તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઓડ નગરપાલિકાની સત્તા ગુમાવવાની ભીતિએ પ્રમુખ સહિત 5 સભ્ય ભૂગર્ભમાં

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સવા-સવા વર્ષની ફોર્મ્યુલા માનવા તૈયાર નથી : 4થી ઓક્ટોબરની સભા મુલતવી
  • કુલ 24 કાઉન્સિલરો જેમાં કૉંગ્રેસના 16 અને ભાજપના 8 કાઉન્સિલરનો સમાવેશ

ઉમરેઠ: આણંદ જિલ્લાની કૉંગ્રેસ શાસિત ઓડ પાલિકામાં વહીવટીય તથા આંતરિક રાજકારણને લીધે ડખા ઉભા થયા છે. જેમાં વર્તમાન પ્રમુખ પ્રશાંતભાઈ પટેલ સહિત 5 કાઉન્સિલરો ભૂર્ગભમાં ઉતરી ગયા છે.  હાલ તો નગરપાલિકામાં બળવો થવાના એંધાણ વર્તાઇ રહ્યાં છે. પ્રમુખ પ્રશાતભાઈ પટેલે જિલ્લા કલેક્ટરને રાજીનામું આપીને ભાજપમાં જોડાય તેવી શક્યતાએ સ્થાનિક રાજકારણ ગરમાયું છે.  

ઓડ નગરપાલિકામાં કુલ 24 કાઉન્સિલરો છે. જેમાં શાસક કૉંગ્રેસ પક્ષના 16 અને વિપક્ષ ભાજપ પાસે 8 કાઉન્સિલરો છે. નગરપાલિકામાં પ્રમુખની મુદ્દત 2.5 વર્ષની હોય છે. પરંતુ કૉંગ્રેસે તેમાં પણ ભાગ પાડીને સવા-સવા વર્ષની ફોર્મ્યુલાનો વિચિત્ર નુસખો અજમાવ્યો હતો. જેમાં પ્રથમ સવા વર્ષ માટે પ્રશાંતભાઈ પટેલની નિમણુંક કરાઈ હતી. જેની મુદ્દત હવે પૂરી થઇ રહી છે. જ્યારે આગામી 4થી ઓક્ટોબરે યોજાનારી સામાન્ય સભા રદ કરાઈ છે. જેમાં બીજા સવા વર્ષ માટે બીજા પ્રમુખ તરીકે સંભવિત નામ અંકુરભાઈ પટેલનું ચર્ચાતું હતું. જે હાલ કારોબારી સમિતિના ચેરમેન છે. સવા વર્ષ થતાં પ્રશાંતભાઈ પટેલને પ્રમુખપદ ખાલી કરવાનો સમય આવ્યો ત્યારે તે ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે, ઉપપ્રમુખ જગદીશ ઠાકોરના કૌભાંડો અને જેલવાસના કારણે સત્તધીશો સામે આંગળીયો ચિંધાતી હતી તેના કારણે આખરે પ્રમુખે નારાજ થઇ રાજીનામું ધરતા તેમજ 4 સભ્યો એકાએક અજ્ઞાત સ્થળે જતા રહેતા ઓડ નગરપાલિકામાં રાજકીય ઉથલપાથલ થવાની ચર્ચાને વેગ મળ્યો છે. 

રાજીનામું મળ્યું પણ ફેંસલો લેવાનો બાકી 
ગઇકાલે સાંજે રાજીનામું આપીને ગયા છે. મને રાજીનામું મળ્યું છે. પરંતુ તે અંગેનો હજી નિર્ણય લેવાનો બાકી છે. - દિલીપભાઈ રાણા, જિલ્લા કલેક્ટર.

રાજીનામાની વાત અંગે હું જાણતો નથી
હજુ સુધી નગરપાલિકામાં સત્તાવાર જાણ કરાઈ નથી. રાજીનામા અંગે હું કશું જાણતો નથી. આગામી 4થી ઓક્ટોબરે યોજાનારી સામાન્ય સભા અંગે તેણે કહ્યું કે, પ્રમુખને સામાન્ય સભા રદ કરવાનો અધિકાર છે. - જીતેન્દ્રભાઈ પટેલ, ઓડ નગરપાલિકાના ચીફ ઓફિસર.

પ્રમુખ સાથે હાલ સંપર્ક થઇ શક્તો નથી
મારો ફોન લાગતો નથી. પ્રમુખ સાથે અમારો સંપર્ક થઇ શકતો નથી. રાજીનામા બાબતે મને કઈ ખબર નથી. - કુરભાઈ પટેલ, કારોબારી સમિતિના ચેરમેન, ઓડ નગરપાલિકા.