પ્રચંડ વાવાઝોડું / 21 વર્ષ પહેલાં ફંટાઈને કંડલા પર ત્રાટકેલા વાવાઝોડાએ કારમો વિનાશ વેર્યો હતો

21 years ago, the hurricane hit the Kandla by firing, causing disaster

  • વેરાવળથી આગળ વધી વાવાઝોડું એકાએક કંડલા તરફ ધસ્યું હતું
  • હજારો માનવીઓ ભોગ બન્યા હતા, હજારો ટનની ક્રેનો વળી ગઈ હતી, હજારો લિટરની ટાંકીઓ ફેંકાઈ ગઈ હતી

Divyabhaskar.com

Jun 12, 2019, 11:08 PM IST

અમદાવાદ: સૌરાષ્ટ્રના સાગરકાંઠાના વિસ્તારોને ઘમરોળી નાંખવા વિનાશક ‘વાયુ’ વાવાઝોડું કેવી સંહારલીલા ખેલશે તેના ખ્યાલ માત્રથી પ્રજા ભીતરમાં ભયની લાગણી અનુભવી રહી છે, ત્યારે આજથી બરાબર 21 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના કંડલાના સમુદ્રકિનારે ત્રાટકેલા મહાવિનાશકારી વાવાઝોડાએ વેરેલા વિનાશનું સ્મરણ થઈ આવે છે.

અરબ સાગરના લક્ષદ્રીપના કિનારે પહેલી જૂન, 1998ના રોજ હળવુ દબાણ ઊભું થયું અને ઝડપથી વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું, ત્યારબાદ4 જૂનના રોજ વધુ ભયાનક બનીને આગળ વધ્યું હતું. 7 જૂને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધ્યું હતું. બીજા જ દિવસે એટલે કે 8 જૂને પ્રચંડ વાવાઝોડું વેરાવળ તરફ આગળ વધી રહ્યું હોવાના હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. જોકે વેરાવળ તરફ આ વાવાઝોડુ ત્રાટકવાની સંભાવના હતી પરંતુ અચાનક તેની દિશા બદલાઈ ગઈ હતી અને9 જુનના રોજ પોરબંદર, જામનગર અને સૌથી વધુ કંડલાના સાગરકાંઠા વિસ્તાર પર ત્રાટક્યું હતું.

ચારેબાજુ મૃતદેહો લટકતા હતા: 1998ના જૂન મહિનાનું પ્રથમ સપ્તાહ હતું ત્યારે કંડલા ઉપર ત્રાટકેલા પ્રચંડ વાવાઝોડાના પગલે જામનગર શહેરમાં ભયાનક માનવસંહાર થયો હતો. જેમાં 10 હજારથી વધુ ગરીબ શ્રમજીવી એવા બદનસીબ માનવીઓની મોતની ગોદમાં હંમેશાં માટે આંખો મીંચાઈ ગઈ હતી. જામનગર શહેરના માર્ગો ગલીઓ, વગેરે જ્યાં જુઓ ત્યાં તબાહીના દૃશ્યો જોવા મળતાં હતાં. જામનગરની સરકારી હોસ્પિટલમાં ત્યારે મૃતદેહોના ઢગલાં ખડકાઈ ગયા હતા. આવાં જ કરુણ દૃશ્યો કંડલાના માર્ગો તથા શેરીઓમાં જોવા મળ્યા હતા. ત્યાં પણ ચારેબાજુ મૃતદેહો રઝળતા હતા. જ્યારે વીજળીના થાંભલા ઉપર અબોલ જીવોની લાશો લટકતી હતી. કંડલા પોર્ટ ઉપર ગોઠવેલી હજારો ટનની ક્રેનો ઝાડની ડાળીઓની જેમ વળી ગઈ હતી. આઈઓસીની લાખો લિટરની ક્ષમતાવાળી ટાંકીઓ વાવાઝોડાના ઝપાટામાં દૂર દૂર ફેંકાઈ ગઈ હતી. જ્યારે જંગી જહાજો પણ તોફાની પવનોમાં ફંગોળાતા કિનારા સુધી ઢસડાઈ આવ્યા હતા.

રાજકીય પક્ષોમાં ભારે વિવાદ: કંડલાના વિનાશકારી વાવાઝોડામાં ત્યારે માત્ર 1000 માનવીનાં મૃત્યુ નિપજ્યાં હોવાનું સરકારે જાહેર કર્યું હતું. જેના પગલે રાજકીય પક્ષોમાં ભારે વિવાદ ઊભો થયો હતો. સરકાર પોતાની જવાબદારીમાંથી છટકવા કાંઈક છુપાવી રહી હોવાની પણ વિરોધપક્ષ દ્વારા દલીલ કરવામાં આવી રહી હતી. વાવાઝોડાની ઝપટમાં પત્તાંની જેમ ઊડીને દરિયામાં જીવતેજીવ જેમની સમાધિ થઈ ગઈ હતી તેવા હજારો માનવીઓનાં મૃત્યુનો કોઈ હિસાબ આજદિન સુધી મળ્યો નથી. આજે આ દુ:ખદ ઘટનાને બે દાયકા વીતી ગયા છે. ત્યારે આજે જેઓ આ કરુણાંતિકાના સાક્ષી બની રહ્યા હતા તેવા હયાત માનવીના હૈયા કુદરતીની સંહારલીલાનું સ્મરણ કરતા હચમચી જાય છે.

X
21 years ago, the hurricane hit the Kandla by firing, causing disaster
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી