ગુજરાત લોકસભા ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસે પાટીદારોને વધુ ટિકિટ આપી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ભાજપના 6 પાટીદાર ઉમેદવાર સામે કોંગ્રેસના 8 ઉમેદવાર મેદાનમાં
  • 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે પાતલી બહુમતીથી સરકાર બનાવી હતી

અમદાવાદ: ગુજરાતમાં લોકસભાની 26 બેઠકો માટે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ ઉમેદવારોએ જાહેર કરી દીધા છે ત્યારે રાજ્યમાં સૌથી મોટો મતદાર વર્ગ એવા પાટીદાર સમાજને ટિકિટ આપવા માટે બંને પક્ષોએ લાંબી કશ્મકશ કરી હતી. અંતે આ ચૂંટણીમાં ભાજપે 6 અને કોંગ્રેસે 8 પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા છે. 2014ની લોકસભા ચૂંટણીમાં તમામ 26 બેઠક પર કબ્જો કરનાર ભાજપે તે સમયે 5 પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા હતા. જ્યારે કોંગ્રેસે માત્ર 4 ઉમેદવારોને ટિકિટ આપી હતી.
પાટીદારોનું ભાજપ વિરોધી મતદાન: ગુજરાતમાંથી 2014માં નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા બાદ તેમના અનુગામી તરીકે આનંદીબેન પટેલ અને વિજય રૂપાણીને શાસન સોંપીને ગયા હતા. ગુજરાતમાં પીએમ મોદીની ગેરહાજરીમાં 2015 બાદ થયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીથી માંડીને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને હારનો સામનો કરવો પડ્યો હતો. ખાસ કરીને 2017ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 23 વર્ષ બાદ સૌથી ઓછા ધારાસભ્યો સાથે પાતળી બહુમતીથી સરકાર બનાવવી પડી હતી. 2015 બાદ યોજાયેલી વિવિધ ચૂંટણીઓમાં ભાજપને સૌથી મોટો ફટકો પાટીદાર મતદારોનો પડ્યો હતો,. કેમકે આ સમયગાળા દરમિયાન પાટીદાર અનામત આંદોલનના કારણે ગુજરાતમાં ભાજપને બદનામી મળી હતી. અને જેના લીધે પાટીદારોએ ભાજપ વિરોધી મતદાન કર્યું હતું.
કોંગ્રેસનું પાટીદાર સમર્થન: 2015થી 2017 સુધીની વિવિધ ચૂંટણીઓમાં પાટીદારોના કારણે ભાજપને મોટો ફટકો પડ્યો હતો. છતા પણ લોકસભાની આ ચૂંટણીમાં  ભાજપે પાટીદાર મતદારો પર વધુ ધ્યાન ન આપ્યું હોવાનું ઉમેદવારોની પસંદગીથી જણાઈ રહ્યું છે. આ ચૂંટણીમાં ભાજપ કરતા કોંગ્રેસે વધુ પાટીદારોને ટિકિટ આપી છે. એટલું જ નહીં પાટીદારોના યુવા નેતા હાર્દિક પટેલને પણ કોંગ્રેસમાં સામેલ કરી દીધા છે.

2014માં કોંગ્રેસે 4 પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી હતી

પક્ષ વર્ષ બેઠક ઉમેદવાર
કોંગ્રેસ 2014 ગાંધીનગર કિરીટ પટેલ
    ખેડા દિનશા પટેલ
    અમરેલી વીરજી ઠુંમર
    મહેસાણા જીવાભાઇ પટેલ
ભાજપ 2014 પોરબંદર વિઠ્ઠલ રાદડિયા
    આણંદ દિલીપ પટેલ
    મહેસાણા જયશ્રીબેન પટેલ
    રાજકોટ મોહન કુંડારિયા
    અમરેલી નારણ કાછડીયા

2019 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે 33 ટકા પાટીદારોને ટિકિટ આપી

પક્ષ વર્ષ બેઠક ઉમેદવાર
કોંગ્રેસ 2019 પોરબંદર લલિત વસોયા
    રાજકોટ લલિત કગથરા
    વડોદરા પ્રશાંત પટેલ
    અમરેલી પરેશ ધાનાણી
    મહેસાણા એ.જે.પટેલ
    અમદાવાદ ઈસ્ટ ગીતા પટેલ
    સુરત અશોક અધેવાડા
    ભાવનગર મનહર પટેલ
ભાજપ 2019 પોરબંદર રમેશ ધડુક
    આણંદ મિતેષ પટેલ
    મહેસાણા શારદા પટેલ
    રાજકોટ મોહન કુંડારિયા
    અમરેલી નારણ કાછડિયા
    અમદાવાદ પૂર્વ હસમુખ પટેલ
અન્ય સમાચારો પણ છે...