મેઘ મહેર / રાજ્યમાં અત્યાર સુધીમાં 117 ટકા વરસાદ: તમામ તાલુકામાં 10 ઇંચથી વધુ વરસાદ 

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

  • આગામી બે-ત્રણ દિવસમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં વરસાદની સંભાવના
  • રાજ્યમાં 84.43 લાખ હેક્ટર વિસ્તારમાં ખરિફ વાવેતર  
  • રાજ્યના 25 જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ  
  • સરદાર સરોવર ડેમની સપાટી 136.84 મીટર
  • ગાંધીનગર ખાતે વેધર વૉચની બેઠક યોજાઇ

Divyabhaskar.com

Sep 11, 2019, 11:45 PM IST

અમદાવાદ: રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની ઋતુમાં અત્યાર સુધીમાં 117 ટકા વરસાદ થયો છે. જેમાં ૨૫ જિલ્લાઓમાં 100 ટકાથી વધુ વરસાદ તેમજ રાજ્યના તમામ તાલુકાઓમાં 10 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 30 વર્ષમાં આ નવમું વર્ષ છે કે જેમાં 951થી વધુ મી.મી. વરસાદ થયો છે. ગત વર્ષ-2018માં આ સમયે ગુજરાતમાં 76.73 ટકા વરસાદ નોંધાયો હતો. અત્યાર સુધીમાં રાજ્યમાં 84.43 લાખ હેક્ટર વિસ્તારમાં ખરિફ વાવેતર થયું છે. સરદાર સરોવર ડેમની સપાટી 136.84 મીટર પર પહોંચી છે, તેમ આજે ગાંધીનગર ખાતે યોજાયેલી વેધર વૉચ ગ્રુપની બેઠકમાં રાહત કમિશનર અને સચિવ કે. ડી. કાપડિયાએ જણાવ્યું હતું.

કચ્છ રીજિયનમાં 44 ટકા વધુ વરસાદ થયો
ભારતીય હવામાન વિભાગના હવામાનશાસ્ત્રી જયંત સરકારે જણાવ્યું હતું કે, એન્ટી સાયકલોનિક સર્ક્યુલેશનને પરિણામે આગામી બે-ત્રણ દિવસમાં સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત દક્ષિણ-મધ્ય ગુજરાત સહિત દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લાઓમાં પણ વરસાદ થશે. આગામી સંભવિત તા. 26 સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતમાંથી ચોમાસું વિદાય લેશે. સમગ્ર દેશમાં 1 જૂન થી 10 સપ્ટેમ્બર 2019 સુધીમાં ગુજરાતમાં 20 ટકા તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છ રીજિયનમાં 44 ટકા વધુ વરસાદ થયો છે. પશ્ચિમ મધ્યપ્રદેશમાં વધુ વરસાદ થવાથી નર્મદા નદીમાં પાણીની આવક વધશે. સમગ્ર દેશમાં અત્યાર સુધીમાં ગત વર્ષની સરખામણીએ 3 ટકા વધુ વરસાદ થયો છે, તેમ પણ તેમણે ઉમેર્યું હતું.

એનડીઆરએફની 15 ટીમો તહેનાત કરવામાં આવી
નર્મદા ડેમની સપાટી વધતા નર્મદાનું વધારાનું પાણી સાબરમતી, બનાસ, પુષ્પાવતી અને રૂપેણ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા વલસાડ, ઓલપાડ, રાજકોટ, ગીર સોમનાથ, પાટણ, લુણાવાડા, અને દાહોદમાં 1-1, ભરૂચ અને ગાંધીનગરમાં 2-2 તેમજ વાઘોડિયામાં 4 ટીમ એમ કુલ એનડીઆરએફની 15 ટીમો તહેનાત કરવામાં આવી છે તેમ, રાહત કમિશનરએ ઉમેર્યું હતું. આ બેઠકમાં આરોગ્ય પાણી પુરવઠા, નર્મદા જળ સંપત્તિ, કૃષિ, સિંચાઇ, ઉર્જા સહિતના વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ ઉપસ્થિત રહી જરૂરી માહિતી આપી હતી.

X
ફાઇલ તસવીરફાઇલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી