અમદાવાદ: શહેરમાંથી પસાર થતી સાબરમતી નદી ફરી એકવાર સ્યૂસાઇડ પોઇન્ટ બની હોવા તેવા આંકડા સામે આવ્યા છે. વર્ષ 2019ના પહેલા ત્રણ મહિનામાં ફાયર બ્રિગેડને સાબરમતી નદીમાં લાશ અને ઝંપલાવ્યાના 42 કોલ મળ્યા છે. જેમાં કુલ 34 લોકો મોતને ભેટ્યા છે. જ્યારે ફાયર બ્રિગેડની રેસ્ક્યૂ ટીમે કુલ 8 લોકોને નદીમાંથી બચાવ્યા છે.
સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યાના કિસ્સા વધતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા તમામ બ્રિજ પર ઉંચાઇવાળી લોખંડની જાળી લગાવી દેવાઇ છે. જેના કારણે ગત વર્ષોની તુલનામાં ચાલુ વર્ષે બ્રિજ પરથી નદીમાં પડવાના કિસ્સાઓમાં ભારે ઘટાડો થયો હતો. પરંતુ ગત માર્ચ મહિનામાં સાબરમતી નદીમાંથી લાશ મળવાની સંખ્યામાં વધારો થયો છે. જાળીઓ લગાવ્યા બાદ હવે લોકો વોક વે પરથી પડતું મૂકી આત્મહત્યા કરે છે. ત્રણ મહિનામાં ફાયરે બચાવેલા 8 લોકો માંથી મોટા ભાગનાએ વોક વે પરથી પડતું મૂક્યું હતું. જો કે, કેટલાક કિસ્સામાં આત્મહત્યા કરનાર લોકો જાળી પર ચડીને પણ નદીમાં ઝંપલાવી દે છે.
2019માં ફાયર બ્રિગેડને મળેલા કોલ મુજબ જાન્યુઆરી મહિનામાં 7 પુરુષ અને 1 મહિલા મળી 8 લાશ મળી હતી. ફેબ્રુઆરી મહિનામાં 5 પુરુષ 1 મહિલા મળી 6 લાશ મળી હતી. જ્યારે 2 પુરૂષ અને 1 મહિલાને બચાવ્યા હતા. માર્ચ મહિનામાં 16 પુરુષ અને 4 મહિલાઓ મળી 20 લાશ મળી છે. જ્યારે 2 પુરુષ અને 3 મહિલા મળી પાંચ લોકોને બચાવ્યા છે. આમ માર્ચ મહિનામાં સૌથી વધુ લોકોએ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી છે.
ફાયરબ્રિગેડ રેસ્ક્યૂ ટીમના ભરત મંગેલાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રિવરફ્રન્ટ પર લોકોની અવરજવર હોય જ છે, પરંતુ ઉનાળામાં ગરમીના કારણે બપોરે રિવરફ્રન્ટ પર કોઈ ન હોવાથી એકલતાનો લાભ લઈ લોકો નદીમાં ઝંપલાવી દે છે અને ફાયરને તાત્કાલિક જાણ થતી નથી. જેના કારણે લોકોને ઝડપથી બચાવી શકાતા નથી. બાદમાં લાશ તરીને ઉપર આવતા જાણ થાય છે.
નદીમાં પડી આત્મહત્યા કરી કરવાના કિસ્સામાં વધારો થતાં ફાયરબ્રિગેડની રેસ્ક્યૂ બોટ ખડેપગે હોવાથી અકસ્માતના કિસ્સામાં તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી કરી શકાય છે. રેસ્ક્યૂ બોટે માત્ર માણસોના નહીં પરંતુ પ્રાણીઓના પણ જીવ બચાવ્યા છે. ફાયરની ટીમે કબૂતર, સમડીઓ, કુતરાઓ નદીમાં આકસ્મિક પડી જતા તેમને પણ જીવતા બચાવી લીધા છે. થોડા દિવસ પહેલા એક વાંદરો નદીમાં પિલ્લર પર ફસાઈ ગયો હતો. ડરના કારણે બોટમાં વાંદરો બેસતો નહોતો જેથી ફાયરની રેસ્ક્યૂ ટીમે જાતે બે પિલ્લર વચ્ચે એક દોરડું બાંધી બ્રિજ જેવું બનાવી બચાવી લીધો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.