ભાનુશાળી હત્યા કેસ / ભાજપના એક સિનિયર નેતાએ છબીલ પટેલને અમેરિકાથી અમદાવાદ હાજર કરવાનો ખેલ પાડ્યો

DivyaBhaskar | Updated - Mar 14, 2019, 05:47 PM
X

  • રાષ્ટ્રીય સ્તરના નેતાએ છબીલનાં સગાં-પુત્ર સામે પગલાં લેવડાવી થર્ડ પાર્ટી ચેનલ દ્વારા સંપર્ક સાધ્યો
  • પુત્ર સિદ્ધાર્થની ધરપકડનાં ચોથા દિવસે જ પિતા છબીલ પટેલ શરણાગતિ સ્વીકારવા તૈયાર થઈ ગયા
     

ભુજ/ અમદાવાદ: ગુજરાત ભાજપના પૂર્વ ઉપાધ્યક્ષ જયંતી ભાનુશાળીની ગત 7મી જાન્યુઆરીની મધરાતે ચાલતી ટ્રેનમાં ગોળીને હત્યા કરાઈ હતી. આ મામલો 8મીની વહેલી સવારે બહાર આવ્યો હતો જેમાં છબીલ સહિત 5 આરોપી સામે ફરિયાદ થઈ હતી. હત્યાનો મુખ્ય કાવતરાખોર છબીલ પટેલ હત્યાના 66 દિવસ બાદ 14 માર્ચે સામેથી પોલીસને શરણે થયો છે. ઉલ્લેખનીય છે કે, છબીલનો પુત્ર સિદ્ધાર્થ ભાનુશાળી કેસમાં હજી શનિવારે પોલીસના શરણે થયો હતો. હવે ભાજપના જ જાણકાર સૂત્રોનું કહેવું છે કે, છબીલ પટેલને અમેરિકાથી અમદાવાદ લાવવામાં અને એસઆઈટી સમક્ષ હાજર કરાવવામાં ભાજપના જ મૂળ ગુજરાતના અને હાલ રાષ્ટ્રીય સ્તરના એક નેતાએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

મૂળ સૌરાષ્ટ્રના આ નેતાએ છેલ્લા દસેક દિવસમાં કમાન હાથમાં લીધી

ભાજપની રાષ્ટ્રીય નેતાગીરીના ઈશારે સિનિયર નેતાએ ખેલ પાડ્યો
1.ભાનુશાળી કેસમાં ભાજપની આંતરિક ખેંચતાણ સપાટી પર આવી હતી. શિસ્તબદ્ધ ગણાતા ભાજપની અંદરોઅંદરની લડાઈના કારણે ભાનુશાળી મર્ડર કેસમાં ખાસ્સી બદનામી થતાં પક્ષની સર્વોચ્ચ નેતાગીરીએ આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. આખરે ગુજરાત ભાજપના અત્યંત સિનિયર અને મુખ્યમંત્રી બનવા માટેના દાવેદારોમાંના એક ગણાતા નેતાને છબીલ પટેલને સમજાવીને હાજર કરાવવાની જવાબદારી સોંપાઈ હોવાનું પક્ષના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું. મૂળ સૌરાષ્ટ્રના આ નેતાએ જ છેલ્લા દસેક દિવસમાં કમાન હાથમાં લીધી હતી. 
અમેરિકામાં છબીલનો સંપર્ક કરીને હાજર થવા સમજાવ્યો
2.

ભાજપના સૂત્રોના કહેવા મુજબ, આ નેતાએ જ તબક્કાવાર પહેલા છબીલ પટેલના સગાં એટલે કે ભત્રીજા પિયૂષ પટેલ અને વેવાઈ રસિક પટેલ અને પછી તેમના પુત્ર સિદ્ધાર્થની ફરતે ગાળિયો કસવાથી માંડીને અમેરિકા જતા રહેલા છબીલ પટેલનો ત્રાહિત વ્યક્તિની ચેનલ દ્વારા સંપર્ક સાધ્યો હતો. છબીલ પટેલને પણ ભાનુશાળી કેસમાં હાજર તો થવું હતું પરંતુ પોતાના કે પરિવારના જીવને કોઈ જોખમ ન આવે તેવી તેમને ચિંતા હતી. આ મામલે ભાજપના સિનિયર નેતાએ તેમને ખાતરી આપતાં આખરે છબીલ પટેલ 14મીની સવારે પોલીસ સમક્ષ હાજર થયા હોવાનું મનાય છે.

એરપોર્ટ પર જ સીટના અધિકારીઓએ છબીલ પટેલની ધરપકડ કરી
3.

ભાજપના મોટા ગજાના નેતા અને પૂર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળીનું ચાલતી ટ્રેનમાં ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. હત્યાનું કાવતરું રચવાનો આરોપ પૂર્વ ધારાસભ્ય અને રાજકીય હરીફ છબીલ પટેલ પર લાગ્યો હતો. હત્યા બાદ તે ફરાર હતો. વિદેશથી જેવો અમદાવાદ એરપોર્ટ આવ્યો કે તરત જ તેને પોલીસે દબોચી લીધો હતો. ઉલ્લેખનીય છે કે 10-03-2019ના રોજ સિદ્ધાર્થની ધરપકડ થઈ હતી. ત્યારે પુત્રની ધરપકડના ચોથા દિવસે જ પિતા છબીલ પટેલ આજે પોલીસ સમક્ષ હાજર થયો છે.

સગાસંબંધીઓ પર વોચ, મિલ્કત ટાંચમાં લેવા તજવીજ થઈ હતી
4.જયંતી ભાનુશાળીની હત્યા બાદ વિદેશ ભાગી ગયેલો છબીલ પટેલ તેના સંબંધીઓ અને મિત્રોના સંપર્કમાં હોવાની પોલીસને જાણ હતી. તેથી તેનો પુત્ર સિધ્ધાર્થ પટેલની શોધખોળ ચાલતી હતી. તેવામાં ગોવાના ગેસ્ટ હાઉસમાં છુપાઈને રહેતો હતો તે સિધ્ધાર્થ પણ સામેથી પોલીસને શરણે થયો હતો. બીજીતરફ છબીલ પટેલ સંબંધીઓની ધરપકડ તથા તેની મિલકતો ટાંચમાં લેવાની પોલીસની તજવીજથી ગભરાઈને છબીલ ગમે ત્યારે પોલીસના શરણે થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. સાથે જ પોલીસે તમામ એરપોર્ટ પર લુક આઉટ નોટીસ પણ જાહેર કરી હતી.
ઝડપાયેલા અને પોલીસ પકડથી દુર રહેલા આરોપીના નામ
5.

ભાનુશાળી હત્યા કેસની ફરિયાદમાં આરોપીના નામ
1-છબીલ પટેલ, 2-સિધાર્થ પટેલ,3-મનીષા ગોસ્વામી,4-સુરજિત ભાઉ, 5-જયંતી ઠક્કર ઉર્ફે ડુમરા,6-પત્રકાર ઉમેશ પરમાર

અત્યાર સુધી પકડાયેલા આરોપીઓ

1-શશીકાંત કામ્બલે(શૂટર), 2-અશરફ શેખ(શૂટર), 3-વિશાલ કામ્બલે, 4-સિદ્ધાર્થ પટેલ(છબીલનો પુત્ર),5-રાહુલ પટેલ,6-નીતિન પટેલ

આ આરોપી પોલીસ પકડથી દુર

1-મનીષા ગોસ્વામી, 2-સુરજીત ભાઉ, 3-પત્રકાર ઉમેશ પરમાર

COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App