બસના ડ્રાઇવર-કંડક્ટર નશામાં ધૂત હોઇ મુસાફરોનો હોબાળો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બોડેલી ડેપોમાં બસ મૂકી બંને ફરાર થઇ ગયાં : અન્ય ડ્રાઇવર અને કંડક્ટર મોકલીને મુસાફરો ભરેલી બસને વડોદરા રવાના કરાઇ
  • ચાલુ બસે બંનેએ નશો કર્યો હોવાથી બોડેલી આવવાને બદલે રાજપીપળા તરફ એસટી બસ વાળી દેતાં મુસાફરોએ પિત્તો ગુમાવ્યો

બોડેલી,તેજગઢ: છોટાઉદેપુરથી વડોદરા જતી એસટી બસના ડ્રાઇવર અને કંડકટર દારૂના નશામાં ચકચુર જોવા મળતા મુસાફરોએ મચાવ્યો હોબાળો મચાવ્યો હતો. છેવટે ડેપોમાં બસ મૂકીને બન્ને ફરાર થઈ જતા તેઓ સામે એસટી નિગમે આકરા પગલાં ભરવાની તજવીજ હાથ ધરી હતી. ગુજરાતમા દારૂબંધી હોવા છતાં ગુજરાતમાં ઘરે ઘરે દારુ પીવાય છે.તેવા કોંગ્રેસ નેતા અશોક ગેહલોતના નિવેદનને લઈને એક તરફ વિવાદનો મધપુડો છંછેડાયો છે. તેવામાં છોટાઉદેપુર જિલ્લામા દારૂબંધીના લીરેલીરા ઉડાડતી ઘટના સામે આવી છે.

છોટાઉદેપુરથી વડોદરા જતી એસટી બસના ડ્રાઈવર વસંતભાઈ સવજીભાઈ પરમાર દારૂના નશામા બેફામ એસટી બસ ચલાવતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યાં હતા. તો કંડક્ટર ગોવિંદભાઈ મંગડાભાઈ વસાવા પણ દારૂનો નશો કરેલો હતો અને તેને પણ કોઈ જ ભાન ન હતું.  આશ્ચર્યએ હતું, કે છોટાઉદેપુરથી વડોદરા જવા નીકળેલી બસને ડ્રાઇવરે બોડેલી તરફ લઈ જવાની જગ્યાએ રાજપીપલા રોડ પર વાળી દેતા મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો. મુસાફરોએ હોબાળો મચાવતા બસને વળાવીને માંડમાંડ બોડેલી એસ.ટી ડેપોમા પહોંચાડતા મુસાફરોએ હાશકારો લીધો હતો અને મુસાફરોએ ડેપોમા જઇ કંટ્રોલ રૂમમાં જાણ કરી કંટ્રોલ રૂમ પર પણ મુસાફરોએ હોબાળો મચાવી બોડેલી ડેપો મેનેજરનો સંપર્ક કર્યો હતો. તે અરસામાં ડ્રાઇવર  અને કંડકટર બન્ને બોડેલી ડેપોમાંથી ભાગી છૂટ્યા હતા. જોકે મુસાફરો હેરાન ન થાય તે માટે અન્ય ડ્રાઈવર અને કંડકટરને મોકલીને  મુસાફરો ભરેલી બસને વડોદરા રવાના કરાઇ હતી.

ડ્રાઇવર અને કંડક્ટર એમ બંને કર્મી સામે નિગમ આકરા પગલાં લેશે 
બોડેલી એસટી ડેપોમાં બસ આવી અને મુસાફરોએ હંગામો કર્યો હતો. ત્યારે ઘટનાની જાણ થઈ અને તે વખતે બન્ને ભાગી ગયા હતા. પણ બસને વડોદરા રવાના કરવામાં આવી  હતી.છોટાઉદેપુર ડેપોના નશો કરેલા બન્ને કર્મચારી સામે પ્રાથમિક રિપોર્ટ મોકલ્યો છે.તેથી સસ્પેન્ડ સુધીના પગલાં ભરાઈ શકે છે. - એન એસ મુનિયા, બોડેલી ડેપો મેનેજર