટેલને બહારના ઉમેદવારનું લેબલ નડ્યું: કારણ: સી.કે. પટેલ ઉમિયા ફાઉન્ડેશન સંભાળે છે. નામ ચર્ચામાં હતંુ પણ પાર્ટી કે સંગઠન સાથે સંકળાયેલા ન હોવાથી કાર્યકરો તેમને સ્વીકારશે નહીં તે ગણતરીએ ટિકિટ ન મળી.

મહિલાને.08 ટકા મત જ મળ્યા હતા: ભૂતકાળમાં બે વખત મહિલા ચૂંટણી લડી છે પણ તેમાં એક અપક્ષ ઉમેદવાર તરીકે મુકતાબેન દવેએ 1984માં ઉમેદવારી નોંધાવી હતી. જો કે, તેમને માત્ર 0.08 ટકા જ વોટ મળ્યા હતા. જ્યારે 1991માં શેખ આયેશા બેગમ જેડી પાર્ટી તરફથી ઉમેદવારી કરી હતી તેમને પણ કુલ મતના માત્ર 2.62 ટકા મત મળ્યા હતા. 

84 અને 91માં મહિલા લડી હતી

1984- મુકતાબેન દવે અપક્ષ 358

1991- શેખ આયેશા બેગમ (જેડી) 10331