ઈલેક્શન ટૂરિઝમ / વિદેશીઓ મોદી અને પ્રિયંકાની રેલીમાં આવવા મોં માગ્યા પૈસા આપવા તૈયાર

divyabhaskar.com | Updated - Mar 26, 2019, 02:18 PM
foreigners is ready to pay 40 thousnad to 1 lakh to become a part of lok sabha election

  • ગુજરાતના ટૂર ઓપરેટર્સે વિદેશીઓ માટે 40 હજારથી 1.50 લાખ સુધીના પેકેજ બનાવ્યા
  • 10 હજાર વિદેશીઓ આ ચૂંટણીને માણવા આવે તેવી અપેક્ષા, વારાણસી 'હોટ ફેવરિટ'


મયંક વ્યાસ, અમદાવાદઃ દેશ આખામાં ભાજપ-કોંગ્રેસ તથા અન્ય મુખ્ય પક્ષોના ઉમેદવારોની યાદીઓ બહાર પડવાની સાથે લોકસભા ચૂંટણીનો જવર ફેલાઈ રહ્યો છે. સ્થાનિક વેપાર-ધંધામાં તો ધીમે-ધીમે તેજી આવી જ રહી છે, પરંતુ સાથે-સાથે બીજો એક બિઝનેસ પણ આ વખતે પૂર્ણ સ્વરૂપમાં વિકસતો જોવા મળી રહ્યો છે, જે છે ઈલેક્શન ટૂરિઝમ. ભારતની લોકસભાની ચૂંટણી, તે પહેલાનો માહોલ, રેલીઓની રંગત, સભાઓની ધમાલ વગેરેનો ઉન્માદ વિદેશી પર્યટકોને કોઈ ગાલા ફેસ્ટિવલથી કમ નથી લાગતા. આ કારણથી જ ગુજરાતના ટૂર ઓપરેટર્સ હવે વિદેશી પર્યટકોને ખાસ ઈલેક્શન ટૂર પેકેજ ઓફર કરી રહ્યા છે જેઓ ખાસ ચૂંટણીના ચકડોળે મ્હાલવા થનગની રહ્યા છે.

વિદેશી મહેમાનોને રેલીમાં હાજરી, ઉમેદવાર સાથે મુલાકાતની સુવિધા
રાજ્યના 20થી વધુ ટૂર ઓપરેટર્સનો સમૂહ ધરાવતા ગુજરાત ટૂરિઝમ ડેવલપમેન્ટ સોસાયટી (જીટીડીએસ) તરફથી ડિઝાઈન કરાયેલા આ પેકેજીસમાં વિદેશના મહેમાનોને રાજકીય રેલીઓમાં હાજરી આપવાથી માંડીને ઉમેદવારો સાથે ખાસ મુલાકાત કરાવી આપવા, ખુલ્લી જીપમાં ચૂંટણી માહોલની રંગતને માણવા સહિતની સુવિધાઓ ઓફર કરાય છે. ભારતની ચૂંટણી હવે વિશ્વ આખાનું ધ્યાન દોરે છે અને તેના પરિણામો વિશ્વની દશા અને દિશા નક્કી કરવામાં મહત્ત્વની નિવડે છે એ બાબતનો આ મોટો પૂરાવો છે.

મોદીની રેલીના પેકેજની સૌથી વધુ ડિમાન્ડ, પ્રિયંકા બીજા ક્રમે
જીટીડીએસના ચેરમેન અને અક્ષર ટ્રાવેલ્સના સંચાલક મનીષ શર્માએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રેલીમાં હાજરી અને સભામાં સ્થાન માટેના પેકેજની ફોરેનર્સમાં સૌથી વધુ ડિમાન્ડ છે. એવું પણ નથી કે ફક્ત વિદેશના ગોરા પ્રવાસીઓમાં જ મોદી ફેવરિટ છે, સાઉથના પ્રવાસીઓ પણ વારાણસી અને ગુજરાતમાં મોદીની રેલી હોય તેવા ડેસ્ટિનેશન માટે પેકેજની સૌથી વધુ માગ કરી રહ્યા છે. ત્યારબાદ પ્રિયંકા વાડરાનો ક્રમ આવે છે. એકાએક રાજકારણમાં ઝંપલાવનારા પ્રિયંકાની રેલી અને તેમની સાથે વાતચીત કરવા માટે પણ પ્રવાસીઓ ઉત્સુક છે.

2014માં 1800, આ વખતે 10 હજાર વિદેશી પર્યટકો આવવાની ધારણા
ગત 2014ની લોકસભા ચૂંટણી વેળાએ 1800થી વધુ વિદેશી પર્યટકો ગુજરાત આવ્યા હતા, એમ જણાવી મનીષ શર્માએ આ અંગે ઉમેર્યું હતું કે, આ વખતની લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટાર પ્રચારક હોવાથી 10 હજાર કરતા વધુ વિદેશી પ્રવાસીઓ આવે તેવી અપેક્ષા છે. અત્યારથી જ બુકિંગનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વિદેશથી ખાસ ચૂંટણી માટે આવતા મહેમાનોમાં વિદ્યાર્થીઓ, સંશોધકો, મીડિયા કર્મી, રાજકીય વિશ્લેષકોનો સમાવેશ થાય છે.

છ દિવસથી માંડીને બે સપ્તાહના રૂ. 1.50 લાખ સુધીના ટૂર પેકેજ
ઈલેક્શન ટૂરિઝમ માટે છ દિવસથી માંડીને બે સપ્તાહ સુધીના પેકેજ ઓફર કરાય છે. આ પેકેજ મોટાભાગે એક્સ દિલ્હી અથવા અમદાવાદ હોય છે જેમાં રહેવા-જમવા, ચૂંટણીના સ્થળે અને રેલીઓમાં ખુલ્લી જીપમાં હાજરીની સુવિધા સામેલ હોય છે. આ પેકેજ રૂ. 40 હજારથી રૂ. 1.50 લાખ સુધીના હોય છે. મુખ્યત્વે ચાર પેકેજ ઓફર કરાય છે અને છેલ્લા દિવસોમાં કે વચ્ચે અનુકૂળતા મુજબ વિદેશી પર્યટકોને ગ્રામીણ વિસ્તારોમાં પણ લઈ જવાય છે જ્યાં તેઓને ભાતીગળ જીવનશૈલીને માણવાની તક સાંપડે છે.

યુએસ, યુએઈ, જાપાન અને યુરોપમાંથી મહત્તમ ઈલેક્શન ટૂરિસ્ટ આવશે
ભારતની લોકસભા ચૂંટણીમાં આગમન માટે સૌથી વધુ ઈન્ક્વાયરી આ વખતે યુએસ, યુએઈ અને ત્યારબાદ જાપાનમાંથી આવી છે. આમેય શિન્ઝો આબે ભારતના મહેમાન થયા બાદ જાપાનીઓમાં મોદીનો ક્રેઝ બહુ વધ્યો છે. જીટીડીએસ દ્વારા આઠ મહિના પહેલાંથી જ આ માટેની તૈયારીઓ શરૂ કરી દેવાઈ હતી અને ડબ્લ્યુટીએન, બર્લિન ટૂર ફેસ્ટિવલ, જાપાન ટૂરિઝમમાં પણ તેમણે આ ઈલેક્શન ટૂરિઝમને પ્રમોટ કરાયું છે.

નેતાઓના પીઆર ગ્રુપ પણ ફોરેનર્સને સાચવવામાં કસર રાખતા નથી
આ પ્રકારના ઈલેક્શન ટૂરિઝમમાં મોટા નેતાઓના પીઆર ગ્રુપનો પણ તેટલો જ મહત્ત્વનો ફાળો છે. બધા મોટા નેતાના પોતાના પીઆર ગ્રુપ હોય છે જે ચૂંટણી દરમિયાન તેમના પ્રચાર અને કોમ્યુનિકેશનનું કામ સંભાળતા હોય છે. જીટીડીએસ દ્વારા તેમની સાથે સંકલન કરીને ફોરેનર્સની બધી સગવડ સચવાય છે. વિદેશી પર્યટકોને ચૂંટણીની રેલીમાં ખુલ્લી જીપમાં લઈ જવાય છે અને રેલીમાં ઢોલ-નગારા-ત્રાસા વાગે, ગુલાલ ઉડે તેનો રોમાંચ તેઓ તાદૃશ અનુભવે છે. દુનિયામાં આવું ક્યાંય જોવા મળતું નથી કારણ કે ભારતમાં ચૂંટણી એક ઉત્સવ છે.

X
foreigners is ready to pay 40 thousnad to 1 lakh to become a part of lok sabha election
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App