તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

48 કલાકમાં DySP એન પી પટેલની ધરપકડ કરવા અલ્ટિમેટમ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સોલા હાઈકોર્ટ પોલીસ બાદ ક્રાઇમ બ્રાન્ચે પણ ફરી નિવેદન નોંધ્યાં, પણ એન.પી. પટેલ સામે કોઈ કાર્યવાહી નહિ
  • આત્મહત્યા કરનારા દેવેન્દ્રસિંહના પરિવારના સભ્યો અને પડોશીઓના નિવેદન નોંધીને ક્રાઈમ બ્રાન્ચે સંતોષ માન્યો
અમદાવાદ: પીએસઆઈ દેવેન્દ્રસિંહ રાઠોડની આત્મહત્યાના કેસમાં તેમના પરિવારે શનિવારે ક્રાઇમ બ્રાન્ચને 48 કલાકમાં આરોપી એન. પી. પટેલની ધરપકડ કરો અથવા તેને ભાગેડુ જાહેર કરવાની ચીમકી આપતા કહ્યું છે કે, જો આમ નહિ થાય તે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે. બીજી તરફ સોલા હાઈકોર્ટ પોલીસે દેવેન્દ્રસિંહના પરિવારજનોનું નિવેદન લીધું હતું, ત્યાર બાદ શનિવારે ફરી ક્રાઇમ બ્રાન્ચના તપાસ અધિકારી એસીપી સી. એન. રાજપૂતે દેવેન્દ્રસિંહનાં માતાપિતા, પત્ની ડિમ્પલ, ભાઈ હેમેન્દ્રસિંહ અને તેની મંગેતર સુમન તથા 7 પડોશીનાં નિવેદન લીધાં હતાં. જોકે દેવેન્દ્રસિંહનું શારીરિક અને માનસિક શોષણ કરનારા કરાઈ એકેડેમીના ડીવાયએસપી એન.પી.પટેલને પકડવા ક્રાઈમ બ્રાંચ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી.

આ અંગે તપાસ અધિકારી એસીપી સી. એન. રાજપૂતને જ્યારે પૂછવામાં આવ્યું કે, એક વખત દેવેન્દ્રસિંહના પરિવારનાં સભ્યોના નિવેદન પોલીસે લીધાં તો ફરી વખત શા માટે નિવેદન લેવામાં આવી રહ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે, હવે ડીપ સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યાં છે. જ્યારે આ કેસમાં આરોપી ડીવાયએસપી એન. પી. પટેલનું સ્ટેટમેન્ટ લેવાયું કે નહીં અને તેમ જ  તેમને નોટિસ આપવામાં આવી છે કે કેમ તેવું પૂછતા એસીપી રાજપૂતે જણાવ્યું હતું કે, આવી કોઈ જ કાર્યવાહી થઈ નથી. જ્યારે એન.પી.પટેલની ધરપકડ ક્યારે કરશો, તેવું પૂછ્યું તો તેમણે આખી વાતને હસી કાઢી હતી.

એન. પી. પટેલ સામે ગુનો નોંધાયો તે વાતને 3 દિવસ થઈ ગયા હોવા છતાં ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી નથી. આમ કરીને ક્રાઇમ બ્રાંચ એન. પી. પટેલને ભાગવાનો તેમ જ કોર્ટમાંથી આગોતરા જામીન લેવા માટેનો પૂરતો સમય આપીને બચાવવાનો પ્રયાસ કરી રહી હોય સૂત્રોમાં ચર્ચાઈ રહ્યું છે.

દેવેન્દ્રસિંહ રાઠોડના મૃત્યુ બાદ સમગ્ર રાજપૂત સમાજમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે અને આરોપી સામે તરત પગલાં લેવાની માગ પ્રબળ બની  છે. આ તબક્કે તેમનો પરિવાર પોલીસ સામે મોટી અપેક્ષા રાખી બેઠો છે. જોકે ફરિયાદ નોંધાયાના ત્રીજા દિવસે પણ આરોપીના કોઈ સગડ ન મળતાં પરિવારમાં પોલીસની કામગીરી સામે શંકા ઊભી થઈ રહી છે.   

ક્રાઈમ બ્રાન્ચની પ્રતિષ્ઠા એવી છે કે, કોઈ પણ ગુનેગાર તેમની પહોંચની બહાર રહી શકતો નથી. આ કેસના આરોપી ડીવાયએસપી એન.પી. પટેલને શોધવામાં 6 દિવસ વીતી ગયા હોઈ ક્રાઈમ બ્રાન્ચની પ્રતિષ્ઠા પર પ્રશ્નાથ ચિહ્ન મુકાયું છે. 

અન્ય સમાચારો પણ છે...