સરકારી નોકરીની તૈયારી:LRD ભરતી માટે મહેસાણામાં ભાજપ બક્ષીપંચ મોરચાએ કોચિંગ ક્લાસ શરૂ કર્યા, અમદાવાદ-સિદ્ધપુરથી ટ્રેનિંગ માટે આવી રહ્યા છે ઉમેદવારો

મહેસાણા2 મહિનો પહેલાલેખક: અપૂર્વ રાવળ
  • મહેસાણા, વડનગર, કડી ખાતે હાલમાં બક્ષીપંચ મોરચાના સદસ્યો દ્વારા મુહિમ ઉઠાવવામાં આવી છે
  • ઘણીવાર ગરીબ બાળકો તૈયારી માટે યોગ્ય ગાઈડન્સ ન મળતા મેરિટમાં પાછળ રહી જતા હોય છે

સમગ્ર ગુજરાતમાંથી LRD ભરતી માટે 10,000 જેટલી જગ્યા સામે સાડા નવ લાખ જેટલા ઉમેદવારો મેદાનમાં પર સવાર અને સાંજ પરસેવો પાડી રહ્યા છે. એવામાં મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં પણ કોઈ ઉમેદવારો ખેતરોમાં તો કોઈ, રસ્તા પર તો કોઈ ગામની સ્કૂલોમાં સવાર અને સાંજ પોતાનો પરસેવો પાડી રહ્યા છે.

22 ઉચ્ચે કોચિંગ કરતા ફેકલ્ટી હાયર કરાયા
મહેસાણા જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં LRDની તૈયારી કરતા ઉમેદવાર અને મધ્યમ વર્ગમાંથી આવતા ઉમેદવાર માટે મહેસાણા જિલ્લા બક્ષીપંચ મોરચા દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મહેસાણા, વડનગર, કડી ખાતે હાલમાં બક્ષીપંચ મોરચાના સદસ્યો દ્વારા મુહિમ ઉઠાવવામાં આવી છે. જેમાં 22 જેટલા ઉચ્ચ કોચિંગ કરાવતા ફેકલ્ટીને હાયર કરીને શનિવાર અને રવિવાર આમ બે દિવસ દરમિયાન ગામડાઓ અને શહેરી વિસ્તારોના 400 જેટલા ઉમેદવારોને નિઃશુલ્ક કોચિંગ અપાઈ રહી છે.

શનિ-રવિમાં 400થી વધુ ઉમેદવારો તૈયારી માટે મહેસાણા આવે છે.
શનિ-રવિમાં 400થી વધુ ઉમેદવારો તૈયારી માટે મહેસાણા આવે છે.

400થી વધુ ઉમેદવારો દૂર દૂરથી પહોંચે છે
બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્યામ દેસાઈએ દિવ્યભાસ્કર સાથેની વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જ્યારે અમારી ટીમ ગામડાઓમાં ગઈ ત્યારે જાણવા મળ્યું ગરીબ મા-બાપનાં બાળકો ટેલેન્ટેડ હોય છે પણ હાલમાં જે પરીક્ષાઓ છે એની દિશા અને તૈયારી માટે ગાઈડન્સ મળતું નથી. જેથી હોંશિયાર હોવા છતાં ભરતીઓમાં મેરીટમાં પાછળ રહેતા હોય છે. આ બાબત અમારા ધ્યાને આવવાથી આખી ટીમે નિર્ણય કર્યો અપણા દ્વારા મહેસાણા જિલ્લાના બાળકો માટે સ્પેશિયલ LRD અને વર્ગ-3ની જે પરીક્ષાઓ આવે છે એના માટે નિઃશુલ્ક કોચિંગ કલાસ શરૂ કરવા, જેથી હાલમાં કલાસ ચાલુ કર્યાં છે, જેમાં 400થી વધુ વિદ્યાર્થીઓ દૂર દૂરથી આવી રહ્યા છે.

સિદ્ધપુરથી મહિલા ઉમેદવાર એકલા મહેસાણા જાય છે
સિદ્ધપુરથી સ્પેશ્યલ મહેસાણા પ્રેક્ટિસ કરવા આવતી LRD ઉમેદવાર સિદ્ધપુર ખાતે રહેતી ઠાકોર ખુશ્બૂએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, અગાઉની ભરતીમાં મારી પ્રોપર તૈયારી નહોતી, જેથી મેં ચાન્સ ખોયો હતો. જોકે હવે ફરી એકવાર LRD માટે તૈયારી કરી રહી છું, જેમાં હાલ રોજ વહેલી સવારે 6 કલાકે ઉઠી સિદ્ધપુરથી 40 કિલોમીટરનું અંતર કાપી, બસમાં મુસાફરી કરીને મહેસાણા પોલીસ ગ્રાઉન્ડ ખાતે એકલી પ્રેક્ટિસ કરવા આવું છું અને દિવસ દરમિયાન મહેસાણામાં પરિચિતના ત્યાં રોકાઈને રીડિંગ કરું છું.

બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્યામ દેસાઈની તસવીર
બક્ષીપંચ મોરચાના પ્રમુખ શ્યામ દેસાઈની તસવીર

MBA કરતી યુવતીઓ LRDના કોચિંગ માટે આવી રહી છે
LRDમાં ભરતી થવા માટે હાલમાં અનેક ક્ષેત્રમાં અભ્યાસ કરતા ઉમેદવાર મહેનત કરી રહ્યા છે, ત્યારે મહેસાણા ખાતે ચાલતા નિઃશુલ્ક કોચિંગ કલાસમાં કોચિંગ મેળવવા MBAનો અભ્યાસ કરતી બે યુવતીઓ અમદાવાદથી આવી રહી છે. તેમાંથી એક યુવતી પ્રજાપતિ રક્ષાએ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, વહેલી સવારે ટ્રેનિંગ માટે અમદાવાદના રિવરફ્રન્ટ પર જઈએ છીએ ત્યારબાદ ઘરે 4થી 6 કલાક રિડીંગ કરીયે છીએ, તેમજ કોચિંગ માટે અમદાવાદથી મહેસાણા અપડાઉ કરી હાલમાં LRD ભરતી માટે મહેનત કરી રહ્યા છીએ.

બાગ બગીચા,રોડ,સ્કૂલ ગ્રાઉન્ડ માં ઉમેદવારો કરી રહ્યા છે તનતોડ મહેનત
મહેસાણા જિલ્લાના મોટા ભાગના ગામડાઓમાં યુવાનો હાલમાં LRDને લઈને પ્રેક્ટિસ કરી રહ્યા છે, જોકે અમુક ઉમેદવાર રોડ પર તો કેટલાક ઉમેદવાર ગામની ખરવાડો અને ગામની સ્કૂલોના ગ્રાઉન્ડમાં પ્રેક્ટિકસ કરી રહ્યાં છે, જેમાં પ્રત્યેક ગામોમાંથી અંદાજે 20થી વધુ ઉમેદવાર હાલમાં મહેનત કરી રહ્યા છે.