• Gujarati News
  • National
  • 12 Years Old Boy Drives Makes Accident And Clash 15 Vehicles In Ishanpur Area Of Ahmedabad

પિતાના ઠપકાથી નારાજ 12 વર્ષનો કિશોર કાર લઈ ભાગ્યો, 15 વાહનને ટક્કર મારી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કાર એક્ટિવાને ધસળતી હોય તેવી ઘટના સીસીટીવીમાં કેદ થઈ
  • ઈસનપુરથી ઘોડાસરના 2 કિમીમાં અકસ્માતની હારમાળા સર્જી
  • ઘરેથી પૂરઝડપે કારમાં જઈ રહેલા કિશોરને પોલીસે પીછો કરી પકડ્યો
  • કિશોર 12 વર્ષનો હોવાથી પિતા સામે ટ્રાફિક પોલીસે ગુનો નોંધ્યો

અમદાવાદઃ ઈસનપુરથી ઘોડાસર તરફ જવાના રસ્તે 80થી 90ની સ્પિડે કાર લઈને નીકળેલા 12 વર્ષના કિશોરે 2 કિલોમીટરમાં 10થી 15 વાહનોને અડફેટે લીધા હતા. જેમાં 2 એક્ટિવાને 500 મીટર સુધી રસ્તા પર ઘસડ્યા હતા. રવિવારે બપોરે 12 વાગ્યે અકસ્માતની હારમાળા સર્જતી આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી, જ્યારે 3 લોકોને ઈજા થતાં તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. 10થી વધુ વાહનોમાં નુક્શાન થયું હતું. આ અંગે જે ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના ઈનચાર્જ પીઆઈ એ.જે. ચૌહાણે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, સગીરની નાનીને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સગીરના માતા-પિતા હોસ્પિટલમાં હતા, જ્યાં રવિવારે સવારે સગીર પણ ગયો હતો ત્યારે તેના પિતાએ તેને કોઈ કારણસર ઠપકો આપ્યો હતો.

પિતાએ ઠપકો આપતા માઠું લાગ્યું
પિતાનો ઠપકો સાંભળ્યા પછી સગીર ઘરે જતો રહ્યો હતો અને ઘરના બાકીના સભ્યો હોસ્પિટલમાં હતા ત્યારે ઘરે પડેલી કાર લઈને તે નીકળી ગયો હતો અને કારને પૂરપાટ હંકારી અકસ્માતની હારમાળા સર્જી હતી. ઘટનાની જાણ થતાં ટ્રાફિક પોલીસે કિશોરનો પીછો કરીને તેને ઝડપી પાડ્યો હતો. અકસ્માતની આખી ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી, જેમાં ઓવર સ્પિડિંગ હોવાનું પણ સ્પષ્ટ દેખાતું હતું.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
ઉલ્લેખનીય છે કે, પોલીસે કિશોર પાસેથી ગાડી જપ્ત કરી હતી. જોકે કિશોર 12 વર્ષનો હોવાને કારણે નિયમ મુજબ તેની સામે ગુનો નોંધી શકાય નહીં. જેથી ટ્રાફિક પોલીસે તેના પિતા રમણભાઈ માળી વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે જે સીસીટીવીમાં ઘટના કેદ થઈ હતી તેના ફૂટેજ પણ તપાસમાં માટે લીધા હતા. કારની સ્પીડ અંગે પણ પોલીસે એફએસએલની મદદ લીધી હતી. 

અકસ્માતનો વીડિયો ફરતો થયો
12 વર્ષીય કિશોર 80થી 90ની સ્પીડે સ્વિફ્ટ કાર ચલાવીને જતો હતો ત્યારે અચાનક સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા તેેણે સંખ્યાબંધ  વાહાનોને ટક્કર મારી હતી. આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઘણો જ વહેતો થઇ રહ્યો છે. વીડિયોમાં દેખાય છે કે, કેવી રીતે કિશોર અતિ ઝડપે ગાડી ચલાવ્યા બાદ રસ્તામાં આવતા વાહનોને ટક્કર મારે છે, એટલું જ નહીં સામેથી આવતી એક્ટિવાને ટક્કર મારતા તે કાર  સાથે ફસાઈ ગયેલી જોવા મળે છે. પંરતુ કિશોર તે પોતાની કાર ઊભી રાખતો નથી. પણ એક્ટિવાને ઘસડીને લઇ જાય છે. સીસીટીવી ફૂટેજમાં સ્વિફ્ટ કારનો આગળનો ભાગ તૂટેલો દેખાઈ રહ્યો છે.

અન્ય વાહનચાલકો, રાહદારીઓ ગભરાઇ ગયા હતાં
નજીવી બાબતમાં પરિવાર સાથે રિસાઈને પિતાની ગાડી લઈને નાસી છૂટેલા 12 વર્ષીય કિશોરે બે ફામ  ગાડી હંકારીને 3 એક્ટિવા ,1 ગાડી મળીને કુલ 15 જેટલા વાહનોને અડફેટે લીધા હતા. જેના કારણે આ વાહનોમાં  ભારે નુક્સાન થયું હતું. અંદાજે 2 કિલો મીટરના માર્ગ પર અફરાતફરી મચી ગઇ હતી. રસ્તા પરથી પસાર થઇ રહેલા અન્ય વાહનચાલકો,રાહદારીઓ ગભરાઇ ગયા હતા.

ગુસ્સામાં  80 કિમીની સ્પીડે કાર ચલાવતો હત
કિશોરના નાનીને હોસ્પિટલ સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા,જેની ખબર પૂછવા માટે 12 વર્ષીય અને કિશોરના માતા-પિતા ગયા હતા. માતા-પિતાએ કોઈ બાબતે કિશોરને ઠપકો આપ્યો હતો જેથી આ ઠપકા તેનાથી સહન ન થતા તે રોષે ભરાયેલો હતો. હોસ્પિટલમાંથી પોતાના ઘરે ચાલ્યો ગયો હતો. જ્યાં તે ગાડીની ચાવી લઈને બહાર નીકળી ગયો હતો. ગુસ્સામાં ને ગુસ્સામાં કિશોરને એ વાતનો ખ્યાલ ન આવ્યો કે, તેની ગાડીની સ્પિડ 80 કિલોમિટરને પાર પહોંચી ગઇ હતી. કારની અતિઝપના કારણે તેણેે  સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો હતો અને તેણેે વચ્ચે આવતા વાહનચાલકોને અડફેટેમાં લીધા હતા.

ઈસનપુરમાં સાડા અગિયારે એક સગીરે કાર લઈને અકસ્માતની હારમાળા સર્જી હતી. તેણે બેફામપણે કાર ચલાવીને એક બાદ એક 15 વાહનોને ટક્કર મારી હતી. જેના પગલે 10થી વધારે વાહનોને નુકસાન થયું હતું. જ્યારે જીજે 27 કે 5883 નંબરની કારનો ડ્રાઈવર સાઈડનો આગળનો ભાગ તૂટ્યો હતો. એક સીસીટીવી બહાર આવ્યા છે જેમાં કાર  એક્ટિવાને ઘસડીને જતી દેખાય છે.