ગ્રાઉન્ડ રિપોર્ટ / જેકી શ્રોફે 2009માં બગોદરામાં ફિલ્મ સિટીની જ્યાં જાહેરાત કરી ત્યાં અત્યારે ભેંસો ચરે છે

where jackie shroff announce bagodara film city in 2009 their now buffalo grazing
where jackie shroff announce bagodara film city in 2009 their now buffalo grazing

  • મુંબઈની જેમ અમદાવાદમાં ફિલ્મ સિટી બનાવવાનું જેકીએ દેખાડેલું સપનું દસ વર્ષે પણ અધુરૂં
  • જ્યાં ડ્રીમ હાઉસ માટે 4500 પ્લોટ પડવાના હતા તે જમીન આજે પણ અનેક વિવાદોથી ઘેરાયેલી
  • 500 કરોડના રોકાણની ગુલબાંગો વચ્ચે આજે ઓમ લેન્ડ રિયાલિટીના માલિકોનો અતોપતો પણ નથી

divyabhaskar.com

Apr 03, 2019, 11:00 PM IST

ટીકેન્દ્ર રાવલ, અમદાવાદઃ અમદાવાદના બગોદરા નજીક નળસરોવર પાસે જૂના સરવે નં. 169 અને નવા સરવે નં. 37, 38, 39, 40, 41, 42, 43, 46, 47, 48, 55 અને 741 પર 2009ની સાલમાં બોલિવૂડ સ્ટાર જેકી શ્રોફે ફિલ્મસિટી બનાવવાની અને તેની સાથે ત્યાં રહેણાંકના પ્લોટ વેચાણ હેઠળ મૂકાયા હોવાની મોટી-મોટી જાહેરાતો આવી હતી. અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં જેકી શ્રોફના મોટા-મોટા પોસ્ટરો લાગ્યા હતા,

છાપામાં પહેલા પાને જાહેરાતો છપાઈ હતી. ન્યૂઝ ચેનલો અને રેડિયો સ્ટેશનો પર પણ આખો દિવસ આની જાહેરાતો આવ્યા કરતી હતી. લોકોને અમિતાભ બચ્ચન અને શાહરૂખ ખાનના પાડોશી બનવાની લોભામણી જાહેરાતો થકી આકર્ષીને પહેલા અમુક રકમ અને બાકીના સરળ હપ્તા કરી આપ્યા હતા. લોકોમાં એક જ વાત હતી કે આ ફિલ્મસિટીમાં એક વાર પ્લોટ ખરીદી લીધો એટલે સોનાની લગડી લીધી.

ભવિષ્યમાં આ રોકાણનું અનેકગણું વળતર નક્કી જ છે તેવી પણ આંબા-આંબલી દેખાડવામાં આવી હતી. પરંતુ આજે 10 વર્ષ પછી પણ આ પ્રોજેક્ટ અનેક ગુચ્ચમોને કારણે ઘાંચમાં પડેલો છે અને પ્લોટ પડવાની તેમજ ફિલ્મ સ્ટુડિયો બનવાની વાત તો ઘણી દૂરની છે પરંતુ વાસ્તવમાં ફિલ્મસિટીની સાઈટ પર ભેંસો ચરતી હોવાનું જાણવા મળ્યું છે.

ઓમ લેન્ડ રિયાલિટીનો 500 કરોડનો પ્રોજેક્ટ હતો, 4500 પ્લોટ પાડવાના હતા

જેકી શ્રોફને બ્રાન્ડ એમ્બેસેડર બનાવીને 2009માં ઓમ લેન્ડ રિયાલિટીએ રૂ. 500 કરોડના રોકાણની જાહેરાત કરી હતી. એટલું જ નહીં, આ પ્રોજેક્ટમાં નળસરોવર પાસે ફિલ્મ સિટી બનાવવા 18.75 એકર જમીન ખરીદી હતી, જેમાં 3.75 એકર જમીનમાં ત્રણ માળનો સ્ટુડિયો બનાવવાની તેમજ 4500થી વધુ ડ્રીમ હાઉસ પ્લોટ વેચાણ અર્થે મૂકવાની જાહેરાત કરાઈ હતી. આ પ્રોજેક્ટ માટે જેકી શ્રોફનો પ્રમોશનલ વીડિયો બનાવાયો હતો જેમાં તેમણે કહ્યું હતું કે, હવે ફિલ્મસ્ટાર્સ બનશે તમારા પાડોશી અને કોને ખબર કોઈ સુપરસ્ટાર તમારી બાજુમાં જ રહેવા આવે.

ગુજરાતીઓ ડ્રીમ હાઉસ બનાવવાની આ જાહેરાતોથી એટલા બધા અંજાઈ ગયા હતા કે પ્લોટ લેવા લાઈનો લાગી હતી. આ પ્રોજેક્ટમાં ક્લબ હાઉસ, પ્રાઈવેટ ગોલ્ફ કોર્સ, સ્વિમિંગપુલ, ક્રિકેટ ગ્રાઉન્ડ અને હેલ્થ ક્લબ જેવી સુવિધાઓની જાહેરાતો કરાઈ હતી. માત્ર 6 મહિનામાં ત્રણ માળનો સ્ટુડિયો તૈયાર કરવાની ખાતરી 2009માં જેકી શ્રોફે આપી હતી.

