શરમજનક / ‘સલામત’ ગુજરાતમાં 90 દિવસમાં જ દુષ્કર્મની 84 ઘટના નોંધાઈ, 40 સગીરા પાશવી હેવાનોનો શિકાર બની

40 minors in 84 physical abuse cast in just 3 months in gujarat

  • દુષ્કર્મનો ભોગ બનનારમાં 15ની ઉંમર તો 10 વર્ષથી પણ ઓછી, દારુની બદીનો દુષ્કર્મની વધતી ઘટનાઓમાં મોટો હાથ
  • લાંબા સમય સુધી ચાલતી કાનૂની પ્રક્રિયાને લીધે બળાત્કારી હેવાનોમાં સજાનો કોઈ ડર જ નથી, સામૂહિક દુષ્કર્મની વધેલી ઘટનાઓ

Divyabhaskar.com

Dec 04, 2019, 06:29 PM IST

અમદાવાદઃ તેલંગણાના રંગારેડ્ડી જિલ્લામાં વેટરનરી ડોક્ટર યુવતી પર સામૂહિક દુષ્કર્મ અને રાજકોટમાં આઠ વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટનાએ ગુજરાત સહિત આખા દેશને હચમચાવી દીધો છે. આ જઘન્ય ઘટનાઓ પાછળ જવાબદારોને ફાંસી આપો અથવા તો લોકોને હવાલે કરી દો તેવી માગણી છેક સંસદની અંદર ઊઠી ચૂકી છે. આ તમામ આક્રોશના શોરની વચ્ચે Divyabhaskarની ટીમે ઈન્વેસ્ટીગેશન કરતા માલૂમ પડ્યું છે કે, મહિલાઓ માટે અત્યંત 'સલામત' ગણાતા એકલા ગુજરાતમાં જ છેલ્લા ત્રણ મહિના એટલે કે 1 સપ્ટેમ્બરથી 30 નવેમ્બર, 2019ની વચ્ચેના ગાળામાં દુષ્કર્મની 84 અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યની 2 ઘટનાઓ નોંધાઈ ચૂકી છે. આ 84માંથી 40 જેટલી ઘટનામાં તો સગીરાઓ અને 15 ઘટનામાં તો 10 વર્ષથી ઓછી વયની બાળકીઓ પર નરાધમોએ દુષ્કર્મ ગુજાર્યા છે.

