ગ્રામ્ય વિસ્તારમાં ટ્રાફિક પોલીસની ત્રીજી આંખ સાણંદ, બોપલમાં ઈ મેમો ચલણની શરૂઆત થઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • તબક્કાવાર જિલ્લાના વિરમગામ સહિતના તાલુકાઓને આવરી લેવાશે

સાણંદ: અમદાવાદ શહેર બાદ હવે અમદાવાદ ગ્રામ્યમાં પણ ટ્રાફિક પોલીસની ત્રીજી અંખ કાર્યરત થઇ ગઈ છે. હવે ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા વાહન ચાલકોના ઘરે ઈ મેમો ચલણ પહોંચી જશે. ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અન્વયે  અમદાવાદ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સૌ પ્રથમ બોપલ અને સાણંદ વિસ્તારમાં 15 ફેબ્રુઆરીથી ઈ મેમો સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. આ સીસ્ટમ હાલ બંને વિસ્તારના કુલ  9 ટ્રાફિક જંકશન ઉપર 45 સીસીટીવી કેમેરા દ્વારા અમલમાં મુકવામાં આવી છે. આ કેમેરા ટ્રાફિકનું મોનીટરીંગ કરી ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા લોકોને ઈ મેમો ઇસ્યુ કરશે.
આ મેમો આવા લોકોના ઘરના સરનામે મોકલવામાં આવશે. અને દંડ વસુલવામાં આવશે. આ દંડ ઓનલાઈન ઈ ચલન પેમેન્ટની વેબ્સાઈટ ઉપર અથવા નેત્રમ કમાંડ સેન્ટર ઉપર કેશથી પણ ભરી શકાશે.હાલ  આ સિસ્ટમમાં સાણંદના એક માત્ર ઘોડાગાડી સ્ટેન્ડ જંકશન વિસ્તારનો સમાવેશ કરાયો છે અને બોપલના અલગ અલગ કુલ આઠ જંકશનનો સમાવેશ કરાયો છે. સાણંદના અન્ય ટ્રાફિક જંકશનને ટૂંક સમયમાં આવરી લેવાશે. તેમજ અમદાવાદ ગ્રામ્યના બાવળા, ધોળકા, વિરમગામ જેવા વિસ્તારોને પણ તબક્કાવાર આ સિસ્ટમમાં આવરી લેવાશે.અત્રે ઉલ્લેખનીય છે કે સાણંદ પાલિકા દ્વારા 1.39 કરોડના ખર્ચે તાજેતરમાં શહેરમાં સીસીટીવી લગાવાયા હતા. આ કેમેરા હવે ગુનાખોરીની સાથે સાથે ટ્રાફિક નિયમન ઉપર પણ બાજ નજર રાખશે. 
અમદાવાદ શહેરની જેમ હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ ટ્રાફિક નીયમોનો ભંગ કરતાં લોકો પર હવે પોલીસ નજર રાખશે. ટ્રાફિકનો ભંગ કરનારા ચાલકોના ઘરે સીધો જ મેમો પહોંચી જશે. જેથી બેફામ દોડતાં વાહનચાલકો અને યુવાઓ પર અંકુશ આવશે તેમ માનવામાં આવી રહ્યું છે. ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડીમાં ચોરીના બનાવોમાં પણ વધારો થયો હતો. જેથી સીસીટીવીના કારણે હવે તસ્કરો પણ કેમેરામાં કેદ થતાં પોલીસને પકડવા સરળ રહેશે. ઉપરાંત શહેરોને બાદ કરતાં આ પ્રકારનો પ્રયોગ ગ્રામ્ય વિસ્તારમાં કરાતાં શરૂઆતમાં આ પ્રયોગનો વિરોધ થાય તે વાત નકારી શકાતી નથી. કેમ કે, ગામડાઓમાં લોકો ગમે તેમ વાહન ચલાવવા ટેવાયેલા હોય છે. જેથી ટ્રાફિકના નિયમનો ભંગ કરાતં દંડ ભરવાનો આવશે તો સ્વાભાવિક છે કે, આ પ્રયોગનો વિરોધ શરૂઆતમાં થઇ શકે તેમ છે. 

અન્ય સમાચારો પણ છે...