તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વાવાઝોડામાં મૃતકોના પરિવારને મોદી-રૂપાણીની 2-2 લાખની સહાયની જાહેરાત

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને પગલે મંગળવારે ઉત્તર, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કરાં સાથે કમોસમી વરસાદ અને વાવાઝોડાને કારણે 9 લોકોના મોત નીપજ્યાં હતા. બુધવારે ગુજરાતની મુલાકાતે આવતા પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં વરસાદ અને વાવાઝોડાથી મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વડાપ્રધાન રાહતફંડમાંથી 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી.

સર્વે બાદ નુકસાન માટે પણ સહાય ચૂકવવામાં આવશે
વડાપ્રધાન રાહત ફંડમાંથી 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ રાજ્ય સરકાર તરફથી 2 લાખ રૂપિયાની સહાય જાહેર કરી હતી. જેથી વાવાઝોડાના મૃતકોના પરિવારજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારની મળીને કુલ 4 લાખ રૂપિયાની સહાય મળશે. આ ઉપરાંત કમોસમી વરસાદ, કરાં પડવાને કારણે અને વાવાઝોડાને કારણે રાજ્યમાં કેરી અને અન્ય ખેતી પાકોને પણ વ્યાપક નુકસાન થયું છે. આ અંગે રૂપાણીએ કહ્યું કે કૃષિ પાકોમાં નુકસાન અંગે તાત્કાલિક સર્વે હાથ ધરવા વિભાગને કહેવાયું છે. સર્વે બાદ નુકસાન માટે પણ સહાય ચૂકવવામાં આવશે.
ડીસામાં કરા પડતા પાંચથી વધુ પ્રાથમિક શાળાના પતરા તૂટયા 
ડીસા સહિત તાલુકામાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સના પગલે મંગળવારે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા બાદ કરા સાથે વરસાદ પડ્યો હતો. પરિણામે ડીસા સહિત તાલુકાના વડાવળ, સોતમલા, ઓઢવા, લોરવાડા, કુપટ, માલગઢ, ગોગાઢાણી સહિત અનેક ગામના ખેડૂતોને બાજરી, મગફળી, શક્કર ટેટી, તરબૂચ સહિતના પાકોમાં 80 ટકા કરતા વધારે નુકશાન થતા તેઓને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો હતો. કુદરતના કહેર સામે ખેડૂતોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જોકે આ વખતે ભારે કરા પડતા ડીસા તાલુકાની પાંચથી વધુ પ્રાથમિક શાળાઓમાં પતરા તૂટતા નુકશાન પહોંચ્યું હતું.
ફરી એક વાર ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ
ડીસામાં મંગળવારે વહેલી સવારે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદી ઝાપટું પડ્યું હતું. ત્યારબાદ બપોરે અચાનક 20 કી.મીની ગતિએ ભારે પવન સાથે વાવાઝોડું ફૂંકાયુ હતું અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. જોકે વરસાદની સાથે કરા પડતા ડીસા સહિત તાલુકાના ખેડૂતો સહિત તમામના જીવ તાળવે ચોંટી ગયા હતા. જેમાં ડીસા સહિત વડાવળ, સોતમલા, ઓઢવા, લોરવાડા, કૂંપટ, માલગઢ, ગોગાઢાણી, ઢેઢાલ, ચંદાજી ગોળીયા, આસેડા સહિત પાંચથી વધુ પ્રાથમિક શાળાઓના પતરા તૂટ્યા હતા. આ ઉપરાંત અનેક ગામોમાં શક્કર ટેટી, તરબૂચ, બાજરી સહિત અનેક પાકોમાં કરોડો રૂપિયાનું નુકશાન પહોંચતા ફરી એક વાર ખેડૂતોને પડતા પર પાટુ જેવી સ્થિતિ સર્જાઇ છે. ઉપરાંત ડીસા સહિત અનેક કાચા મકાનોના પતરા તૂટયા હતા. જેને લઈ અનેક લોકોના જીવ પડીકે બંધાયા હતા. જોકે સરકાર દ્વારા આ મામલે સર્વે કરી ખેડૂતોને નુકશાનનું વળતર ચૂકવાય તેવી માંગ કરી રહ્યા છે.
પાકિસ્તાનમાં પણ વરસાદ અને આંધીથી તબાહી, 39નાં મોત
પાકિસ્તાનના પંજાબ, બલુચિસ્તાન અને ખૈબર પ્રાંતમાં તોફાન સાથે મુશળધાર વરસાદને કારણે 39 લોકોનાં મોત થયા છે જ્યારે 135 લોકોને ઇજા થઈ છે. 80થી વધુ ઘરોને નુકસાન થયું છે. દેશમાં પણ રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તામિલનાડુમાં વાતાવરણ પલટાયું છે. 24 કલાકમાં વરસાદ પડવાની આગાહી છે.

અન્ય સમાચારો પણ છે...