20 કરોડના ઠગાઈ કેસની ફરિયાદ રદ કરતી અરજી સંતોએ પાછી ખેંચી લીધી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીટ કોઈન કેસના સૂત્રધાર શૈલેષ ભટ્ટ સાથે 3 સંતોએ ઠગાઈ કરી હતી
  • કોઈ પણ પ્રકારનો પૂર્વગ્રહ રાખ્યા વગર તપાસ કરવા હાઈકોર્ટનો પોલીસને આદેશ

અમદાવાદ: કાલુપુર સ્વામિનારાયણ મંદિરના તાબાના સુરેન્દ્રનગરના રતનપુર મંદિરના કહેવાતા ત્રણ સંતો કે.પી. સ્વામી, આત્મપ્રકાશ સ્વામી, નાના સ્વામીએ સોનેશ પટેલ પાસેથી જમીન ખરીદવાના બહાને 20 કરોડ  પડાવ્યાની ફરિયાદ રદ કરવા કરેલી અરજી હાઈકોર્ટે ફગાવાનું વલણ અપનાવતા ત્રણેયે અરજી પાછી ખેંચી હતી.

કૃષ્ણજીવનદાસ પ્રાણજીવનદાસ સ્વામી (કે.પી. સ્વામી), નાના સ્વામી અને આત્મપ્રકાશ સ્વામીએ બીટકોઇનના આરોપી શૈલેષ ભટ્ટ સાથેના મેળાપીપણામાં સોનેશ પટેલ નામના વ્યકિત સાથે જમીન ખરીદવાના બહાને 20 કરોડ પડાવી લીધા હતા.આ અંગે થયેલી ફરિયાદમાં ત્રણેય સ્વામીઓએ હાઇકોર્ટમાં ફરિયાદ રદ કરવા અરજી કરી હતી. હાઇકોર્ટે અરજી ફગાવાનું વલણ અપવાનતા ત્રણેય જણાએ અરજી પાછી ખેંચી લીધી છે. જસ્ટિસ સોનિયા ગોકાણીએ પોલિસને આ કેસની પૂર્વગ્રહ રાખ્યા વગર તપાસ કરવા આદેશ કર્યો છે. વડોદરાના કરજણમાં જેથારડી ગામમાં 36 વીઘા જમીન કૌભાંડમાં બીટકોઇનના આરોપી શૈલેષ ભટ્ટ સાથે મળીને કાલુપુર સ્વામીનારાયણ મંદિરના હોવાનો દાવો કરતા કે.પી સ્વામી, આત્મપ્રકાશ સ્વામી અને નાના સ્વામીએ સોનેશ પટેલ પાસેથી 20 કરોડ પચાવીને જમીન અન્ય વ્યકિતને વેચી મારી હતી. કાલુપુર સ્વામિનારાયણ મંદિરના પીઆરઓએ કહ્યું કે, ત્રણેય સ્વામી સાથે મંદિરને કોઈ લેવા દેવા નથી. 

આ રીતે કૌભાંડ આચર્યું હતું
જમીન દલાલીનો ધંધો કરતા સોનેશ પટેલનો સંપર્ક શૈલેષ ભટ્ટ સાથે થયો હતો. તેણે એક ખેડૂત પાસેથી જમીન ખરીદવાની ઓફર કરી. ઓફર દરમિયાન સ્વામિનારાયણ મંદિરના સંતો ધાર્મિક હેતુ માટે જમીન શોધી રહ્યા છે તેથી ખરીદેલી જમીન તેમને આપશો તો વચેટિયા તરીકે તગડો નફો મળશે. સોનેશ પટેલે અનુપમ પટેલ અને નાગજી પટેલ નામના ખેડૂતો પાસેથી 36 વીઘા 20.81 કરોડની જમીન ખરીદવા તૈયારી દર્શાવી હતી. શૈલેષ ભટ્ટે જમીનના ટાઈટલ ક્લીયરનું આશ્વાસન આપ્યું હતું. ત્યારબાદ બન્ને વચ્ચે એમઓયુ થયા હતા અને તબક્કાવાર 13 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. નાણા ચૂકવ્યા તેના થોડા સમય બાદ શૈલેષ ભટ્ટે સોનેશની મિટિંગ સ્વામી જોડે કરાયા બાદ તેમણે જમીન ખરીદવા તૈયારી બતાવી હતી. પણ ટાઈટલ ક્લીયર નહીં આપતા આખરે સોનેશ પટેલે ફરિયાદ કરી હતી.

દસ્તાવેજો જોતાં ઠગાઈ થયાનું ધ્યાને આવ્યું
ખબર પડી કે સ્વામીઓ સંડોવાયા છે સોનેશ પટેલે તેની સાથે અધધધ રકમની છેતરપિંડી થઇ હોવાનું જાણતા સબ રજિસ્ટ્રારની ઓફિસમાં તપાસ કરાવી ત્યારે છેતરપિંડીના ખેલની પ્રથમ કડી જાણવા મળી હતી. જેમાં આ 36 વીઘા જમીન મહેશ પટેલ અને નાસીર હુસેન ગરાસિયાને વેચી હોવાનું સાબિત થયુ હતું.

જમીન પેટેના 13 કરોડ 5 હિસ્સામાં વેચ્યા હતા
સોનેશ પટેલ પાસેથી જમીન વેચાણના 13 કરોડ મળ્યા હતા. આ નાણાંના કુલ 5 ભાગ પાડ્યા હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં જમીનના મૂળ માલિક અનુપમ પટેલ, શૈલેષ ભટ્ટ, કે.પી સ્વામી અને તેમની સાથેના અન્ય બે સ્વામીઓના ભાગ નક્કી થયા હતા. આ અંગે સોનેશે ફેબ્રુઆરી 2018માં કરજણમાં પણ પોલીસ ફરિયાદ નોં ધાવી હતી.

શૈલેષ ભટ્ટના આગોતરા નામંજૂર
કરજણના જૂની જીથરડી ગામની જમીન સ્વામીનારાયણ સંપ્રદાયને આપવાને બહાને અન્ય વ્યક્તિઓને જમીન વેચી નાંખી કરોડોની ઠગાઈ કેસમાં શૈલેષ ભટ્ટની આગોતરા જામીન અરજી કોર્ટે નામંજૂર કરી હતી.