તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચૂંટણીને લીધે ઉતાવળે સેવા શરૂ કરી પણ 6.5 કિમીના રૂટમાં 3 સ્ટેશનના હજુ ઠેકાણાં નથી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વસ્ત્રાલ, રબારીકોલોની અને અમરાઈવાડી સ્ટેશને મોટાભાગનું કામ હજુ બાકી છે

ઓમકારસિંહ ઠાકુર, અમદાવાદ: લોકસભાની ચૂંટણી જાહેર થાય તે પહેલા શહેરીજનો માટે ઉતાવાળે સંપૂર્ણ કામગીરી પૂર્ણ થયા વગર મેટ્રો ટ્રેન શરૂ કરી દેવામાં આવી હતી. મેટ્રોના 6.5 કિલોમીટરના રૂટ પર કુલ 6 સ્ટેશનમાંથી વચ્ચેના 4 સ્ટેશનની કામગીરી પૂર્ણ થયા બાદ વસ્ત્રાલ ગામ અને એપરલ પાર્ક સ્ટેશન તૈયાર કરી મેટ્રોનું ઉદ્ઘાટન કરી દેવામાં આવ્યું હતું. જ્યારે વચ્ચેના ચારમાંથી એક નિરાંત ચોકડી સ્ટેશન મેટ્રો શરૂ થયાના દોઢ મહિના બાદ 14 એપ્રિલથી શરૂ કરાયું છે. જ્યારે બાકીના ત્રણ સ્ટેશન હજુ પણ શરૂ કરી શકાયા નથી.
PM મોદીએ 4 માર્ચે મેટ્રોને લીલી ઝંડી આપી મુસાફરી માણી: વડાપ્રધાનના હસ્તે 4 માર્ચે વસ્ત્રાલ ગામ ખાતે મેટ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ રૂટ પર વચ્ચે આવતા નિરાંત ચોકડી, વસ્ત્રાલ, રબારીકોલોની, અમરાઈવાડી સ્ટેશનની કામગીરી બાકી હોવાથી આ ચારેય સ્ટેશનો તે સમયે શરૂ કરી શકાયા ન હતા. એટલું જ નહીં વસ્ત્રાલ ગામ અને એપરલ પાર્ક સ્ટેશન શરૂ કરાયા પરંતુ ત્યાં પણ હજુ સુધી એસ્કેલેટર, પ્લેટફોર્મ સ્ક્રીન ડોર, ટિકિટ વેન્ડિંગ મશીન, લગેજ સ્કેનિંગ મશીન જેવી સુવિધા ઉપલબ્ધ કરી શકાઈ નથી. તમામ સ્ટેશન મેટ્રોના ઉદઘાટન વખતે જ તૈયાર થઈ જવાના હતા. સ્ટેશન તૈયાર કરવા માટે બે વખત મુદત વધારવામાં આવી હોવા છતાં હજુ મોટાભાગની કામગીરી બાકી પડી છે.
હજુ કમિશનર ઓફ રેલવે સેફ્ટીનું પ્રમાણપત્ર બાકી:  બે દિવસ પહેલા નિરાંત ચોકડી સ્ટેશન શરૂ કરાયું છે. અમરાઈવાડી સ્ટેશનની કામગીરી અંતિમ તબક્કામાં હોવાથી એપ્રિલના અંત સુધીમાં શરૂ કરી દેવાશે. વસ્ત્રાલ અને રબારીકોલોની સ્ટેશન પર વધુ કામગીરી બાકી હોવાથી તે મે અંત સુધીમાં પૂર્ણ થાય તેવી શક્યતા છે. આ કામગીરી પૂર્ણ થતા કમિશનર ઓફ રેલવે સેફ્ટીનું પ્રમાણપત્ર મળ્યા બાદ જૂનમાં આ બન્ને સ્ટેશન શરૂ કરાય તેવી શક્યતા છે.
મેટ્રોમાં ફ્રી મુસાફરી બંધ થતાં પેસેન્જરની સંખ્યા ઘટી: શહેરમાં 6 માર્ચે મેટ્રો ટ્રેન શરૂ થયા બાદ 14 એપ્રિલ સુધીમાં 127924 પેસેન્જરોએ મુસાફરીનો લાભ લીધો છે. મેટ્રો શરૂ થયા બાદ 9 દિવસ સુધી શહેરીજનોને ફ્રી મુસાફરી હોવાથી 75917 લોકોએ લાભ લીધો હતો. જ્યારે 15 માર્ચથી 10 રૂપિયા ભાડું શરૂ થતાં 31 દિવસમાં 52007 લોકોએ મુસાફરી કરી છે. શનિવાર અને રવિવારે મેટ્રોમાં મુસાફરી કરનારાઓની સંખ્યા સૌથી વધુ છે.
ભાડુ લેવાતા 2245 મુસાફરો જ ટ્રેન સવારી કરી: ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના અધિકારીએ જણાવ્યું કે, 4 માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉદઘાટન કર્યા પછી શરૂઆતના 9 દિવસ સુધી દરરોજ સરેરાશ 8441 લોકોએ મુસાફરી કરી હતી. ત્યારબાદ 15 માર્ચથી મેટ્રોમાં 10 રૂપિયા ભાડાની શરૂઆત કરાતા 31 માર્ચ સુધી 17 દિવસ દરમિયાન સરેરાશ 2245 લોકોએ મુસાફરી કરી હતી. જો કે એપ્રિલ દરમિયાન આ સંખ્યામાં સતત ઘટાડો નોંધાયો છે. 1થી 14 એપ્રિલ સુધી 13838 લોકોએ મુસાફરી કરી છે એટલે કે સરેરાશ 988 લોકોએ મુસાફરી કરી છે. દર શનિ-રવિવારે મેટ્રોમાં મુસાફરોની સંખ્યા વધુ જોવા મળી છે.
અન્ય સમાચારો પણ છે...