તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • 129 Percent Rainfall Of The Season In Gujarat, 102 Dam Overflow, 148.10 Percent Rainfall In Kutch Zone

રાજ્યમાં સિઝનનો 129 ટકા વરસાદ, 102 જળાશયો છલકાયા, સૌથી વધુ કચ્છ ઝોનમાં 148.10 ટકા વરસાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાજ્યમાં થયેલા વરસાદને પરિણામે કુલ 204 જળાશયોમાં 91.36 ટકા જેટલો જળ સંગ્રહ - Divya Bhaskar
રાજ્યમાં થયેલા વરસાદને પરિણામે કુલ 204 જળાશયોમાં 91.36 ટકા જેટલો જળ સંગ્રહ
  • રાજ્યના 204 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 91.31 ટકા જેટલું પાણી
  • દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 140.50 ટકા જેટલો સરેરાશ વરસાદ
  • પૂર્વ-મધ્ય ગજરાતમાં 120.85 ટકા અને સૌરાષ્ટ્રમાં 129.62 ટકા વરસાદ

અમદાવાદઃ રાજ્યમાં ચોથા મહિને પણ ચોમાસાની જમાવટ ચાલુ જ છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના 58 તાલુકાઓમાં નોંધનીય વરસાદ થયો છે. જેમાં ધાંગધ્રા તાલુકામાં 110 મી.મી. એટલે કે સવા ચાર 4 ઈંચ જેટલો અને કોટડા-સાંગાણીમાં 98 મી.મી. એટલે કે ચાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે. રાજ્યમાં ચાલુ સિઝનનો સરેરાશ વરસાદ 129.43 ટકા જેટલો નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 148.10 ટકા, જ્યારે ઉત્તર ગુજરાતમાં 99.40 ટકા, પૂર્વ-મધ્ય ગજરાતમાં 120.85 ટકા, સૌરાષ્ટ્રમાં 129.62 ટકા, દક્ષિણ ગુજરાતમાં 140.50 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. તેમજ રાજ્યના 204 જળાશયોમાંથી 102 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે.

24 કલાકમાં 15 તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય 36 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ 
રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ વાલોડ તાલુકામાં 83 મી.મી., મહુવામાં 81 મી.મી., લખતરમાં 74 મી.મી. અને તલાલામાં 72 મી.મી. મળી કુલ ચાર તાલકાઓમાં ત્રણ ઇંચ જેટલો જ્યારે મહેમદાવાદ, માંડવી, લોધિકા, વઢવાણ, હળવદ, ભાણવડ, ઉમરેઠ, ઉના, સૂત્રાપાડા, ભેંસાણ, કેશોદ, અમદાવાદ શહેર, મોરબી, ખંભાળીયા અને માંગરોળ મળી કુલ 15 તાલુકાઓમાં બે ઇંચથી વધુ અને અન્ય 36 તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ થયો છે. 

સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 87.34 ટકા જેટલો જળ સંગ્રહ
રાજ્યમાં થયેલા વરસાદને પરિણામે કુલ 204 જળાશયોમાં 91.36 ટકા જેટલો જળ સંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 61.54 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 98.19 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 97.69 ટકા, કચ્છના 20 જળાશયોમાં 75.57 ટકા, સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 87.34 ટકા જેટલો જળ સંગ્રહ થયો છે. રાજ્યના 204 જળાશયોમાં 5,08,309.28 એમ.સી.એફ.ટી.(મિલિયન ક્યુબિક ફિટ) જળ સંગ્રહ છે જે કુલ સંગ્રહ શક્તિના 91.31 ટકા જેટલો છે. સરદાર સરોવર જળાશયમાં 3,29,416.91 એમ.સી.એફ.ટી.પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શક્તિના 98.60 ટકા જેટલો થાય છે. 

61 જળાશયો 70થી 100 ટકા વચ્ચે, 11 જળાશયો 50થી 70 ટકા વચ્ચે ભરાયા
રાજ્યના 204 જળાશયોમાંથી 102 જળાશયો 100 ટકાથી વધુ ભરાયા છે. 61 જળાશયો 70થી 100 ટકા વચ્ચે, 11 જળાશયો 50થી 70 ટકા વચ્ચે, 13 જળાશયો 25થી 50 ટકા વચ્ચે જ્યારે 17 જળાશયોમાં 25 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમમાં 2,29,895 કયુસેક પાણીની આવક સામે 1,71,438 કયુસેક પાણીની જાવક, ઉકાઇ ડેમમાં 1,06,631 કયુસેક પાણીની આવક સામે 1,23,092 કયુસેક પાણીની જાવક, કડાણા ડેમમાં 29,094 કયુસેક પાણીની આવક સામે 27,894 કયુસેક પાણીની જાવક, વણાકબોરી ડેમમાં 28,630 કયુસેક પાણીની આવક સામે 26,080 કયુસેક પાણીની જાવક, પાનમ ડેમમાં 13,540 કયુસેક પાણીની આવક સામે 14,170 કયુસેક પાણીની જાવક છે.