2012માં જેકીનો કોન્ટ્રાક્ટ પત્યો ને મૂળ પ્રમોટરો પણ પ્રોજેક્ટમાંથી ખસી ગયા

જેકી શ્રોફના નામે અમદાવાદ ફિલ્મ સિટીના પ્રોજેક્ટની ભવ્ય પબ્લિસિટી કર્યા બાદ જેટલું રળાયું તેટલું રળી લેવાયું હતું. પરંતુ 2012માં જેકીનો ત્રણ વર્ષનો બ્રાન્ડ એમ્બેસેડરનો કોન્ટ્રાક્ટ પૂરો થયો એટલે આ પ્રોજેક્ટ સાથે તેનું જોડાણ પણ પતી ગયું હતું. આમ છતાં હજી સુધી આ પ્રોજેક્ટ સાઈટ અને આસપાસના રોડ પર જેકીના મોટા-મોટા હોર્ડિંગ્સ લાગેલા છે.

બીજીતરફ ઓમ લેન્ડ રિયાલિટીના મૂળ માલિક અને અમદાવાદ ફિલ્મ સિટી પ્રોજેક્ટના સ્થાપક મિહિર પંડ્યા સહિતના માલિકો પણ પ્રોજેક્ટમાંથી ખસી ગયા હતા. ત્યારથી આ પ્રોજેક્ટનું ભવિષ્ય અદ્ધરતાલ થઈ ગયું હતું. કોણે જમીન વેચી અને કોણે જમીન ખરીદી તેનો કોઈ અતોપતો જ નથી.

જે જમીન પર પ્લોટ પાડવાના હતા તેનો વેચનારા પાસે કબજો જ નહોતો

બગોદરા નજીક નળસરોવર પાસે જૂના સરવે નં. 169 અને નવા સરવે નં. 37, 38, 39, 40, 41, 42, 43, 46, 47, 48, 55 અને 741 પર અમદાવાદ ફિલ્મસિટી બનાવવાની 2009માં ઓમ લેન્ડ રિયાલિટીએ જાહેરાત કરી હતી. પરંતુ આ જમીનના 7/12ના ઉતારા તથા અન્ય કાગળોની તપાસ કરતા માલૂમ પડ્યું હતું કે, આ સરવે નંબરના ખાતેદારો સરવે સમયે પોતાનો કબજો એટલે કે પઝેશન તે જમીન પર દર્શાવી શક્યા નહોતા.

દિવ્ય ભાસ્કર પાસે આ કાગળો અને ઉતારાની નકલો પણ છે. આનો મતલબ એ થયો કે જે જમીન પર પ્લોટ પાડીને ફિલ્મસિટી પ્રોજેક્ટ હેઠળ ડ્રીમ હાઉસ માટે વેચવાના હતા તેની પર વેચનાર કે ખરીદનારમાંથી કોઈનો પ્રત્યક્ષ કબજો જ નહોતો. આમ શરૂથી જ આ જમીન કોઈને કોઈ વિવાદ હેઠળની હતી.

2009થી આ જમીન કોઈ પણ ઉપયોગ કે ડેવલપમેન્ટ વિના જેમની તેમ

દિવ્ય ભાસ્કરની ટીમે અમદાવાદ ફિલ્મસિટીની પ્રોજેક્ટની સાઈટ પર જતીને ગ્રાઉન્ડ રિપોર્ટ કરતા આ જમીન પર ભેંસો ચરતી જોવા મળી હતી. એટલું જ નહીં, આ જમીનમાં માત્ર બે-ત્રણ બિલ્ડીંગ તૈયાર કરવામાં આવેલા છે જેને ભાડે આપવામાં આવે છે. જ્યારે બાકીની જગ્યા પર બાવળિયા ઊગી ગયા છે. આ જમીન 2009 બાદ કોઈ પણ ઉપયોગ કે ડેવલપમેન્ટ વિના પડી રહી છે.

આમ, ફિલ્મ સિટી પ્રોજેક્ટ દસ વર્ષથી અટકીને પડ્યો છે. પ્લોટના કોઈ ઠેકાણા નથી અને આ બિલ્ડીંગોની આજુબાજુ ખેતરો કે બિનઉપજાઉ જગ્યા જોવા મળે છે. જ્યાં ત્રણ માળનો સ્ટુડિયો બનાવવાની વાત હતી ત્યાં અત્યારે માત્ર શેડ બનાવેલો છે જ્યાં ક્યારેક કોઈ ગુજરાતી ફિલ્મના સેટ લાગે છે.

"હું તો 2014માં આ પ્રોજેક્ટમાંથી નિકળી ગયો છું, હાલ કોણ છે તેની ખબર નથી"

આ અંગે અમદાવાદ ફિલ્મ સિટી પ્રોજેક્ટના સ્થાપક અને ઓમ લેન્ડ રિયાલિટીના માલિક મિહિર પંડ્યા સાથે દિવ્ય ભાસ્કરે વાત કરી હતી. તેમણે સ્પષ્ટ જણાવી દીધું હતું કે,"હું તો 2014થી જ આ પ્રોજેક્ટમાંથી નીકળી ગયો છું તેથી મને આ પ્રોજેક્ટની કોઈ વધુ માહિતી નથી.

2009માં આ પ્રોજેક્ટ શરૂ કરાયો ત્યારે આ પ્રોજેક્ટના બ્રાન્ડ એમ્બેસેડર જેકી શ્રોફ હતા અને જેકી શ્રોફની ઈચ્છા હતી કે ગુજરાતમાં પણ મુંબઈ જેવું આધુનિક ફિલ્મસિટી બને. જે-તે સમયે ફિલ્મ સિટીના ઉદઘાટન માટે ફિલ્મસ્ટારોની સેલિબ્રિટી ક્રિકેટ લીગનું આયોજન કરવાની પણ વિચારણા હતી પરંતુ તે ન થઈ શક્યું.

X
where jackie shroff announce bagodara film city in 2009 their now buffalo grazing
where jackie shroff announce bagodara film city in 2009 their now buffalo grazing

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી