અમદાવાદ : 20 ટકા જેવું માતબર કમિશન માગી પછી રેસ્ટોરાં સાથે દાદાગીરી કરતા સ્વિગીને સબક શીખવવા માટે હોટેલ રેસ્ટોરાં એસોસિએશન દ્વારા ગુરુવારેથી સ્વિગીને ફૂડ સપ્લાય કરવાનું બંધ કરી દીધું છે. આ એસોસિએશન સાથે સંકળાયેલા અમદાવાદના 1500 રેસ્ટોરાં ગુરુવારથી સપ્લાય બંધ કર્યો છે. ત્યારે આગામી દિવસોમાં રાજ્યના અન્ય શહેરોમાં આ આંદોલન કરાશે.
અમદાવાદ શહેરની રેસ્ટોરાં પાસે વધારે કમિશન માગી રહેલા સ્વીગી સાથે આ મુદ્દે વાતચીત કરવા ગયેલા હોટેલ-રેસ્ટોરાં એસોસિએશનના પ્રતિનિધિઓ સાથે થયેલા વર્તન બાદ ગુરુવારે 300થી વધારે હોટેલ રેસ્ટોરાં એસોસિએશનના સભ્યોની એક બેઠક યોજાઇ હતી.
બેઠકમાં નરેન્દ્ર સોમાણી, રોહિત ખન્ના સહિત અન્યોએ સમગ્ર હકીકતથી તમામ રેસ્ટોરાં માલિકોને વાકેફ કર્યા હતા. જેથી તમામે એક સાથે સહમતીથી નિર્ણય કર્યો હતો કે, સ્વીગીને હવે સપ્લાય બંધ કરવામાં આવશે. હાલમાં અમદાવાદમાં ઝોમેટો પાસે 60, સ્વિગિ પાસે 35 અને ઉબર પાસે 10 ટકા શેર છે
સામાન્ય રીતે ફૂડ બનાવવા પાછળ હોટેલ-રેસ્ટોરાંને 40 ટકા ખર્ચ થાય છે. તે બાદ સ્વિગી સહિતની એપ્લિકેશન તેમના પાસે 20 ટકા કમિશન માગે છે. જ્યારે ગ્રાહક પેમેન્ટ કાર્ડથી આપે ત્યારે 2 ટકા વેરો પણ તેઓ રેસ્ટોરાં માલિક પર નાખે છે. જીએસટી પણ રેસ્ટોરાં માલિકે ભરવાનો હોય છે. જ્યારે ફૂડ ડિલિવર ન થાય ત્યારે તે પાર્સલ પાછું આપી તેના 60 ટકા પૈસા કાપીને બાકીના ચૂકવે છે. સરળવાળે રેસ્ટોરાં માલિકને નુકસાન જાય છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.