અમદાવાદ / અરબી સમુદ્રમાં 127 વર્ષમાં સૌથી વધુ સાયક્લોનિક ડિસ્ટર્બન્સ સર્જાયા, રાજ્યમાં ચાર વાવાઝોડાં સક્રિય થયા હતા

2019 saw maximum no of cyclonic disturbances over arabian sea in last 127 years, with four cyclone active in gujarat

Divyabhaskar.com

Dec 05, 2019, 12:59 AM IST

અમદાવાદઃ ગુજરાતમાં 2019ને વાવાઝોડાં વર્ષ તરીકે ઓળખવામાં આવશે. ચાલુ વર્ષે રાજ્યમાં ચાર વાવાઝોડાં આવ્યા હતા. આ વાવાઝોડાંઓમાં જૂન મહિનામાં 'વાયુ', સપ્ટેમ્બરમાં 'હિક્કા' અને ઓક્ટોબરમાં 'ક્યાર' અને ત્યારબાદ નવેમ્બરમાં 'મહા' વાવાઝોડું સક્રિય થઈ ગુજરાત તરફ આગળ વધ્યું હતું. હવામાન વિભાગ મુજબ અરબી સમુદ્રમાં છેલ્લા 127 વર્ષમાં સૌથી વધુવાર સાયક્લોનિક ડિસ્ટર્બન્સ જોવા મળ્યું છે.

વાયુ વાવાઝોડું (13 જૂન, 2019)
વાયુ વાવાઝોડાએ જૂન મહિનામાં ગુજરાત સરકારના શ્વાસ અદ્ધર કરી દીધા હતા. છેક દિલ્હીથી એનડીઆરએફની ટીમ રાહત કાર્ય માટે આવી પહોંચી હતી. 12મી જૂને મધરાતથી કચ્છ-સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે વાયુ વાવાઝોડું 120થી 145 કિમીની ઝડપે ફૂંકાનારા પવન સાથે ત્રાટકવાની આગાહી હતી. પરંતુ ચમત્કારી રીતે વેરાવળના કાંઠા સુધી પહોંચ્યા બાદ વાયુ વાવાઝોડું અરબી સમુદ્રમાં પાછું ફંટાયું હતું અને ગુજરાત આ વાવાઝોડાના વિનાશથી બચી ગયુ હતું.

હિક્કા વાવાઝોડું( 23 સપ્ટેમ્બર, 2019)
23 સપ્ટેમ્બરના રોજ અરબી સમુદ્રમાં નીચા દબાણના કારણે 'હિક્કા' ચક્રવાત આવવાની આગાહી કરવામાં આવી હતી. પરંતુ 25 સપ્ટેમ્બરના રોજ 'હિક્કા' ઓમાન તરફ ફંટાઈ ગયું હતું. જેની અસર સ્વરૂપે સૌરાષ્ટ્ર-કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો હતો પવન સાથે વરસાદ પડ્યો હતો.

કયાર વાવાઝોડું(29 ઓક્ટોબર, 2019)
અરબી સમુદ્રમાં ડીપ ડીપ્રેશનને પગલે ઉદભવેલું કયાર વાવાઝોડું છેલ્લા 12 વર્ષનું સૌથી તીવ્રતમ સુપર સાઈક્લોન ગણાતું હતું. ગુજરાતના દરિયાકાંઠે 29-30 ઓક્ટોબરની વચ્ચે કયાર વાવાઝોડું ત્રાટકે તેવી દહેશત હતી. પરંતુ પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં રચાયા બાદ કયાર વાવાઝોડું ઓમાન તરફ ફંટાયું હતું અને વાવવ્ય કાંઠા તરફ આગળ વધ્યું હતું. જો કે, કયાર વાવાઝોડું ઓમાનના દરિયાકાંઠે ત્રાટકે તે પહેલાં જ મધદરિયે શમી ગયું હતું. ઉલ્લેખનીય છે કે કયાર પહેલાં 2007ની સાલમાં ગોનુ વાવાઝોડું સુપર સાઈક્લોન કેટેગરીમાં રચાયું હતું.

મહા વાવાઝોડું (6-7 નવેમ્બર, 2019)
જ્યારે મહા વાવાઝોડું 6-7 નવેમ્બરના રોજ ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકવાની શક્યતા હતી. પરંતુ આ વાવાઝોડું ગુજરાતના દરિયા કિનારે પહોંચે તે પહેલાં જ નબળુ પડી ગયું હતું. આ વાવાઝોડું અરબી સમુદ્ર જ નબળું પડી ડીપ ડીપ્રેશનમાં ફેરવાઇ ગયું હતું આમ ગુજરાત પરથી વધુ એક સંકટ ટળ્યું હતું.

X
2019 saw maximum no of cyclonic disturbances over arabian sea in last 127 years, with four cyclone active in gujarat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી