પ્રાથમિક સ્કૂલનાં બાળકોને પણ કાઉન્સેલિંગની જરૂર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માતા-પિતાની અપેક્ષા વધતાં પરીક્ષાનો સ્ટ્રેસ હવે માત્ર બોર્ડના વિદ્યાર્થી સુધી નથી રહ્યો
  • મનોચિકિત્સક પાસે આવતાં કેસમાંથી 45 ટકા પ્રાથમિક સ્કૂલોમાં ભણતાં બાળકોના હોય છે
  • 90 ટકા કેસમાં બાળકોનું નહીં પરંતુ માતા-પિતાનું કાઉન્સેલિંગ કરવું પડતું હોવાનો દાવો

અનિરુદ્ધસિંહ પરમાર: પરીક્ષાનો સ્ટ્રેસ હવે બોર્ડના વિદ્યાર્થીઓ સુધી સીમિત નથી. પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં પણ આ સ્ટ્રેસ દૂર કરવા વાલીઓ મનોચિકિત્સકની મદદ લઇ રહ્યા છે. અત્યારે મનોચિકિત્સકો પાસે 45 ટકા કેસ પ્રાથમિક સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોના આવે છે. બાળકો પાસે માતા-પિતાની વધુ પડતી અપેક્ષા સ્ટ્રેસનું મુખ્ય કારણ છે. એક મનોચિકિત્સકના કહેવા મુજબ 90 ટકા કેસોમાં બાળકોનું નહીં વાલીઓનું કાઉન્સેલિંગ  થાય છે. 

બોર્ડની પરીક્ષા સમયે બાળકોમાં પરીક્ષાનો સ્ટ્રેસ ન વધે અને પરીક્ષાનો ડર દુર થાય તે માટે વાલી બાળકને મનોચિકિત્સક પાસે કાઉન્સેલિંગ માટે લઇ જાય છે. પરંતુ હવે પ્રાથમિક શાળાઓના બા‌ળકોને પણ પરીક્ષાનો ભય દુર કરવા મનોચિકિત્સક પાસે લઇ જવામાં આવી રહ્યાં છે. પરીક્ષાના સમય દરમિયાન મનોચિકિત્સક પાસે 45 ટકા કેસો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોના આવે છે.

પરંતુ કાઉન્સેલિંગ સેશનમાં બાળકો કરતા વાલીઓનું કાઉન્સેલિંગ વધારે કરવામાં આવે છે. કોમ્પિટિશનના સમયમાં દરેક વાલીઓ ઇચ્છે છે કે પોતાનું બાળક ધોરણમાં અવ્વલ રહે. પરંતુ વાલી પોતાના બાળકની ક્ષમતા માપી શકતા નથી. જેથી ક્ષમતા કરતા વધારાની અપેક્ષાને કારણે બાળક સ્ટ્રેસનો અનુભવ કરે છે. એક સમયે મોટા ધોરણના વિદ્યાર્થીઓને જ મનોચિકિત્સકોની સલાહ આપવામાં આવતી હતી.

પરંતુ હવે પ્રાથમિક સ્કૂલોના વિદ્યાર્થીઓમાં પણ સ્ટ્રેસનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે. મનો ચિકિત્સકોના મતે સમાજ માટે અને ખાસ કરીને પોતાના બાળકો પાસેથી વધારે અપેક્ષા રાખતા વાલીઓ માટે રેડ લાઇટ સમાન છે. શહેરની જાણીતી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સ્ટ્રેસમાંથી મુક્ત કરવા માટે કાઉન્સેલરની િનમણૂક કરવામાં આવી રહી છે. જેઓ બાળકોનું રેગ્યુલર નિરીક્ષણ કરે છે. 

દેખાદેખીને કારણે વાલીઓની અપેક્ષા વધી જાય છે: પ્રાથમિક કક્ષાએથી જ બાળકો પાસે વાલીઓ વધારે પડતી અપેક્ષા રાખે છે. સોસાયટી કે સોશિયલ મીડિયાના ગ્રૂપમાં કોઇ પોતાના બાળકની સિદ્ધિ શેર કરે તો બીજા પેરેન્ટ્સ પણ તે જ પ્રમાણે પોતાનું બાળક પણ સારો દેખાવ કરે તેવી અપેક્ષા રાખે છે. પરંતુ પોતાના બાળકોની ક્ષમતા જાણતા નથી. બીજા બાળકોની સરખામણીમાં પાછળ રહી જતું બાળક વાલીનો સપોર્ટ ન મળતા ભાંગી પડે છે.

બાળકોની પસંદગી સતત બદલાયા કરતી રહે છે: ધો.10 સુધી બાળકોને તેની રીતે જ ડેવલપ થવા દેવું જોઇએ. નાનપણમાં બાળકોની પસંદગી થોડા થોડા સમયે બદલાતી રહેશે. નાનપણમાં પાઇલોટ બનવાની ઇચ્છા વ્યક્ત કરનારા બાળકની પસંદગી બે વર્ષ પછી ફરી બદલાશે. વાલીઓએ બાળકોનું કરિયર નક્કી ન કરવું જોઇએ.

વાલીઓની અપેક્ષા બાળપણ છીનવી રહી છે:  સ્કૂલોમાં ઘણા પેરેન્ટ્સ આવે છે અને ફરિયાદ કરે છે કે મારા બાળકને ઘણી બાબતો નથી આ‌વડતી. કોઇ બાળક એક દિવસમાં જ શીખી જાય છે અને કોઇ બાળકને સમય લાગે છે. વાલીઓએ સમજવાની જરૂર છે. વાલીઓની અપેક્ષા બાળપણ છીનવી રહી છે. - અલકેશ પટેલ, સ્કૂલ સંચાલક

મોટા ભાગના કેસ ધો.3થી 4ના બાળકોના:  દરરોજ 45 ટકા કેસો બાળકોના આવે છે કે જેઓ પ્રાથમિક સ્કૂલોના ધો.3-4માં અભ્યાસ કરે છે. બદલાતો જતો સિનારીયો સમાજ માટે ભયજનક છે. માતા-પિતાની વધારે પડતી અપેક્ષા બાળકનું ભવિષ્ય બગાડી રહ્યું છે. અમારી પાસે આ‌વતા બાળકોના કેસોમાં 90 ટકા કેસોમાં બાળકનું નહીં પરંતુ પેરેન્ટ્સનું કાઉન્સેલિંગ કરવું પડે છે.  -પ્રશાંત ભીમાણી, કન્સલ્ટન્સ સિનિયર સાઇકોલોજીસ્ટ

અન્ય સમાચારો પણ છે...