નવો ટ્રેન્ડ / સૈનિક કરાવી રહ્યા છે સ્પર્મ ફ્રીઝ 3 વર્ષમાં 3 ગણા સુધીનો વધારો

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર
X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર

  • શહીદીના સમાચાર વચ્ચે વાંચો સૈનિકોમાં વધી રહેલા નવા ટ્રેન્ડનો રિપોર્ટ
  •  મિલિટરી હોસ્પિટલમાં જવાનો માટે ફ્રીઝિંગ સુવિધા મફત છે
  • દેશભરમાં ટ્રેન્ડ વધી રહ્યો છે, પ્રાઈવેટ ક્લિનિક પણ સુવિધા આપે છે

Divyabhaskar.com

Mar 11, 2019, 12:10 PM IST

નવલસિંહ રાઠોડ, અમદાવાદ,સુરેન્દ્ર સ્વામી, જયપુર, અજયકુમારસિંહ, પટના, પિલુરામ સાહુ, રાયપુરઃ આર્મીમાં સામેલ થવું એટલે પ્રથમ દિવસથી જ બલિદાન માટે તૈયાર થવું. સૈનિક આ વાત સારી રીતે સમજે છે. આથી હવે દેશભરમાં એક નવો ટ્રેન્ડ સામે આવી રહ્યો છે. જે દર્શાવે છે કે સ્પર્મ ફ્રીઝ કરાવવાની સંખ્યા સૈનિકોમાં વધી ગઈ છે. ભાસ્કરે આ વાતની તપાસ કરી તો જણાયું કે છેલ્લા ત્રણ વર્ષમાં જ આવા સૈનિકોની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે.

1. મિલિટરી હોસ્પિટલમાં સ્પર્મ ફ્રીઝ કરાવવા માટે સેન્ટર બનાવાયા છે

અમદાવાદના ડો. ભરત પરીખ કહે છે કે સંવેદનશીલ વિસ્તાર અને સરહદી સુરક્ષામાં વ્યસ્ત જવાનોની જિંદગીની અનિશ્ચિતતાને ધ્યાનમાં રાખીને તેઓ આવો નિર્ણય લે છે. તેમની પાસે આવનારા જવાન નીડર હોય છે. પણ જવાનની પત્નીઓ સ્પર્મ ફ્રીઝ કરવા તેમને તૈયાર કરે છે. જલંધરની ડો. રીટા ઢીંગરા કહે છે કે સરકાર તરફથી મિલિટરી હોસ્પિટલમાં સ્પર્મ ફ્રીઝ કરાવવા માટે સેન્ટર બનાવાયા છે.

તેમાં કોઈ જાતની ફી લેવાતી નથી. આથી પ્રાઈવેટ હોસ્પિટલમાં એકથી બે ટકા જવાનો જ સ્પર્મ ફ્રીઝ કરવા આવે છે. ડો. જણાવે છે કે સ્પર્મ ફ્રીઝ કરાવનાર સૈનિકોમાં મોટાભાગના સૈનિકો એવા હોય છે કે જેઓ અત્યંત દુર્ગમ વિસ્તારમાં ફરજ બજાવે છે.

તેમાંના કેટલાક એવા હોય છે કે નોકરીને કારણે રજા લઈ શકતા નથી. અમદાવાદના ડો. નીતિનલાલ કહે છે કે તેઓ તેમને ત્યાં સંવેદનશીલ વિસ્તારમાં ફરજ પર રહેલા સૈનિકોના સ્પર્મ મફતમાં ફ્રીઝ કરી આપે છે. બે વર્ષ પહેલા તેઓ પત્ની સાથે કારગિલ ગયા ત્યારે સૈનિકોને જોઈ તેમણે આ નિર્ણય લીધો હતો.

2. ગુજરાતઃ મોટા ભાગનાં સેન્ટરો પર વધુ સૈનિકો આવી રહ્યા છે

2013થી 2018 દરમિયાન ગુજરાતમાં સૈનિકો દ્વારા સ્પર્મ ફ્રીઝ કરાવવાના મામલામાં ત્રણ ગણો વધારો થયો છે. અમદાવાદની એક સ્પર્મ બેંકના ડો. હિંમાંશુ બાવીસી કહે છે કે 2013થી 2015ની અવધિમાં 25-30 સૈનિકોએ સ્પર્મ ફ્રીઝ કરાવ્યા હતા.

2016થી 2018માં આંકડો વધીને 130થી 140નો થઈ ગયો છે.  આ રીતે અક્ષર આઈવીએફ, રોજમેરી હોસ્પિટલમાં 2013થી 2015માં બે-ત્રણ સૈનિકોએ સ્પર્મ ફ્રીઝ કરાવ્યા હતા. 2016થી 2018માં આ સંખ્યા 25 પર પહોંચી. અમદાવાદની મનન હોસ્પિટલમાં પણ આ રીતે વધારો થયો છે. 

3. રાજસ્થાન:શેખાવટી ક્ષેત્રમાં સૈનિકો સૌથી આગળ
અહીં આર્મી નેવીમાં કામ કરનારા સૈનિકોમાં સ્પર્મ ફ્રીઝિંગનું ચલણ વધ્યું છે. શેખાવટી ક્ષેત્રના સૈનિકોમાં આ ટ્રેન્ડ વધ્યો છે. જયપુરના એક ફર્ટિલિટ સેન્ટરના સંચાલકે કહ્યું કે શેખાવટીના શિકર, ચુરુ, ઝુનઝુનુ જિલ્લામાં ત્રણ વર્ષ પહેલાં પાંચ-દસ સૈનિકો ફ્રીઝિંગ કરાવતા હતા ત્યાં હવે 30ને પાર કરી ગયો છે. કેટલાક સૈનિકો ગુજરાત, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં પણ ફ્રીઝિંગ કરાવે છે. 
4. બિહાર: ઉરી હુમલા પછી અહીં મફત સુવિધા
સૃજન વંધ્યત્વ કેન્દ્રમાં સ્પર્મ ફ્રીઝ કરાવનાર સૈનિકોની સંખ્યા લગભગ પાંચ છે. ઈન્ફર્ટિલિટી તજજ્ઞ ડો. હિમાંશુ રાય કહે છે કે સૈનિકો માટે સ્પર્મ બેકિંગ અને સલાહની સુવિધા મફત આપવાની વ્યવસ્થા છે. નોટિસ બોર્ડ પર તેની સૂચના અપાય છે. ઉરી હુમલા પછી અહીં સૈનિકોને મફત સુવિધા અપાવવાની શરૂ થઈ છે.
5. મહારાષ્ટ્ર: લોકો કરતાં સૈનિકોમાં ટ્રેન્ડ વધ્યો
સામાન્ય લોકોની સરખામણીએ સૈનિકોમાં સ્પર્મ ફ્રીઝનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. તજજ્ઞોનો દાવો છે કે સામાન્ય લોકો કરતાં સૈનિકોમાં આ ચલણ 35-40 ટકા વધ્યું છે. સામાન્ય લોકોમાં સ્પર્મ ફ્રીઝિંગ અંગે ખોટી જાણકારી છે. ઘણા પુરુષો સ્પર્મ કાઉન્ટ ઓછો આવવાના ડરથી પણ આ કરાવતા નથી. પત્ની જ્યાં રહેતી હોય તે ગામ કે શહેર નજીકની હોસ્પિટલમાં સૈનિકો ફ્રીઝિંગ કરાવે છે.
6. કિસ્સો: પત્નીના મૃત્યુ પછી સૈનિક અડગ

રાયપુરના એક આઈવીએફ સમક્ષ વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે. સેન્ટરમાં એક સૈનિકે તેના સ્પર્મ અને પત્નીના સ્ત્રીબીજને સુરક્ષિત મૂકાવ્યા હતા. બંને અલગ-અલગ રખાયા હતા. તેને સુરક્ષિત રાખવા એક વર્ષનો કોન્ટ્રાક્ટ કરાયો હતો. પણ બે વર્ષ સુધી તેઓ આવ્યા નહીં. સેન્ટરના સંચાલક તરફથી સંપર્ક કરાતો ત્યારે હંમેશા એવો જવાબ મળતો કે તે ટૂંકમાં જ તેનો ઉપયોગ કરશે.

બે વર્ષ સુરક્ષિત રખાયા બાદ સૈનિકે પત્નીને હોસ્પિટલમાં ગર્ભ ધારણ માટે દાખલ કરાવી પરંતુ તે સમયે તેને સ્વાઈન ફ્લુ થઈ ગયો. તેનું મૃત્યુ થઈ ગયું. તેનું સ્ત્રીબીજ સુરક્ષિત છે. હવે સૈનિક જે કરીર હ્યો છે તે પોતાની પત્નીના સ્ત્રીબીજનો ઉપયોગ કરીને બીજી પત્ની પર કરશે.

7. માઈનસ 196 ડિગ્રીમાં સ્પર્મને રાખવામાં આવે છે

અમદાવાદના ડો. ધર્મેશ કાપડિયા કહે છે કે પહેલા વ્યક્તિનો બ્લડ ટેસ્ટ કરાવાય છે. ત્યારપછી તેના સ્પર્મ કાઉન્ટનું વિશ્લેષણ કરાય છે. ત્યારપછી સ્પર્મ અને સોલ્યુશનનું એકસાથે મિશ્રણ કરાય છે. જેટલું સ્પર્મ એટલું જ સોલ્યુશન હોય છે. 10 મિનિટ સુધી તેના ત્રણ હિસ્સા કરી સુરક્ષિત રાખવામાં આવે છે. ત્રણ હિસ્સા એટલા માટે કે એક સેમ્પલ ફેલ જાય તો વિકલ્પ ઉપલબ્ધ રહે.

સેમ્પલ પર ડૉક્ટર અને સ્પર્મ ફ્રીઝ કરાવનાર વ્યક્તિનું વિવરણ હોય છે. આ સેમ્પલ લિક્વિડ નાઈટ્રોજનમાં ફ્રીઝ કરીને રખાય છે. તેનું તાપમાન માઈનસ 196 હોય છે. આ રીતે ફ્રીઝ કરાયેલા સ્પર્મને વર્ષો સુધી સુરક્ષિત રાખી શકાય છે.

COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી