દાદાગીરી / પાટણમાં જે જમીન માટે બિલ્ડરે વાઈબ્રન્ટમાં એમઓયુ કર્યા તેની પર નગરપાલિકાનું ધરાર દબાણ, ભાજપના કે.સી. પટેલની શંકાસ્પદ ભૂમિકા

BJP leader KC patel encroachment in private land near patan palika
X
BJP leader KC patel encroachment in private land near patan palika

  • હાંસાપુરમાં સર્વે નં. 343ની જમીન ખાનગી માલિકી હોવાનું હાઈકોર્ટે ઠેરવ્યું હોવા છતાં પાલિકા કબજો છોડતી નથી
  • પાટણ પાલિકા પાસેથી જમીન પરત મેળવવા માલિકની સુપ્રીમ કોર્ટમાં અરજી, શુક્રવારે સુનાવણી થશે

DivyaBhaskar.com

Feb 20, 2019, 07:40 PM IST
અમદાવાદઃ પાટણના હાંસાપુર ખાતે અંબાજીના નળિયા વિસ્તાર નજીક હાઈવે પરના ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશનનો વિવાદ વધુ ઘેરો બન્યો છે. અગાઉ હાઈકોર્ટ સુધી પહોંચેલા આ મામલામાં સર્વે નં. 343ની બિલ્ડર હિતેશ ઠક્કરની ખાનગી માલિકીની આ જમીન પર પાટણ નગરપાલિકાએ રાજકીય દબાણને વશ થઈને ગેરકાયદે કબજો કરીને પમ્પિંગ સ્ટેશનનું બાંધકામ કર્યું છે. આ બાંધકામ માટે જમીનનું સંપાદન ગેરકાયદેસર રીતે કરાયું હોવાનું ખુદ ગુજરાત હાઈકોર્ટે ઠેરવ્યું હોવા છતાં હવે ભાજપના પ્રદેશ મહામંત્રી અને પાટણના જિલ્લા પ્રભારી કે સી પટેલની દાદાગીરીને વશ થઈને જ નગરપાલિકાએ નવેસરથી જમીન સંપાદનની કાર્યવાહી આદરીને બિલ્ડરની કનડગત શરૂ કરી છે. રસપ્રદ છે કે, આ જમીનને ડેવલપ કરવા માટે હિતેશ ઠક્કરે 2013ની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં રાજ્ય સરકાર સાથે એમઓયુ કર્યા છે તેમ છતાં આ જમીન પર પાટણ નગરપાલિકાએ જ દબાણ કર્યું છે. ખુદ રાજ્યના મહેસૂલમંત્રી કૌશિક પટેલ પણ આ મામલે લાચારી વ્યક્ત કરી ચૂક્યા છે. આખરે બિલ્ડરે ન્યાય માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે અને સુપ્રીમમાં શુક્રવારે આ મામલે સુનાવણી થશે.