સુરતમાં સૌથી વધુ 20, રાજકોટમાં 11, વડોદરામાં 9 દુષ્કર્મ
છેલ્લા ત્રણ મહિના દરમિયાન રાજ્યમાં પોલીસ ચોપડે નોંધાયેલી દુષ્કર્મની ફરિયાદો તપાસતા માલૂમ પડ્યું હતું કે, સૌથી વધુ દુષ્કર્મની 20 ઘટના સુરતમાં બની છે. આ પાછળના કારણોની તપાસ કરતા જણાયું હતું કે, પરપ્રાંતિયોની વસાહતોવાળા વિસ્તારોમાં દુષ્કર્મની મોટાભાગની ઘટનાઓ બને છે. અહીં શ્રમિકવર્ગ અને તેમાં પણ પરપ્રાંતિયો હોવાને કારણે દારુની બદી ખૂબ છે. ત્યારબાદ રાજકોટ બીજા ક્રમે રહ્યું હતું જ્યાં ત્રણ મહિનામાં દુષ્કર્મની 11 ઘટના નોંધાઈ હતી. જ્યારે સંસ્કારનગરીનું બિરુદ ધરાવતા વડોદરામાં 90 દિવસની અંદર દુષ્કર્મની 9 ઘટના નોંધાઈ છે જેનાથી આ શહેરનું માથું શરમથી ઝૂકી ગયું છે.
આદિવાસી જિલ્લા દાહોદ-પંચમહાલમાં 2-2 ઘટના, ડાંગમાં એકેય નહીં
સૌથી વધુ આંખ ઉઘાડનારી બાબત એ સામે આવી છે કે રાજ્યમાં છેલ્લા ત્રણ મહિનામાં આદિવાસીની વધુ વસતિ ધરાવતા દાહોદ અને પંચમહાલ જેવા પછાત જિલ્લામાં દુષ્કર્મની 2-2 ઘટના નોંધાઈ છે. જ્યારે અરવલ્લીમાં પણ દુષ્કર્મની એક જ ઘટના નોંધાઈ છે. ડાંગ જિલ્લામાં તો ત્રણ મહિનામાં દુષ્કર્મની એક પણ ઘટના નોંધાઈ નથી. આમ, શહેરી વિસ્તારોની તુલનામાં પછાત, અભણ અને આદિવાસી સમુદાયની વધુ વસતિ ધરાવનારા જિલ્લાઓમાં મહિલાઓની સલામતી વધુ હોવાનું ફલિત થાય છે.
દારુની બદી દુષ્કર્મની ઘટનાઓ માટે સૌથી વધુ કારણભૂત
તેલંગણામાં વેટરનરી તબીબ યુવતીને પીંખીને તેને સળગાવી દેનારા નરાધમો દારુના નશામાં ચૂર હતા. બીજીતરફ રાજકોટમાં ફક્ત આઠ વર્ષની છોકરીને ઉઠાવી જઈ દુષ્કર્મ આચરનાર પણ દારુના નશામાં હતો અને તેની પાસે કોલગર્લ પાસે જવાના પૈસા નહોતા એટલે પોતાની હવસ સંતોષવા તેણે આ કૃત્ય કર્યું હતું. બે દિવસ પહેલાં અમદાવાદ અને રાજકોટમાં લોકોએ જનતારેડ કરીને હજારો લિટર દેશી દારુ પકડાવ્યો હતો. જ્યારે સુરતમાં ત્રણ મહિલાઓ 500થી વધુ દારૂની બોટલ સાથે ઝડપાઈ હતી. આમ, ગુજરાતમાં દારુની બદી વ્યાપક પ્રમાણમાં છે અને તેના કારણે દુષ્કર્મ જેવી ઘટનાઓ બનતી રહે છે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.
પ્રતિકાર ન કરી શકે તે માટે સગીરાઓને નિશાન બનાવતા હેવાનો
પોતાની વાસનાને સંતોષવા બળાત્કારીઓ હવે એકલી યુવતી કે મહિલાઓની સાથે-સાથે તરુણીઓ-કિશોરીઓ અને નાની બાળાઓને પણ નિશાન બનાવી રહ્યા છે. તેમાં પણ નાની છોકરીઓ પ્રતિકાર કરવામાં અસમર્થ નિવડે તે બાબત સારી રીતે જાણતા હોવાથી હેવાનો નાની બાળકીઓને ઉઠાવી જતા હોય છે અને પછી દુષ્કર્મ કરીને તેમની હત્યા કરી દે છે. આ કારણથી જ ગુજરાતમાં ત્રણ મહિનામાં નોંધાયેલી દુષ્કર્મની 84માંથી 40 જેટલી ઘટનામાં સગીરાઓ ભોગ બની છે. આ 40માંથી 15 ઘટનામાં ભોગ બનનાર 10 વર્ષથી ઓછી વયની હતી.
પોલીસ બળાત્કારીઓને પકડી તો લે છે, પણ સજામાં ભારે વિલંબ
દુષ્કર્મની ઘટના બને એટલે ચોતરફથી ઉહાપોહ સર્જાય તે સ્વાભાવિક છે. પોલીસ પણ આવી ઘટનાઓની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને ગુનેગારોને પકડવા માટે પૂરી તાકાત લગાવી દે છે. મોટાભાગના કિસ્સામાં ગુનેગારો પકડાઈ પણ જાય છે, જેમાં રાજકોટનો કિસ્સો શ્રેષ્ઠ ઉદાહરણ છે. રાજકોટમાં આઠ વર્ષની બાળા પર દુષ્કર્મ ગુજારનારા 22 વર્ષીય શ્રમિકને પોલીસે 24 કલાકમાં ઝડપી લીધો હતો. પરંતુ દુષ્કર્મના ગુનેગારોની સામે વર્ષો સુધી કોર્ટ કેસ ચાલ્યા કરે છે અને સજામાં વિલંબને કારણે ગુનેગારોને સજાનો ડર રહેતો નથી.
દુષ્કર્મના ગુનેગારોને ફાંસી એ ઉકેલ નથી, ન્યાયપ્રક્રિયા ઝડપી બનાવોઃ અવાજ
મહિલા ન્યાય સાથે સંકળાયેલી સંસ્થા અવાજના સેક્રેટરી ઝરણા પાઠકે DivyaBhaskarને જણાવ્યું હતું કે, અત્યારે દુષ્કર્મીઓને ફાંસીની સજાની માગણી થઈ રહી છે પરંતુ ફાંસી એ આનો ઉકેલ નથી. ઉલટાનું ફાંસીની સજા થશે તો દુષ્કર્મ કર્યા બાદ ગુનેગારો દિકરીઓને સળગાવીને મારવા લાગશે જેથી તેમની સામે પૂરાવા ન રહે. મધ્યપૂર્વના દેશોમાં બળાત્કારીને દેહાંતદંડની સજા હોવા છતાં ત્યાં આવી ઘટનાઓ અટકી નથી. માટે, આપણે ન્યાયપ્રક્રિયાને ઝડપી બનાવવી, સાક્ષીઓ-ભોગ બનનારને પૂરતું રક્ષણ આપવાવી તેમજ ભોગ બનનારને દોષી ઠેરવવાની વૃત્તિ ત્યજવાની જરૂર છે.

છેલ્લા ત્રણ મહિનામાં દુષ્કર્મની કલંકરૂપી ઘટનાઓ

જિલ્લો સપ્ટે.+ઓક્ટો.+નવે. કુલ દુષ્કર્મ
સુરત 4+7+9 20
રાજકોટ 3+4+4 11
બનાસકાંઠા 0+0+6 6
મહેસાણા 0+0+2 2
વડોદરા 5+3+1 9
જૂનાગઢ 0+2+1 3
અમદાવાદ 3+3+1 7
કચ્છ 0+2+1 3
અરવલ્લી 1+0+1 1
પાટણ 1+1+0 2
સાબરકાંઠા 1+0+0 1
ખેડા 1+2+0 3
દાહોદ 1+1+0 2
પંચમહાલ 2+0+0 2
અમરેલી 3+1+0 4
જામનગર 2+0+0 2
ભાવનગર 2+0+0 2
આણંદ 1+0+0 1
નર્મદા 0+1+0 1
મોરબી 0+1+0 1
કુલ 30+28+26 84
X
40 minors in 84 physical abuse cast in just 3 months in gujarat

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી