સાવચેતી / ટ્રમ્પ-મોદીના કાર્યક્રમ માટે 1.25 લાખને પોલીસ વેરિફિકેશન પછી જ પ્રવેશ, સિક્યુરિટી પોઈન્ટ માટે 1 કરોડનો 3ડી કેમેરા ગોઠવાયો

પ્રતિકાત્મક તસવીર.
પ્રતિકાત્મક તસવીર.

  • આમંત્રિત આધાર કે પાન કાર્ડ આપે પછી પોલીસ ગુનાહિત રેકોર્ડ છે કે નહીં તે ઈગુજકોપમાં ચેક કરશે
  • રોડ શોમાં ટ્રમ્પ અને મોદીની 40 કાર અને 15 પોલીસ વાહન હશે

Divyabhaskar.com

Feb 14, 2020, 11:04 AM IST
મિતેષ બ્રહ્મભટ્ટ, અમદાવાદ: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, અને નરેન્દ્ર મોદીના મોટેરા સ્ટેડિયમના કાર્યક્રમમાં તેમજ રોડ શો માં 1.25 લાખ લોકો હાજર રહેશે. આ તમામ લોકોને આમંત્રણ આપીને બોલાવવામાં આવ્યા છે. સુરક્ષાના ભાગ રૂપે આ તમામનું પોલીસ વેરિફિકેશન શરૂ થયું છે. દરેક પોલીસ સ્ટેશનના પીઆઈ, એસીપીને વેરિફિકેશનની જવાબદારી સોંપાઈ છે. અમેરિકી પ્રમુખ સીધા જ અમદાવાદ આવવાના હોવાથી નરેન્દ્ર મોદી એરપોર્ટ ઉપર જ તેમનું સ્વાગત કરશે. સિક્યુરિટી પોઈન્ટ માટે 1 કરોડનો 3ડી કેમેરા ગોઠવાયો છે.

ટ્રમ્પ અને મોદીના રોડ શોમાં 55 ગાડીઓનો કાફલો જોડાશે
ટ્રમ્પના આગમન પહેલાં વડાપ્રધાન મોદી અમદાવાદ આવી જશે અને એરપોર્ટ પર જ સ્વાગત કરશે. જે 1.25 લાખ લોકોને આ કાર્યક્રમમાં બોલાવવામાં આવ્યા છે તે તમામના નામ - સરનામાના આધારે ઈ ગુજકોપમાં તેમનો ગુનાઈત ઈતિહાસ ચેક કરાશે. જો કોઇ પણ વ્યક્તિ ગુનાઈત રેકોર્ડ ધરાવતો હશે તો તેને કાર્યક્રમમાં હાજર નહીં રહેવા દેવાય. આ ઉપરાંત રોડ શોમાં 15 હજાર લોકો જોડાવાના હોવાથી તે તમામના પણ પોલીસ વેરિફિકેશન શરૂ થયું છે. ટ્રમ્પ અને મોદીના રોડ શોમાં 55 ગાડીઓનો કાફલો જોડાશે. તેમાંથી 40 ગાડીઓ તો ટ્રમ્પ અને મોદીના કાફલામાં કાયમ માટે જ તહેનાત રહે છે. જ્યારે બાકીની પોલીસ અધિકારીઓની ગાડીનો સમાવેશ થાય છે.મોટેરા સ્ટેડિયમમાં આવનારા 1 લાખ આમંત્રિતો માટે 2200 બસની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ આમંત્રિતોએ ફરજિયાત બસમાં જ આવવું પડશે.
રોડના કામો વિના ટેન્ડરે જ કરાશે
અમેરીકી પ્રમુખની મુલાકાત માટે રોડ, લાઈટિંગ, ગાર્ડનિંગ સહિતની કામગીરી માટે થનારા ખર્ચ માટે ટેન્ડર મંગાવ્યા સિવાય કામો કરી દેવા માટેની મંજૂરી ગુરુવારે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં અપાઈ છે.
અમદાવાદ એરપોર્ટ નો ફ્લાય ઝોન બનશે
અમેરિકી પ્રમુખની મુલાકાત દરમિયાન અમદાવાદમાં તમામ ફ્લાઈટનું સંચાલન અટકાવી દઈ એરપોર્ટને -નો- ફ્લાય ઝોનમાં મૂકાશે. ટ્રમ્પના રોકાણ સુધી અમદાવાદ એરપોર્ટ પરથી એક પણ ફ્લાઈટનું સંચાલન થશે નહીં. હાલ શહેર, રાજ્ય અને કેન્દ્રીય સુરક્ષા દળોની સાથે અમેરિકન સુરક્ષા એજન્સીના અધિકારીઓ અમદાવાદ આવી ગયા છે. ટ્રમ્પની કાર તેમજ સુરક્ષા માટે જરૂરી સાધનો ટૂંક સમયમાં આવી જશે.
એરપોર્ટ પર CMના કાફલા સામે ટેમ્પો આવ્યો
એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી વિજય રૂપાણીના કાફલા સામે ટેમ્પો ધસી આવ્યો હતો. 11.30 વાગ્યે રૂપાણી રાજકોટથી અમદાવાદ આવ્યા હતા ત્યારે ગુજસેલના ગેટથી કાફલો નીકળ્યો ત્યારે સામેથી એક ટેમ્પો ધસી આવ્યો હતો. જોકે સીએમના સુરક્ષા કર્મચારીઓએ ગાડીમાંથી હાથ બહાર કાઢીને ટેમ્પાના ડ્રાઈવરને ગાડી સાઈડમાં લેવા સૂચના આપી હતી.
સિક્યુરિટી પોઈન્ટ માટે 1 કરોડનો 3ડી કેમેરા
ક્રાઇમબ્રાંચે 1 કરોડની કિંમતનો 3ડી ઈફેક્ટ કેમેરા ગોઠવ્યો છે. આ કેમેરા 360 ડિગ્રીથી ફોટા કેપ્ચર કરશે તેમજ સ્થળનું મેપિંગ કરી કેટલા સિક્યુરિટી પોઈન્ટ મૂકવા તેનું માર્ગદર્શન આપશે.


