તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મર્યાદાવિહોણા નેતા: કોમેન્ટ પર તાળી ઠોકવાને બદલે બોયકોટ કરો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  •  ભારતીય રાજકારણનો આ સૌથી દુ:ખદ તબક્કો છે
  • સ્ત્રીઓ પર કરાતી ટિપ્પણીઓ પર તાળીઓ પડે છે.

ઇલેક્શન ડેસ્કઃ આ વખતે લોકસભા ચૂંટણીનો પ્રચાર સ્વતંત્ર ભારતના સૌથી નિમ્નસ્તરે  છે. વિવાદિત ટિપ્પણીઓ તો આવતી જ રહે છે, પરંતુ આ વખતે તેણે નૈતિક મર્યાદાઓને ખરાબ રીતે  તોડી નાંખી છે. રામપુરના સપા ઉમેદવાર આઝમ ખાનની હરીફ ભાજપ ઉમેદવાર જયાપ્રદા અંગે કરાયેલી ટિપ્પણી બહુ જ મર્યાદાવિહોણી ટિપ્પણી છે. તેમાં પણ હદ એ છે કે  આઝમ ખાનને પોતાની એ ટિપ્પણીથી કોઇ પસ્તાવો પણ નથી. માફી માગવી તો દૂર તેમણે ખેદ પણ વ્યક્ત કર્યો નથી.

વધુ એક નિવેદનમાં તેઓ સરકારી અધિકારીઓ પાસે જૂતાં સાફ કરાવવાની પણ વાત કરી ગયા. આશ્ચર્ય એ વાતનું છે કે આ બંને નિવેદનોના સમયે લોકો તાળીઓ પાડી આઝમ ખાનનો ઉત્સાહ વધારતા જોવા મળ્યા.

ભારતીય રાજકારણનો આ સૌથી દુ:ખદ તબક્કો છે. લોકો નેતાની એ ભાષા પર તાળીઓ વગાડી રહ્યા છે જે પોતાના પરિવાર માટે પણ ક્યારેય ચલાવી ન લેવાય. ચૂંટણીપંચે પણ આઝમ ખાન પર પ્રતિબંધની કાર્યવાહી કરી માત્ર ઔપચારિક્તા અદા કરી દીધી. મત માટે ધર્મને વહેંચવામાં માયાવતી પણ પાછળ નથી. તેમણે ભાજપનો ડર દેખાડતા મુસ્લિમો પાસે મત માગ્યા. આ જ કામ મેનકા ગાંધીએ પણ કર્યું.

નવજોત સિદ્ધુની ભાષા પણ બિનજવાબદારપૂર્ણ છે. તેમણે કટિહારમાં મુસ્લિમોને ડરાવ્યા કે તેઓ એક સાથ નહીં આવ્યા તો મોદીની સરકાર બનશે. તેમણે વડાપ્રધાન મોદીને ‘તુ’ અને ચોર પણ કહી દીધા. આ ઉદાહરણો દર્શાવે છે કે અમર્યાદિત ભાષાના ઝેરી બાણો વોટબેન્કને ભેદે છે. સ્ત્રીઓ પર કરાતી ટિપ્પણીઓ પર તાળીઓ પડે છે.


જોકે આ નિવેદનોની નિંદા થઇ છે. છતાં સવાલ એ છે કે શું નેતાઓ સુધરી જશે? આ નેતા ચૂંટણીપંચ અને કોર્ટથી ડરતા કેમ નથી? ઉપરાંત નેતાઓ પર લાગેલા પ્રતિબંધો અડધા-અપૂરતા અને સાંકેતિક છે. તેને અસરકારક બનાવવા માટે મારું સૂચન છે કે આવા નેતાઓના પ્રચાર પર પ્રતિબંધ લાગવો જ જોઇએ અને મીડિયાએ આવા નેતાઓને સંપૂર્ણપણે બોયકોટ કરવા જોઇએ.
 

અમર્યાદિત નેતાઓની સાથે તેમની પાર્ટીઓએ પણ કડક કાર્યવાહી કરવી જોઇએ. અત્યારે પક્ષો એવું કહીને ખસી જાય છે કે તે તેમનો અંગત મત છે. જ્યારે નેતાઓની અમર્યાદિત ટિપ્પણીઓને કારણે પાર્ટીઓનો ચૂંટણીપ્રચાર બંધ થશે ત્યારે પાર્ટીઓ પણ નેતાઓને કાબૂમાં રાખશે અને તેમના એક-એક શબ્દ ઓડિટ કરશે. ચૂંટણીપંચે આવા નેતાઓ પ્રત્યે ‘ઝીરો ટોલરેન્સ’ નીતિ અપનાવવી જોઇએ. બે-ચાર નેતાઓની ચૂંટણી રદ કરી દેવી જોઇએ.


