માંડલ પોલીસના 6 કર્મચારીઓએ 2 વ્યક્તિને માર મારતાં કોર્ટમાં ફરિયાદ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ફરિયાદ ન લેતા માંડલ પોલીસ સ્ટેશનમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો
  • પડોશીએ હુમલો કરી બે વ્યક્તિને જાનથી મારી નાખવાની ધમકી આપતાં માંડલ પોલીસે ફરિયાદ લીધી ન હતી

માંડલ: માંડલ પોલીસ સ્ટેશનમાં માંડલના 2 ઇસમો દ્વારા માર મરાયાની ફરિયાદ નોંધાવા ગયા ત્યારે પોલીસે ફરિયાદ નહીં લેવાથી કંટાળી જઇ આત્મ વિલોપનની અરજી આપવા છતાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી ન કરતા ફરિયાદીના પતિ અને એક ઇસમ દ્વારા ડિઝલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા તે સમયે માંડલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 6 પોલીસ કર્મી દ્વારા આત્મવિલોપન કરનારા બંને ઇસમોને પોલીસ દ્વારા માર મારવા આવતા માંડલ સરકારી તથા વિરમગામ દવાખાને સારવાર અર્થે લઇ જવાયા હતા. જેથી માંડલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા 6 પોલીસ કર્મી વિરુદ્ધ માર મારવાની ફરિયાદ સિવિલ કોર્ટમાં કરાઇ છે. 
ફરિયાદમાં જણાવ્યાનુસાર ફરિયાદી શિલ્પાબેન બિપીનભાઇ પટેલ જેઓ તા.11/9/19 ના રોજ સવારે પોતાના ઘરે (રહે. સ્વામિનારાયણ આઇસ ફેકટરી કમ્પાઉન્ડ માંડલ) હાજર હતા. તે સમયે બાજુમાં રહેતા તેમના કાકા ચન્દુકાંતભાઇ હાથમાં ધોકો લઇ આવેલા અને ફરિયાદીના પતિ અને તેમના મજુર કિશનભાઇ એક રખડતી ગાય મહાજનમાં પુરવા લઇ જતા હતા ત્યાં આવી બિપીનભાઇ અને કિશનભાઇને ધમકી આપી માર મારવા આવતા આ ગાય તેમની નહીં હોવા છતાં વધુ ઝઘડો ન થાય તે હેતુથી બિપીનભાઇ અને તેમનો મજુર કિશન એમ ત્રણ જણા માંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જતા ત્યાં હાજર પી.એસ.ઓ. અમરાભાઇ ફરિયાદ હકીકત જણાવી હતી. તેમણે જણાવ્યું હતું કે પી.એસ.આઇ હાજર નથી. તે આવે ત્યારે આવજો. જેથી ત્રણેય જણા પરત ફર્યા હતા. 
ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં 6થી 7 વખત ધક્કા ખાવા છતાં આજ સુધી ફરિયાદ ન લીધી અને ફરિયાદીના કાકા ચન્દુકાંતભાઇ એ ફરિયાદી વિરુદ્ધની તેમની ફરિયાદ લઇ લીધી હતી. ત્યારબાદ ચન્દુકાંતભાઇએ મજુર કિશનભાઇને ધમકી આપી કે તારા દીકરાનું અપહરણ કરીને લઇ જઇશું જેથી ના છુટકે કંટાળીને કિશનભાઇએ આત્મવિલોપનની અરજી આપી તેમ છતા કોઇ કાર્યવાહી ન કરાતા બિપીનભાઇ અને કિશનભાઇને આત્મવિલોપન કરવાની ફરજ પડતા ડિઝલ છાંટી આત્મ વિલોપનનો પ્રયાસ કરતા તે પોલીસ સ્ટેશનમાં હાજર પોલીસ કર્મી નસીબખાન, અમરામભાઇ હરજીભાઇ રાઠોડ, મેહુલ સુખદેવ પટેલ, મહેશભાઇ, અન્ય 3 જણાં કે જેઓ બધા એક સંપ થઇ ભેગા મળી બિપીનભાઇ અને કિશનભાઇને ઢસડીને પોલીસ સ્ટેશનમાં સામેના રૂમમાં લઇ જઇ નસીબખાન અને મહેશભાઇ અને અમરાભાઇ અને મેહુલભાઇ મળી લોખંડની પટ્ટી જેવું સાધન લઇ વાયર હાથમાં લઇ મેહુલભાઇએ ફરિયાદીની હાજરીમાં બિપીનભાઇ અને કિશનભાઇને માર મારવા લાગ્યા હતા. જેનાથી બિપીનભાઇને માર માર્યો હતો.
અમરાભાઇ એ બિપીનભાઇના વાળ ખેંચી ગડદાપાટુનો માર માર્યો અને ફરિયાદીને નસીબખાને અપશબ્દો બોલી માર માર્યો હતો. આમ તમામે ભેગા થઇ ફરિયાદીની ઇજ્જત લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. નસીબખાને સોનાનો દોરો બીક બતાવી કાઢી લીધો હતો અને મહેશભાઇએ બિપીનભાઇનો મોબાઇલ પછાડી તોડી નાખ્યો હતો. આ બનાવમાં બિપીનભાઇને વધુ ઇજા થવાથી તાત્કાલિક સારવાર અર્થે માંડલ સરકારી દવાખાને લઇ ગયા હતા. ફરિયાદી અને કિશનભાઇની સારવાર કરાવી અને બિપીનભાઇને વધુ ઇજા હોઇ વિરમગામ ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કર્યા હતા. 
આમ ફરિયાદીની ફરિયાદ ન લેતા તેમજ માર મારી ઇજ્જત પર હાથ નાખી અપશબ્દો બોલી સોનાનો દોરો પડાવી લઇ ફરિયાદીનો પતિનો મોબાઇલ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી તમામ એક સંપ થઇ બિપીનભાઇએ પહેલા ક્રિ.પ.અ.નં. 5/19 થી કોર્ટમાં માંડલ પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ કરી છે. માંડલ પોલીસ મથકના કર્મચારીઓમાં નસીબખાન, અમરામભાઇ,  મહેશભાઇ, મેહુલભાઇ, અન્ય 3 જણાં સામે કોર્ટમાં ફરિયાદ કરતાં આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે.