તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આગામી 3 દિવસ ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગની આગાહી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં વાદળછાયા વાતાવરણથી કેરીના પાકને નુકસાન થઈ શકે
  • અમદાવાદ સહિત અન્ય શહેરોમાં ધૂળ સામ્રાજ્ય, વાહનચાલકો અટવાયા

અમદાવાદ: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને રાજસ્થાનમાં સર્જાયેલાં અપરએર સાઈક્લોનિક સરક્યુલેશનથી રાજ્યમાં ધુળિયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો વડોદરા સિવાય રાજ્યનાં તમામ શહેરોમાં 40.0 ડિગ્રીથી નીચે નોંધાતા ગરમીમાં ઘટાડો થયો હતો. આગામી બે દિવસ વાદળિયા વાતાવરણ વચ્ચે રાજ્યમાં જોરદાર પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં પડવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. વાદળછાયા વાતાવરણથી ગીર સોમનાથ, વલસાડ અને જૂનાગઢની કેસર કેરીને ભારે નુકસાન થશે.

આગામી 3 દિવસ માવઠાની આગાહી: હાલ રાજ્યમાં વાદળછાયા વાતાવરણ છે. જેથી ગરમીનો મોટો ઘટાડો થયો છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માવઠાની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

શનિવારથી ફરીથી ગરમીનું પ્રમાણ વધશે: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અપર એર સાયકોલનિક સરક્યુલેશનથી આગામી 24 કલાક દરમિયાન અમદાવાદમાં વાદળિયા વાતાવરણ વચ્ચે બપોર પછી 30થી 50 કિલોમીટરની ઝડપે પવન અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. હવામાન નિષ્ણાત અંકિત પટેલ જણાવે છે કે, મંગળવારે અમદાવાદ અને આસપાસનાં વિસ્તારમાં વાદળિયા વાતાવરણ સાથે વાતાવરણમાં ઠંડક વધશે. બપોર પછી 30થી 50 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવા સાથે વરસાદી ઝાપટા પડી શકે છે. ત્યારબાદ બે દિવસ ગરમીથી થોડી ઘણી રાહત મળવાના સંકેત છે. શનિવારથી ફરીથી અમદાવાદ સહિત રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધશે.

રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં: મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં એકાએક વાતાવરણ પલટાતા તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જેથી કાળઝાળ ગરમીનો સામનો કરતા લોકોએ આંશિક રાહત મેળવી હતી. રાજ્યમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે દક્ષિણ ગુજરાતના ચીખલી, સાપુતારા, નવસારી, વાંસદા, વાપી, વ્યારા તેમજ મધ્ય ગુજરાતમાં સાગબારા, છોટા ઉદેપુર, દાહોદ અને સેલવાસમાંમાં હળવા ઝાપટાં પડયાં હતાં.

ધુળની ડમરીઓ ઉડી: ગઈકાલે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જેથી સાંજના સમયે ભારે પવન ફૂંકાયો હતો. રોડ પર ધુળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લામાં સવારથી ધૂળિયું વાતાવરણ થતા લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું. શહેરમાં કેટલાક સ્થળોએ ડમરીને કારણે વિઝિબિલિટીમાં થોડો ઘટાડો પણ જોવા મળ્યો હતો.