કે સી પટેલને ગમે તે ભોગે આ જમીન પર જ પમ્પિંગ સ્ટેશન બનાવવું છે

1. હાઈકોર્ટે પાટણ નગરપાલિકાએ કરેલા સંપાદનને અયોગ્ય ઠેરવ્યું છે
આ સમગ્ર પ્રકરણમાં હાઈકોર્ટે પોતાના 18 ઓગસ્ટ 2017ના ચુકાદામાં પાટણ નગરપાલિકાએ હાંસાપુરની સર્વે નં. 343ની જમીન પર પમ્પિંગ સ્ટેશન બનાવવા માટે કરેલા કબજાને ગેરકાયદેસર અને અનધિકૃત દબાણ તરીકે ઠેરવ્યું હતું. એટલું જ નહીં, જમીન સંપાદન ધારા, 2013ની કલમ 11 હેઠળ પાટણ નગરપાલિકાએ કરેલા સંપાદનને પણ ફગાવી દીધું હતું. આમ, આ જમીન ખાનગી માલિકીની હોવાનું હાઈકોર્ટે ઠેરવ્યું હતું તેમ છતાં રાજકીય દબાણવશ પાટણ નગરપાલિકાએ આ જમીન પરનો કબજો જાળવી રાખ્યો હતો.
2. જિલ્લા કલેક્ટરે પણ જમીન પર નગરપાલિકાનું દબાણ સ્વીકાર્યું
પાટણ નગરપાલિકાએ માત્ર અને માત્ર રાજકીય દબાણને વશ થઈને જ ખાનગી માલિકીની જગ્યા પર પંપીંગ સ્ટેશન ઊભું કરવાનો વિવાદ છેડ્યો છે. આને પગલે બિલ્ડર પોતાની રજૂઆત લઈને હાઇકોર્ટથી માંડીને મુખ્યમંત્રી કચેરી સુધી પહોંચ્યા હતા. છ વર્ષ થી ચાલી રહેલા આ વિવાદમાં ભાજપના પ્રદેશ મહામંત્રી કે.સી પટેલ દ્વારા બિલ્ડરને કનડગત કરવામાં આવતી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં આ જમીનનો કબજો કરવા માટે એક વર્ષ પહેલાં એટલે કે માર્ચ 2018માં પાટણ જિલ્લા કલેકટરે હુકમ કર્યો હતો. પરંતુ અત્યારે ફક્ત કે સી પટેલના દબાણના કારણે બિલ્ડરને જમીન આપવામાં નગરપાલિકા ઠાગાઠૈયા કરી રહી હોવાના આક્ષેપો થયા છે.
3. કે સી પટેલનો દુરાગ્રહઃ બિલ્ડરની જમીનમાં જ પમ્પિંગ સ્ટેશન બનાવો
પાટણ નગરપાલિકાએ હાંસાપુર ખાતે પમ્પિંગ સ્ટેશનના બાંધકામમાં બિલ્ડરની સર્વે નં. 343ની ખાનગી માલિકીની જમીન કબજે કરી લીધી હતી. આ ખાનગી જમીનના માલિક અને બિલ્ડર હિતેશ ઠક્કરે પાલિકાથી માંડીને પ્રાંત અધિકારી, કલેકટર અને હાઇકોર્ટ સુધી દાદ માંગી હતી. હાઈકોર્ટમાં પણ આ જમીનનો વિવાદ પહોંચતા હાઇકોર્ટે બિલ્ડરની જમીનનો વિવાદનો ઉકેલ લાવવા સૂચનો કર્યા હતા પરંતુ આ જમીનના મુદ્દે ભાજપના નેતા કે સી પટેલ યેનકેન પ્રકારે દબાણ કરીને જમીન ના આપવા ખેલ કરી રહ્યાના આક્ષેપો થયા છે.
4. કે સી પટેલે કહ્યું હતું, તમારી જમીન આગળ સંડાસ બનાવીશઃ બિલ્ડર
આ મામલે બિલ્ડર હિતેશ ઠક્કરે હૈયાવરાળ ઠાલવી હતી કે, આ જમીનના મામલે મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરી હતી પરંતુ ભાજપના નેતા કે અધિકારીઓના ઓર્ડર તો ઠીક પણ હાઈકોર્ટના આદેશને અવગણવા માટે નગરપાલિકા પર ભાજપના પ્રદેશ મહામંત્રી કે સી પટેલનું દબાણ છે. તેઓ એક જ વાતનું રટણ કરી રહ્યા છે કે, હું જ સરકાર છું. મેં જ મહેસૂલ મંત્રીને નવા ઓર્ડર પર સહી કરવાનું કહી દીધું છે. હું જ સરકાર છું. પાટણ નગરપાલિકાની ઈચ્છા મુજબ સમાધાન કરો, નહીંતર આ જમીન કોઈ કામમાં નહીં આવે.
5. કરેલો ખર્ચ આપવા માલિક તૈયાર છતાં નગરપાલિકાને જમીન ખાલી નથી કરવી
ઉલ્લેખનીય છે કે, સુનાવણી દરમિયાન હિતેશ ઠક્કરે સમાધાન માટે એવો પણ વિકલ્પ સૂચવ્યો હતો કે, નગરપાલિકાને અત્યારસુધી આ પમ્પિંગ સ્ટેશન બનાવવામાં રૂ. 21 લાખનો ખર્ચ થઈ ચૂક્યો છે અને તેના સાધનો પણ જમીનમાં પડ્યા છે. જો, નગરપાલિકા કબજો ખાલી કરે તો તેઓ અન્ય સ્થળે 58 ચો.મી. જમીન આપવા અથવા તો સરકારી રેકર્ડ પર દર્શાવેલા અત્યાર સુધીના સઘળા ખર્ચની રકમ ચૂકવી આપવા તૈયાર છે. આમ છતાં નગરપાલિકા કોઈ રીતે સમાધાન માટે તૈયાર નથી.
6. કે.સી.એ ફેરવી તોળ્યું.. કહ્યું ‘હું ક્યાં નગરપાલિકાનો સભ્ય છું, તમે તેમને પૂછો!’
આ અંગે અત્યારસુધી જાહેરમાં આ જમીન મામલે મન ફાવે તેવા નિવેદનો કરનારા ભાજપના નેતા કે સી પટેલે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં આ મામલે પોતાનો કોઈ હાથ હોવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. એટલું જ નહીં તેમણે કહ્યું હતું કે, પાટણની નગરપાલિકા તો કોંગ્રેસની છે, અમારી ક્યાં છે. હું નગરપાલિકાનો સભ્ય પણ નથી. તમારે જે પૂછવું હોય તે નગરપાલિકાવાળાને પૂછો. આ વિસ્તારની પ્રજાનો આ પ્રશ્ન છે અને પ્રજા ઈચ્છશે તેમ જ થશે.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી