તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વના 1600 પર્યટક ભારતમાં માત્ર ચૂંટણી જોવા આવ્યા, જેમાં ડૉક્ટર, વકીલ, રિસર્ચર, સ્ટુડન્ટ, પત્રકાર પણ સામેલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગુજરાતની ટુરિઝમ કંપની વિદેશી પર્યટકોને લોકસભા ચૂંટણીનું પર્યટન કરાવી રહી છે
  • સૌથી વધુ પર્યટકો મોદી અને રાહુલની રેલીમાં સામેલ થવા ઇચ્છે છે 

અમદાવાદ: સૌથી મોટી લોકશાહીમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણીને જોવા-સમજવાની ઉત્સુકતા દુનિયાના લોકોમાં વધી ગઇ છે. દુનિયાભરના પર્યટક આ ચૂંટણી નિહાળવા આવી ગયા છે કે આવવાના છે. તેઓ રેલીઓ, શેરી સભાઓ, રોડ શો અને ગામડાંમાં ફરીને ચૂંટણીનો માહોલ જોઇ રહ્યા છે. તમામ પર્યટકો એક અઠવાડિયાથી માંડીને બે મહિના સુધી ભારતમાં રોકાવાનું નક્કી કરીને આવ્યા છે.

પર્યટકોમાં સ્ટુડન્ટ, પત્રકાર, રિસર્ચર, સામાજિક કાર્યકર, ઇતિહાસપ્રેમી, ડૉક્ટર, કલાકાર, વકીલ વગેરે સામેલ છે. તેઓ ચીન, નેપાળ, અમેરિકા, યુએઇ, ઓસ્ટ્રેલિયા, યુક્રેન, જાપાન, જર્મની વગેરે દેશોના છે. આ પર્યટકો માટે ગુજરાતની એક કંપની ઇલેક્શન ટુરિઝમ પેકેજ પૂરું પાડી રહી છે. તેમને જુદાં-જુદાં રાજ્યો, શહેરો અને ગામોમાં લઇ જઇ રહી છે.

કંપનીના સંસ્થાપક અને ગુજરાત ટુરિઝમ સોસાયટી કોર્પોરેશનના ચેરમેન મનીષ શર્મા જણાવે છે કે અત્યાર સુધીમાં 1600 વિદેશી પર્યટકોએ બુકિંગ કરાવ્યું છે. 3500થી વધુ લોકોએ પૂછપરછ કરી છે. કંપનીએ આ વખતે 10 હજાર વિદેશી પર્યટકોને ચૂંટણીમાં ફેરવવાનું લક્ષ્ય રાખ્યું છે.

સૌથી વધુ પર્યટકો હોટ સીટો અને મોટા નેતાઓની રેલીઓ તથા રોડ શો જોવા ઇચ્છે છે. મોટા ભાગના પર્યટકો વડાપ્રધાન મોદી અને કોંગ્રેસપ્રમુખ રાહુલ ગાંધીની રેલીઓમાં સામેલ થવા અને બનારસ-અમેઠીમાં ફરવા ઇચ્છે છે. કંપની સાંજે નેતાઓ અને ઉમેદવારો સાથે પર્યટકોની મુલાકાત પણ કરાવે છે. 

મેક્સિકોના પોલ ટૂરિઝમ પરથી આઇડિયા આવ્યો, 2014ની ચૂંટણીમાં 5200 પર્યટક આવ્યા હતા: ટૂરિઝમ કંપનીના સંસ્થાપક મનીષ શર્મા જણાવે છે કે પહેલી વાર તેમણે 2012ની ગુજરાત વિધાનસભા ચૂંટણી દરમિયાન ઇલેક્શન ટૂરિઝમ શરૂ કર્યું. 2014ની લોકસભા ચૂંટણીમાં પણ ઇલેક્શન ટૂરિઝમ હેઠળ 5200 ટૂરિસ્ટ દુનિયાભરમાંથી ચૂંટણી જોવા આવ્યા હતા. હું 2005માં મેક્સિકોમાં પોલ ટૂરિઝમ જોઇને ખૂબ પ્રભાવિત થયો હતો. પછી તેનો આઇડિયા મેં લંડનમાં યોજાયેલા વર્લ્ડ ટ્રાવેલ માર્કેટમાં આપ્યો, જેમાં 100થી વધુ ટૂર ઓપરેટર, એજન્ટ્સ સામેલ હતા.