પરંતુ ચૂંટણીપંચની સમસ્યા એ છે કે આપણી સરકારોએ તેને ક્યારેય આટલી સત્તા આપી જ નથી કે બેકાબૂ નેતાઓ સામે કોઇ કડક એકશન લઇ શકે. ચૂંટણીપંચે એપ્રિલ 2018માં સુપ્રીમકોર્ટને જણાવ્યું હતું કે તે સુધારા માટે 1998થી કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલી રહ્યું છે. 2004માં જ પંચે ચૂંટણી પ્રક્રિયામાં સુધારાના 22 પ્રસ્તાવ મોકલ્યા હતા.

યુપીએ 2માં પંચે બે વખત તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંઘને પત્ર પણ લખ્યો હતો પરંતુ તેના પર કોઇ કામ થયું નહીં. 2016માં 47 પ્રસ્તાવ સરકાર પાસે મોકલવામાં આવ્યા પરંતુ કોઇ કાર્યવાહી ન થઇ.  એટલે ચૂંટણીપંચ પણ પત્રો લખી-લખીને થાકી ગયું. હવે છેલ્લો સવાલ તમને બધાને છે કે એવું કેમ થાય છે કે કોઇ નેતા જેટલી વધારે ખરાબ ભાષા વાપરે છે, મર્યાદાઓની સીમા જેટલી વધારે તોડે છે, ભાષાના સ્તરે જેટલો વધારે નીચે જાય છે તે એટલો જ મોટો સ્ટાર પ્રચારક બને છે?

નવજોત સિદ્ધુ અને આઝમ ખાન જેવા લોકો સ્ટાર પ્રચારકોમાં ગણાય છે. સિદ્ધુ તો એવો દાવો પણ કરે છે કે આ વખતે કોંગ્રેસના ચૂંટણીપ્રચારમાં તેમની સૌથી વધુ ડિમાન્ડ છે.  સ્ટાર પ્રચારક એ જ બને છે જેઓ સભાઓમાં વધુને વધુ ભીડ ભેગી કરી શકે. તેનાથી મત ભલે ન મળે પણ ભીડની ગેરંટી હોય છે. તેના માટે એક હદ સુધી લોકો પણ જવાબદાર છે, એ ભીડ પણ જવાબદાર છે જે તેમની સભાઓમાં આવે છે, જેઓ ગાળો પર તાળીઓ ઠોકે છે. તેથી જ તો સિદ્ધુ કહે છે કે ઠોકો તાળી અને જનતા તાળી ઠોકે છે.

પોતાની તાળીઓ વેડફો નહીં. તેને એટલી સસ્તી ન બનાવો. લોકતંત્રમાં તાળીઓ બહુ કિમતી છે. સંસ્કારી સમાજવાળા દેશમાં લોકો આટલી અમર્યાદિત ભાષા કેવી રીતે બોલી શકે? ભારત સૌથી મોટું લોકતંત્ર છે તો શું સૌથી ગંદુ લોકતંત્ર પણ છે? છેલ્લાં 70 વર્ષમાં દરેક ચૂંટણીની સાથે પ્રચારનું સ્તર પણ નિમ્ન થઈ રહ્યું છે. આજે સ્થિતિ એવી છે કે ચૂંટણીપ્રચારનું સ્તર શેરીઓના ગુંડા જેવો છે. જેમાં તેઓ કહે છે વોટ આપી દો નહીં તો...


 મેં સરકારોને જોઇ, ચૂંટણીપંચોને જોયાં, કોર્ટોને પણ જોઇ, કોઇ આ નેતાઓનું કશું બગાડી શક્યું નથી. છેલ્લી આશા દેશની જનતા છે. પોતાના સૂઇ ગયેલા સંસ્કારોને જગાડો. દેશને પોતાનો પરિવાર માનો અને અનૈતિક તેમજ અમર્યાદિત નેતાઓની ભીડમાં જવાનું બંધ કરો, તેમની ગાળો પર તાળીઓ ઠોકવાનું બંધ કરો અને પોતાના મત દ્વારા તેમના પર સર્જિકલ સ્ટ્રાઇક કરો.

જે દિવસે આવા નેતાઓને તમારા તરફથી આવો કડક જવાબ મળવા લાગશે તે દિવસથી તેમની ભાષા પણ સંસ્કારી થઇ જશે. આ ચૂંટણીના હજુ 5 તબક્કા બાકી છે. આ ફોર્મ્યુલા અત્યારથી જ ટ્રાય કરવા માંડો. - સુધીર ચૌધરી  વરિષ્ઠ પત્રકાર, ઝી ન્યૂઝના એડિટર ઇન ચીફ છે.

અન્ય સમાચારો પણ છે...