તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દીકરીને કઈ સારવાર આપવી તે અંગે રાજકોટના ડૉક્ટર દંપતિ વચ્ચે ઝઘડો, મામલો હાઈકોર્ટમાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પત્ની ડૉ. મયુરીએ પતિ ડૉ. શૈલેષ મુંધવા સામે ખાધા ખોરાકીનો કેસ કર્યો હતો 
  • પરિવારના કોઈ સભ્ય સાથે બાળકીનો બોન મેરો મેચ ના થયો

અમદાવાદઃ લગ્ન જીવનમાં ઉભા થયેલા ખટરાગને કારણે એકબીજાથી છૂટુ પડવા માગતું ડૉક્ટર દંપતી ડૉ. મયુરી અને ડૉ. શૈલેષ મુંધવા હવે તેમની 4 વર્ષીય થેલેસેમિયાગ્રસ્ત દીકરી માટે કઈ ટ્રીટમેન્ટ વધુ સારી તેને લઈ ઝઘડી પડ્યું છે. બન્ને વચ્ચેનો આ વિવાદ એટલો તો વકર્યો કે તે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. આ દંપતિ વચ્ચે થેલેસેમિયા માટે અપાતી બોન મેરો ટ્રીટમેન્ટમાં ક્યા પ્રકારની ટ્રીટમેન્ટ આપવી તે મુખ્ય વિવાદનો મુદ્દો છે. 

 

તો બીજી તરફ દર્દીની હાલત જોતા સ્થિતિની ઈમર્જન્સીને ધ્યાનમાં રાખીને જસ્ટિસ સોનિયા ગોકાણીએ બે અન્ય નિષ્ણાંતો પાસેથી તાત્કાલિક અભિપ્રાય માગ્યો છે કે બાળક માટે ક્યા પ્રકારનું ટ્રાન્સપ્લાન્ટ યોગ્ય છે. બંને નિષ્ણાંતો સીલ બંધ કવરમાં કોર્ટ સમક્ષ મંગળવારે પોતાનો અભિપ્રાય રજૂ કરશે. 

 

 

1) માતા-પિતા વચ્ચેના ખટરાગને લઈ દીકરી ટ્રીટમેન્ટની રાહ જોઈ રહી છે

બાળકીની ટ્રીટમેન્ટ અંગે પત્નીના અભિપ્રાયને પતિએ રિસ્કી અને મોંઘો ઉપાય ગણાવીને નકારી દીધો છે જ્યારે પત્ની આ ટ્રીટમેન્ટ માટેનો ખર્ચો પતિ ઉઠાવે તેવું ઇચ્છી રહી છે. ઉલ્લેખનીય છે કે 2012માં શૈલેષ મુંધવા અને મયુરીના લગ્ન થયા હતા અને 2015માં દીકરી ન્યારાનો જન્મ થયો હતો. જોકે બાળકી જન્મથી જ વારસાગત બ્લડ ડિસઓર્ડરથી પીડિત છે. પતિ-પત્ની વચ્ચે વિવાદ થયા બાદ પત્નીએ ઘરેલુ હિંસાનો કેસ નોંધાવીને ખાધાખોરાકીની માંગણી કરી હતી. જેમાં કોર્ટે બાળકીના ઉછેર માટે રુ.20,000 ખાધાખોરાકી આપવાનો આદેશ કર્યો હતો.  

જો કે બાળકીની સ્થિતિ વધુ ગંભીર થવા લાગતા તેની માતાએ બેંગલુરુ ખાતે દીકરીની સારવાર કરાવવાનું વિચાર્યું. જેના માટે અંદાજીત રુ. 45 લાખનો ખર્ચ આવે છે. જેથી તેણે આ રુપિયા પોતાનો પતિ ચૂકવે તેવી માગણી સાથે રાજકોટ મેજિસ્ટ્રેટ કોર્ટમાં અપીલ કરી હતી. જેમાં કોર્ટે કાયદા મુજબ પતિને રુ.30 લાખ આપવા માટે આદેશ આપ્યો હતો. જોકે ડૉક્ટર પતિએ હાઈકોર્ટમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટના ચુકાદાને પડકારી જણાવ્યું કે, તેમની દીકરીની સારવાર માટે પત્નીએ જે ટ્રીટમેન્ટ લેવાનું નક્કી કર્યું છે તે ખૂબ જ જોખમી છે. કોર્ટ સમક્ષ જુદા જુદા અનેક રીસર્ચ પેપર રજૂ કરી તેણે કહ્યું કે પોતે જે ટ્રીટમેન્ટ સૂચવી રહ્યો છે તે વધારે સસ્તી હોવા સાથે 96 ટકા સક્સેસ રેશિયો ધરાવે છે. જ્યારે તેની પત્ની દ્વારા સૂચવાયેલી ટ્રીટમેન્ટ 65% જેટલો સક્સેસ રેશિયો ધરાવે છે.  

હાઈકોર્ટે આ મામલે નીચલી કોર્ટના ચુકાદાને રદ કરતા તાત્કાલીક ધોરણે બે નિષ્ણાંતો ડૉ. સંદીપ શાહ અને ડૉ. ચિરાગ શાહને અલગ અલગ કવરમાં પોતાના અભિપ્રાય આપવા અંગે જણાવ્યું છે. આ સાથે બાળકીના માતા-પિતા ડૉક્ટર કપલને પોતાની દીકરીના તમામ રિપોર્ટ આ નિષ્ણાંતોને આપવા તેમજ જરુર પડ્યે બાળકીને આ નિષ્ણાંતો પાસે લઈ જવા માટે પણ આદેશ આપ્યો છે. કેસની આગામી સુનાવણી મંગળવારે રાખવામાં આવી છે.