રસ્તે રઝળતી ગાયો ઉપરાંત ઘોડા પણ લઈ ગયા
મોટેરા સહિતના ટ્રમ્પના રોડ શોના રૂટ પર ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગની ટીમો દ્વારા ઢોર પકડવાની ઝુંબેશ શરી કરી છે. જેમાં મોટેરામાંથી ગાયો સાથે ઘોડા પણ લઈ ગયા હતા.

3.68 કરોડમાં બોટલપામ સહિતનાં વૃક્ષો રોપાશે
ચીમનભાઈ બ્રિજથી સ્ટેડિયમ, ઝુંડાલ સર્કલ, મોટેરા વિસ્તારમાં 3.68 કરોડના ખર્ચે બોટલપામ સહિતનાં વૃક્ષો રોપવાનું ટેન્ડર તાકીદે મંજૂર થયું છે. રોડની શોભા વધારવા આ વૃક્ષો રોપાશે.


સ્ટેડિયમની વચ્ચોવચ સ્ટેજ તૈયાર કરાશે, 7 હજાર VVIP માટે ખાસ વ્યવસ્થા
  • 30 જેટલા પાર્કિંગ પ્લોટ તૈયાર કરાશે. તમામ લોકોને બસથી સ્ટેડિયમ લવાશે.
  • સ્ટેડિયમમાં 7 હજાર VVIP બેસી શકશે.
  • સ્ટેડિયમની વચ્ચે સ્ટેજ તૈયાર કરાશે.
  • વધારાની લાઇટો લગાવાશે.
સ્વાગત માટે ભીડ એકઠી કરવા NGO અને ધાર્મિક સંસ્થાઓની મદદ લેવાશે
અમેરિકી પ્રમુખના એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીના રોડ શો દરમિયાન તેમના સ્વાગત માટે શહેરની એનજીઓ તેમજ ધાર્મિક સંસ્થાઓ પાસેથી પણ મદદ માગવામાં આવી છે. મેયર બિજલબેન પટેલ દશુક્રવારે આવી એક સંંસ્થા સાથે એક બેઠક યોજશે. મેયર સહિતના હોદ્દેદારોએ ગુરુવારે સ્ટેડિયમની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી.
ફાયર બ્રિગેડ ડ્રોન સાથે સાવચેતી રાખશે
સુરક્ષાના ભાગ રૂપે તમામ રસ્તા પર ફાયર બ્રિગેડ પણ ડ્રોન સહિતની તમામ સાધનો સાથે ત્યાં ઉપસ્થિત રહેશે. તેમજ સમગ્ર વિસ્તારમાં સિક્યુરિટી પોઇન્ટ પણ ઊભા કરવામાં આવશે. સ્ટેડિયમની અંદર બહાર અને પાર્કિંગના સ્થળોએ પણ ફાયર ટેન્ડર તહેનાત રહેશે.
ટ્રમ્પને હેરિટેજ પ્રતિકૃતિની ભેટની યોજના
વ્યવસ્થા અને પ્રોટોકોલને ધ્યાને લઇ મ્યુનિ. ટ્રમ્પ દંપતીને હેરિટેજની પ્રતિકૃતિ ભેટમાં આપશે તેવી વિચારણા છે. જોકે આ અંગે અમેરિકી સુરક્ષા એજન્સીઓ સાથે પરામર્શ કર્યા પછી જ ભેટ આપી શકાશે કે કેમ તે અંગેનો અંતિમ નિર્ણય લેવામાં આવશે. હાલના તબક્કે માત્ર વિચારણા છે.
ટ્રમ્પને ગાર્ડ ઓફ ઓનર અપાશે
અમેરિકી પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાથી સીધા જ અમદાવાદ એરપોર્ટ ખાતે આવશે. અહીં તેમને ગાર્ડ ઓફ ઓનર અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટ્રમ્પ આગમન પૂર્વે જ અમદાવાદ આવશે અને ગુજસેલ ખાતે ટ્રમ્પને રિસિવ કરશે.
X
પ્રતિકાત્મક તસવીર.પ્રતિકાત્મક તસવીર.
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી