તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાવતરાખોરોને જયંતીના પ્રવાસની રજેરજ માહિતી હતી, હત્યારા ગાંધીધામથી ટ્રેનમાં ઘૂસ્યા હતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જયંતી ભાનુશાળીએ ભૂજથી અમદાવાદની ઈ ટિકિટ અમદાવાદના એક એજન્ટ પાસે બુક કરાવી હતી.  કાવતરા મુજબ ભૂજ રેલવે સ્ટેશને જ તેમના પર વોચ ગોઠવાઈ ગઈ હોવાની આશંકા છે. - Divya Bhaskar
જયંતી ભાનુશાળીએ ભૂજથી અમદાવાદની ઈ ટિકિટ અમદાવાદના એક એજન્ટ પાસે બુક કરાવી હતી. કાવતરા મુજબ ભૂજ રેલવે સ્ટેશને જ તેમના પર વોચ ગોઠવાઈ ગઈ હોવાની આશંકા છે.
  • AC-2 કોચનો દરવાજો કોઈકે અંદરથી ખોલી માર્ગ મોકળો કર્યો
  • કોચમાં પ્રવેશ્યા પછી બંને હત્યારા ટોઈલેટમાં સંતાઈ ગયા હતા
  • બે પિસ્ટલથી આડેધડ ગોળીબાર પછી ચેઈન પુલિંગ કરી બંને ફરાર
અમદાવાદઃજયંતી ભાનુશાળીની હત્યા પૂર્વયોજિત કાવતરા મુજબ થઈ હોવાની પૂરેપૂરી શક્યતા છે. કાવતરાખોરો પાસે ભાનુશાળીના પ્રવાસની રજેરજની માહિતી હતી. કાવતરાખોર સારી રીતે જાણતા હતા કે ભાનુશાળી સાથે એસી-1 કોચમાં માત્ર એક સહપ્રવાસી છે. ભાનુશાળીની હિલચાલ પર નજર રાખી રહેલા કાવતરાખોરોએ ગાંધીધામ સ્ટેશને આવી પહોંચેલા સ્થાનિક ગુંડા કે ભાડૂતી હત્યારાને આ માહિતી પહોંચતી કરી હતી. બંને હત્યારાએ 7.65 એમએમની દેશી બનાવટની કારતૂસથી ફાયરિંગ કર્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ સામાન્યપણે પ્રોફેશનલ કિલર્સ આ પ્રકારના હથિયારનો ઉપયોગ કરતા નથી.સ્થાનિક ગુંડા જ આવા કારતૂસ વાપરતા હોય છે. પોલીસે હવે માત્ર શાર્પશૂટરને પકડવાના બાકી છે.

ચર્ચાસ્પદ બનેલાં હત્યા અંગત અદાવતમાં થઇ  હોવાની સાથે જાણભેદુ મારફતે ભાનુશાળીના પ્રવાસની જાણકારી કાવતરાખોરને પહોંચાડાઇ  હતી. હત્યારા સેકન્ડ એસીના દરવાજેથી ઘૂસ્યાં બાદ ટોઇલેટમાં સંતાઇ ગયા હતા.  બે પિસ્તોલથી અંધાધૂધ ગોળીબાર કરીને ચેઇન પુલિંગ કરીને ટ્રેન થોભાવીને હત્યારાઓ ફર્સ્ટ એસીનો દરવાજો ખોલીને નાસી છૂટયાં હતા. રેલવે લાઇનની સમાંતર રસ્તા પર પહોંચીને વાહન મારફતે નાસી છૂટયાં હતા. 

સીઆઇડી ક્રાઇમ સહિતની ત્રણ એજન્સીઓ દ્વારા કરાયેલા પ્રાથમિક કાવતરાંના પર્દાફાશ (પોલીસ થીયરી  મુજબ) ભૂજનો કાર્યક્રમ સંપન્ન કરીને જયંતી ભાનુશાળીએ અમદાવાદના એજન્ટ મારફતે સયાજીનગરી એક્સપ્રેસમાં ભૂજથી અમદાવાદ ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી. કાર મારફતે તેઓ સ્ટેશને પહોંચ્યા હતા. સયાજીનગરીના આરએચ-1 કોચમાં આવેલા જી કમ્પાર્ટમેન્ટમાં 19 નંબરની સીટ પર જઇને બેઠા હતા. ભૂજ પછી ગાંધીધામ રેલવે સ્ટેશન પરથી છેલ્લે પેસેન્જરો ચઢ્યા હતા. 

જેમાં ભાનુશાળીના કમ્પાર્ટમેન્ટમાં જ પ્રવાસ કરી રહેલા પવન મોરેનો પણ સમાવેશ થાય છે. ગાંધીધામ બાદ કોઇ મુસાફરો ટ્રેનમાં બેસવાના ના હોવાથી એસી કોચના તમામ દરવાજા  બંધ કરી દેવાયા હતા. તે સમયે ભાનુશાળીની હિલચાલ પર સતત વોચ રાખનાર વ્યક્તિએ એસી-2  કોચનો દરવાજો અંદરથી ખોલીને ગુંડાઓને પ્રવેશ કરાવ્યો હતો. ગાંધીધામથી ચઢેલાં પેસેન્જરોની ટિકિટ ચેક કરાવવાની કામગીરીમાં ટિકિટ ચેકર વ્યસ્ત હતા. તેનો લાભ લઇને ગુંડાઓ ટોયલેટમાં સંતાઇ ગયા હતા.  ટિકિટ ચેકર ટિકિટ ચકાસણી  કર્યા બાદ પોતાની કેબિનમાં જઇને બેઠા હતા. ટ્રેન સામખિયાળીથી સુરજબારી વચ્ચેથી પસાર થતી હતી ત્યારે ટોઇલેટમાં છૂપાયેલા હત્યારા જી કમ્પાર્ટમેન્ટ તરફ ધસી ગયા હતા. 

દરવાજાને ટકોરા મારવા જાય ત્યાં જ ભાનુશાળી સાથે  કમ્પાર્ટમેન્ટમાં મુસાફરી કરી રહેલા પવન મોરે ટોયલેટ ગયા હોવાથી દરવાજો ખૂલી ગયો હતો. સીટ પર સૂતેલાં ભાનુશાળી પર બે પિસ્તોલથી અંધાધૂધ ગોળીઓ છોડવામાં આવી હતી.  ટ્રેન થોભી જતાં જ ગુનેગારો કાવતરા મુજબ જનરલ ડબ્બાં તરફના ફર્સ્ટ એસીના દરવાજા તરફ દોટ મૂકી હતી. દરવાજો ખોલીને નીચે ઉતરી ગયા હતા. સામખિયાળીથી સુરજ બારી વચ્ચેના નવ કિ.મી. રેલવે લાઇનની સમાંતર રોડ છે.  

પોલીસે કોચમાંથી મળેલા કારતૂસ એફએસએલમાં મોકલી આપ્યા હતા. આ કારતૂસ 7.65 એમએમના છે. પોલીસનું તારણ છે કે આ પ્રકારના કારતૂસનો ઉપયોગ સ્થાનિક ગુંડા કરતા હોય છે.

ટ્રેન ઊભી રાખવા ગુનેગારોએ એસી-1ના જી-19 કમ્પાર્ટમેન્ટમાંથી જ ચેઇન પુલિંગ કર્યું હતું. નિયમ મુજબ ટિકિટ ચેકર તેમ જ એટેન્ડન્ટ ડબ્બામાં પહોંચી ગયા હતા. જો કે તેઓ પહોંચે તે પહેલાં જ આરોપીઓ દરવાજો ખોલીને ફરાર થઇ ગયા હતા. જનરલ ડબ્બા તરફનો દરવાજો ખુલ્લો હતો. ટિકિટ ચેકર અને એટેન્ડન્ટે પોલીસને તેમણે ફટાકડાં ફૂટયાં હોવાની સાથે ડબ્બામાંથી કોઇ દોડતાં ગયા હોવાનો અવાજ સાંભળ્યો હોવાનું જણાવ્યું છે. ટિકિટ ચેકર તેમજ એટેન્ડન્ટના નિવેદનના આધારે પોલીસે આરોપીઓના સ્કેચ તૈયાર કર્યા છે.

અંધારી આલમમાં પૂનાના ગેંગસ્ટર સુરજિત ભાઉના ગુજરાતની એક મહિલા સાથેના સંબંધ અને રૂપિયા 50 લાખની ઉઘરાણીના મુદ્દે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. એક વાત એવી પણ ચર્ચાય છે કે, આખાય પ્રકરણમાં જે મહિલા કેન્દ્રમાં છે તેની સાથે ભાઉંને પણ છેલ્લા ચારેક વર્ષથી સંબંધ છે. સુરતની એક યુવતી પણ આ પ્રકરણમાં પહેલેથી જ સામેલ હોવાનું કહેવાય છે ત્યારે પોલીસે બન્ને યુવતીના મોબાઈલ ડિટેઈલના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મધ્યસ્થી તરીકે ભાગ ભજવનાર મનુ દાદા નામના શખ્સની પણ તપાસ કરાશે.

ભાજપમાં અંદરોઅંદર ગણગણાટ છે પરંતુ જાહેરમાં આ મુદ્દે ચર્ચા કરવા તૈયાર નથી. ત્યાં સુધી કે આ મુદ્દે પ્રાદેશિક નેતાઓએ મ્હોં સીવી લીધાં છે. પોલીસ તપાસ ચાલુ છે, તેઓ કોઇ કોમેન્ટ કરવા માંગતા નથી તેવું રટણ કરે રાખ્યું હતું. જો કે ભાજપની બીજી હરોળના નેતાઓએ હત્યા પાછળ રાજકીય અથવા આર્થિક કારણોસર હત્યા થયાંની હકીકત ધીમા સ્વરે જણાવ્યું હતું. તો કેટલાંકે ભાનુશાળી અમદાવાદમાં ભલે રહેતાં હોય પણ તેઓ કચ્છના રાજકારણમાં સક્રિય હોવાથી તેઓ ભાનુશાળીને ઓળખતા હતા. પરંતુ તેમનાથી પરિચિત નહીં હોવાથી કશું જાણતા નહીં હોવાનો પણ સૂર વ્યક્ત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...