અમદાવાદ જિલ્લાના ધંધુકામાં સૌથી વધુ 88 અને અમરાઈવાડીમાં સૌથી ઓછા 7 શતાયુ મતદારો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • યુવાનોને પણ પ્રેરે  તેવો વયોવૃધ્ધ મતદારોનો જુસ્સો
  • અમદાવાદ શહેર અને જિલ્લામાં સદી વટાવનાર મતદારોની સંખ્યા 719  
અમદાવાદ: લોકસભાની ચૂંટણી 23 એપ્રિલે ગુજરાતમાં યોજાવાની છે. અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ 21 વિધાનસભા વિસ્તાર આવેલા છે અને આ તમામ વિસ્તારોમાં  719 જેટલા શતાયુ મતદારો એટલે કે 100થી વધુ વય જૂથના છે. સૌથી વધુ ધંધુકામાં 88 તથા સૌથી ઓછા અમરાઈવાડીમાં 7 શતાયુ મતદારો છે. સમગ્ર જિલ્લામાં વિધાનસભા વિસ્તાર વાર જોઈએ તો વિરમગામમાં 43, સાણંદમાં 22, ઘાટલોડિયામાં 35, વેજલપુરમાં 41, વટવામાં 22, એલિસબ્રીજમાં 83, નારણપુરામાં 55, નિકોલમાં 20, નરોડામાં 29, ઠક્કરબાપાનગરમાં 08, બાપુનગરમાં 44, અમરાઈવાડીમાં 07,  તથા દરિયાપુરમાં 29  શતાયુ મતદારો છે. જ્યારે  ખાડીયા-જમાલપુરમાં 28, મણીનગરમાં 24, દાણીલીમડામાં 15, સાબરમતીમાં  37, અસારવામાં 21, દસ્ક્રોઈમાં 27, ધોળકામાં 42 તથા ધંધુકા વિધાનસાભા વિસ્તારમાં 88 શતાયુ મતદારો છે.  આમ સમગ્ર જિલ્લામાં 100થી વધુ વયના 719 મતદારો છે. 

ઉંમરની સદી વટાવી ચુકેલા લીલાબેન પટેલ આમ તો પથારીવશ થઈ ગયા છે પરંતુ હજી એમનો જુસ્સો હજી પણ અકબંધ રહ્યો છે. 100 વર્ષ વટાવીને અનેક ચૂંટણીઓ તેમણે જોઈ છે એટલું જ નહી પરંતુ મતદાન પણ કર્યું છે. લીલાબેનને ચાર દીકરા અને એક દીકરી છે, જો કે અહીં તેમના પુત્ર વિનોદભાઈ સાથે રહે છે...બાકીના દીકરા વિદેશ રહે છે. મણીનગરમાં રહેતા લીલાબેન પટેલની ઉંમર ભલે 101 વર્ષ છે પરંતુ તેમના અવાજમાં મતદાનની મહત્તાનો રણકો છે. જૈફ વયે આજે પણ નવયુવાનોને પણ પ્રેરણા આપે તેવી રીતે દૃઢતાપૂર્વક કહે છે કે મત તો આપવો જ જોઈએ.

અમદાવાદના ઈસનપુર ખાતે રહેતા વયોવૃધ્ધ મતદાર સીતાબેન ઠાકોર જણાવે છે કે, મેં તો બધી ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. મને સમજાતું નથી કે આજના લોકો મતદાન કરવા કેમ નથી જતા? અમદાવાદ જિલ્લાના બાવળાના મંગુબેન પ્રહલાદભાઈ પટેલ  આશરે 108 વર્ષના છે અને અત્યાર સુધીની લગભગ બધી ચૂંટણીમાં તેમણે પણ મતદાન કર્યું છે. સાણંદ વિધાનસભા વિસ્તારમાં 29 શતાયુ મતદારો છે જેમણે મહત્તમ ચૂંટણીઓમાં મતદાન કર્યું છે. 

નાગરિકો અને પ્રથમ વખત મતદાન કરવાના છે તેવા યુવાઓ મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે દિશામાં અનેક પ્રયાસો કરાયા છે. તેવા સમયે 100 વર્ષથી વધુ વયના મતદારોનો આવો જુસ્સો સૌ માટે પ્રેરક બને છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં આવા મતદારોની સંખ્યા 719 છે.   મહત્તમ મતદાન થાય તે માટે જાગૃતિ કેળવવા અમદાવાદ જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારી ડો. વિક્રાંત પાંડેના માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર કામે લાગ્યું છે. જે અંતર્ગત અનેક શિબિરો યોજીને આ માટે પ્રયાસો પણ કરાયા છે. 

અન્ય સમાચારો પણ છે...