રાજનીતિ / બે મંત્રી સહિત ભાજપના 16 અને કોંગ્રેસના 4 ધારાસભ્યની જીત સામે ઈલેક્શન પિટિશન પેન્ડિંગ

ડાબેથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સૌરભ પટેલની ફાઈલ તસવીર
ડાબેથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સૌરભ પટેલની ફાઈલ તસવીર

divyabhaskar.com

Apr 15, 2019, 05:57 PM IST

અમદાવાદઃ તાજેતરમાં હાઈકોર્ટે દ્વારકા વિધાનસભા ચૂંટણી રદ કરતા આ ચુકાદાને ધારાસભ્ય પબુભા માણેકે સુપ્રીમમાં પડકાર્યો છે. 2017માં થયેલી વિધાનસભા ચૂંટણીના પરિણામ મલે કોંગ્રેસ અને ભાજપ કોર્ટમાં લડી રહ્યા છે. હાલ દ્વારકા સિવાય બીજી 16 બેઠકો પર પણ કાયદાકીય લડાઈ ચાલી રહી છે, જેમાં ભાજપના 16 અને કોંગ્રેસના 4 ધારાસભ્યોના સભ્યપદ પર તલવાર લટકી રહી છે. 2018માં ગુજરાત હાઈકોર્ટમાં વિધાનસભા ચૂંટણીના મામલે 24 પિટિશનો થઈ હતી, જેમાંથી 17 ભાજપના જ્યારે ચાર કોંગ્રેસના ધારાસભ્યો સામે થઈ હતી. જ્યારે દ્વારકા બેઠકનો ચુકાદો આવ્યો અને બાકીની પિટિશનોને પરત લઈ લેવામાં આવી છે. પબુભા બાદ રૂપાણી સરકારના બે કેબિનેટ મંત્રી એવા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની ધોળકા બેઠક પર થયેલી જીતને પડકારતી અને સૌરભ પટેલને પિટિશન પર ચુકાદો ગમે ત્યારે આવી શકે છે.

327 મતે જીતે ભૂપેન્દ્રસિંહની જીત પર સુનાવણી
ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા બેઠક પરથી માંડ 327 મતોથી જીત્યા છે. તેમની જીતને કોંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે પડકારી છે. ગુજરાત હાઈકોર્ટે પણ આ કેસની સુનાવણી દરમિયાન મત ગણતરીમાં ચૂંટણી પંચના નિયમોનો ભંગ થયો હોવાનું નોંધી રાજસ્થાન કેડરના IAS વિનિતા બોહરા તેમજ ધોળકા બેઠકના રિટર્નિંગ ઓફિસર ધવલ જાની અને ચૂંટણીપંચ પાસે જવાબ માગ્યો છે. કોંગ્રેસના ઉમેદવારનો આક્ષેપ છે કે ધોળકા બેઠક પર પોસ્ટલ બેલેટથી આવેલા મતોની ગણતરીમાં ગેરરીતિ થઈ છે.

સૌરભ પટેલની જીત હાઈકોર્ટમાં પડકારાઈ છે
ઊર્જામંત્રી સૌરભ પટેલ બોટાદ બેઠકથી માંડ 906 મતોથી જીત્યા હતા. તેમની જીતને કોંગ્રેસના ઉમેદવાર ડીએમ પટેલે હાઈકોર્ટમાં પડકારી છે. અરજદારનો આક્ષેપ છે કે રિટર્નિંગ ઓફિસરે મત ગણતરીમાં ગેરરીતિ આચરી છે. આ પિટિશન હાલ પેન્ડિંગ છે અને એપ્રિલ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સુનાવણી પર આવે તેવી શક્યતા છે.

બોખિરિયાની જીતને મોઢવાડિયાએ પડકારી
ભાજપના ધારાસભ્ય બાબુ બોખિરિયાની પોરબંદર બેઠક પર થયેલી જીતને કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયાએ કોર્ટમાં પડકારી છે. બોખિરિયા આ ચૂંટણી 1855 મતથી જીત્યા હતા. મોઢવાડિયાએ ઈવીએમમાં પડેલા વોટની ગણતરી પર શંકા વ્યક્ત કરી વીવીપેટ સ્લીપની ગણતરી કરવા માગ કરી હતી. જોકે,ટેકનિકલ ગ્રાઉન્ડ પર તેમની પિટિશન પર સુનાવણી થઈ રહી નથી.

સિદ્ધાર્થ પટેલથી લઈ સંગીતા પાટીલની જીત સામે પિટિશન
સુરતની લિંબાયત બેઠક પરથી બીજી વાર ચૂંટાયેલા ભાજપના ઉમેદવાર સંગીતા પાટીલ અને વરાછા બેઠકના ધારાસભ્ય કિશોર કાનાણી સામે પણ હાઈકોર્ટમાં પિટિશન થઈ છે. પૂર્વ આઈપીએસ ઓફિસર અને હવે વકીલાતની પ્રેક્ટિસ કરી રહેલા રાહુલ શર્મા દ્વારા કોંગ્રેસના ઉમેદવારોએ 10 જેટલી પિટિશનો ફાઈલ કરી છે. કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે પણ ડભોઈ બેઠકના પરિણામને કોર્ટમાં પડકારતા ભાજપના શૈલેષ મહેતા સામે પિટિશન કરી છે. કોંગ્રેસમાંથી ભાજપમાં ગયેલા સીકે રાઉલજી સામે પણ કોંગ્રેસના ઉમેદવાર રાજેન્દ્ર પરમારે પિટિશન કરી છે.

કોંગ્રેસના 4 ધારાસભ્યોની જીત સામે પણ પિટિશન
કોંગ્રેસના દાણીલીમડા બેઠકના ધારાસભ્ય શૈલેશ પરમાર, ગાંધીનગર(ઉત્તર)ના ધારાસભ્ય સીજે ચાવડા, પાટણના કિરીટ પટેલ અને વાવ બેઠકના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સામે પણ કોર્ટમાં પિટિશનો થઈ છે. આ તમામ પિટિશન તેમની સામે અપક્ષ ચૂંટણી લડેલા ઉમેદવારોએ કરી છે.

ભાજપના ધારાસભ્યો સામે પેન્ડીંગ ઈલેક્શન પિટિશન

ભૂપેન્દ્રસિંહ ચુડાસમા ધોળકા
સૌરભ પટેલ બોટાદ
બાબુ બોખિરિયા પોરબંદર
સી.કે.રાઉલજી ગોધરા
કિશોર કાનાણી વરાછા રોડ
ગજેન્દ્રસિંહ પરમાર પ્રાંતીજ
કેશરીસિંહ સોલંકી માતર
કુબેરસિંહ ડિંડોર સંતરામપુર
વિરેન્દ્રસિંહ જાડેજા માંડવી(કચ્છ)
કેશુ નાકરાણી ગારિયાધાર
રાજેન્દ્રસિંહ ચાવડા હિંમતનગર
અરૂણસિંહ રાણા વાગરા
વિનુ ઝાલાવડીયા કામરેજ
રમણ પટેલ વિજાપુર
સંગીતા પાટીલ લીંબાયત
શૈલેષ મહેત્તા ડભોઈ

કોંગ્રેસના ધારાસભ્યો સામે પેન્ડિંગ પિટિશન

શૈલેષ પરમાર દાણીલીમડા
સી.જે.ચાવડા ગાંધીનગર(ઉત્તર)
કિરીટ પટેલ પાટણ
ગેનીબેન ઠાકોર વાવ
X
ડાબેથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સૌરભ પટેલની ફાઈલ તસવીરડાબેથી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને સૌરભ પટેલની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી