અમદાવાદઃ સાણંદમાં આવેલા શિવમ ફ્લેટ નજીક ગઈકાલે મોડી રાતે કારચાલક યુવકે ઝઘડાની અદાવત રાખી માતા-પુત્રને કારથી કચડી હત્યાનો પ્રયાસ કર્યો હતો. જો કે બંને સદનસીબે બચી ગયા હતા અને કાંટાની વાડમાં જઈને પટકાયા હતા. સાણંદ પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શિવમ ફ્લેટમાં રહેતી પ્રતિક્ષા ગઢવી ગઈકાલે રાતે તેમના 7 વર્ષના પુત્ર જયકરણને લઈ આંટો મારવા નીકળ્યા હતા.ભાવના સોસાયટીથી ફ્લેટ તરફ જતા રોડ પર આગ લાગેલી જોઈ હતી. ત્યારે એક સ્વિફ્ટ કારચાલકે પ્રતિક્ષાને આગ બાબતે પૂછતાં બને વચ્ચે બોલાચાલી થઈ હતી. ઉશ્કેરાયેલા કારચાલકે ગાળાગાળી કરી હતી. ત્યારબાદ લોકો ભેગા થઈ ગયા હતા અને બંનેને છૂટા પાડ્યા હતા.
માતા-પુત્ર કાંટાની વાડમાં જઈને પટકાયા
ત્યારબાદ પ્રતિક્ષા પુત્રને લઈ ઘર તરફ જતા હતા ત્યારે ઝઘડો કરનાર કારચાલક પાછળથી કાર લઈને આવ્યો હતો અને પ્રતિક્ષા અને તેના પુત્રને ટક્કર મારી હતી. જેથી બંને રોડની બાજુમાં આવેલી કાંટાની વાડમાં જઈને પટકાયા હતા. ઘટના બાદ સ્વિફ્ટ કારચાલક નાસી ગયો હતો. માતા-પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. સાણંદ પોલીસે ગુનો નોંધી આરોપીની કાર નંબરના આધારે તપાસ શરૂ કરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.